ફાઇવ સ્ટાર બસ સ્ટેશનમાં ધાંધીયા અંગે તંત્રનો લુલો બચાવ
રાજકોટના ફાઇવ સ્ટાર ગણાતા બસ પોર્ટમાં હવે મુસાફર સુવિધાના ધાંધીયા શરૂ થયા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં બસ પોર્ટના વેઇટીંગ લોન્જમાં બસની રાહ જોતા મુસાફરોને કાળઝાળ ગરમીમાં બફાવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. કારણ કે અહીં મોટી સાઇઝનો પંખો બંધ હોવાથી લોકોને હેરાન થવું પડે છે.
આ અંગે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પ્રવીણભાઈ લાખાણી, મેઘજીભાઈ રાઠોડ, મહિલા સામાજિક આગેવાનો સોલંકી નિશા, જસુબા વાંક, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણ ની એક સંયુક્ત યાદી જણાવે છે રાજકોટના ઢેબર રોડ પરના એસ.ટી બસ પોર્ટ પર બંધ પંખા બાબતે તા. 28/3ની રજૂઆત નો ઉલાળીયો કરી કોઈ પણ પ્રકારનો જવાબ જવાબદાર અધિકારીઓ દ્વારા આપવામાં ન આવતા અને બંધ પંખો શરૂ કરવામાં ન આવતા આ અંગે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવાની ફરજ પડી છે જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના મેનેજિંગ ડાયરેક્ટર અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ને ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે બસ સ્પોર્ટ ના બંધ પંખા બાબતે દંડનીય કાર્યવાહી કરવામાં આવે. આગામી દશેક દિવસમાં બંધ પંખો શરૂ નહીં કરવામાં આવે તો ડેપો મેનેજરની ઓફિસમાં હલ્લાબોલ કરવામાં આવશે. અને કંઈ પણ થશે તો જવાબદારી ડેપો મેનેજરની રહેશે.
રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર છે રાજકોટ શહેરના એસ.ટી બસ પોર્ટ પર નિયમિત 1800 થી વધુ બસોની અવરજવર રહે છે આ એસટી બસપોર્ટ એ પીપીપી ના ધોરણે અપાયું હોય સરકારે જમીનો વેચી થાળી ભાંગી વાટકો કરવામાં આવતા યાત્રીકોને પારાવાર હાડમારી વેઠવી પડે છે. ટૂંકી જગ્યામાં માતેલા સાંઢની જેમ અવરજવર કરતી એસટી બસો યાત્રીકો માટે મોતની લટકતી તલવાર સમાન છે. તાજેતરમાં એક યુવાન અને એક વૃદ્ધ બસમાં ચગદાયા હતા. એસટી બસપોર્ટ ના વહીવટી અધિકારીઓ અને પીપીપી ના કોન્ટ્રાક્ટરો વચ્ચે સંકલનના અભાવે મુસાફરોની કરવામાં આવતી ફરિયાદો ને નજર અંદાજ કરવામાં આવે છે.
રાજકોટ વિભાગીય નિયામક કલોતરાએ જણાવ્યું હતું કે બસ પોર્ટમા કુલ મોટી સાઈઝના ૪ પંખા ફીટ કરવામાં આવ્યા છે જેમાંથી ત્રણ પંખા ચાલુ છે જયારે એક પંખામાં વાયરીંગ માં ફોલ્ટ છે જે પણ આજ સાંજ સુધીમાં રીપેર થઈ જશે તેમ અગ્ર ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.


