- 8000 રૂપિયામાં ટેસ્ટ વગર ડ્રાઇવિંગ લાયસન્સની જાહેરાતથી ખળભળાટ
- રાજકોટ RTO દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઇ ફરિયાદ
- સેટિંગથી લાયસન્સ બનાવવામાં આવેલ હશે તો રદ કરાશે: RTO ઈન્સ્પેક્ટર
આજે સવારથી જ રાજકોટની RTO કચેરી ચર્ચામાં આવી ગઈ હતી. તેનું કારણ હતું એક જાહેરાત જેમવા RTO કચેરીમાં કોઈ પણ પ્રકારની ડ્રાયવીંગ ટેસ્ટ આપવા વગર જ લાયસન્સ કાઢી આપવામાં આવશે. જાહેરાતમાં આ માટેની રકમ પણ લખવામાં આવી હતી. જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે 8000 રૂપિયામાં ટેસ્ટ આપ્યા વિના કાઢી આપવામાં આવશે. તો, આ જાહેરાતને લઈને હાલ તો રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે તેમજ તપાસમાં RTO કર્મચારીની સાઠગાંઠ પણ સામે આવી શકે છે. ત્યારે હવે આ મામલે RTO ઈન્સ્પેક્ટર દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
રાજકોટમાં ટેસ્ટ ડ્રાઈવ આપ્યાં વગર લાઇસન્સ કાઢી આપવાની પોસ્ટ વાયરલ થવા મામલે હવે RTO ઈન્સ્પેક્ટર કે.એમ.ખાપેડનું નિવેદન સામે આવ્યું છે. મહત્વનું છે કે, રાજદિપ સિંહ ડાભી નામના દ્વારા સોશીયલ મીડિયામાં પોસ્ટ મૂકવા મામલે RTO ઇન્સ્પેકટરે નિવેદન આપતા જણાવ્યું છે કે જે રીતે પોસ્ટ મૂકવામાં આવી છે તે મુદ્દે તપાસ ચાલી રહી છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ પણ કરવામાં આવી છે.
રાજકોટ આરટીઓના RTO ઈન્સ્પેક્ટર કે.એમ.ખાપેડ દ્વારા વધુમાં નિવેદન આપવામાં આવ્યું છે કે જો RTO કચેરીના કોઈ કર્મચારીઓ આમાં સંડોવાયેલા હશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. જો તપાસમાં સામે આવશે કે કોઈ રીતે સેટિંગથી લાઇસન્સ કાઢી આપવામાં આવ્યા છે અથવા કાઢી આપવામાં આવે છે તો તે તમામ લાઈસન્સ રદ્દ કરવામાં આવશે. ત્યારે મહત્વનું છે કે સમગ્ર મામલે રાજકોટ RTO દ્વારા ખોટી જાહેરાતને લઈને રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તો સમગ્ર મામલે RTOના કર્મચારીઓ અને એજન્ટોની સાંઠગાંઠ પણ હોવાના ખુલાસા થઈ શકે છે.


