- TRP ગેમઝોનમાં આગનો સામાન પહેલાથી જ હતો હાજર
- ગેમઝોનમાં એક પછી એક મળી રહ્યો છે મોતનો સામાન
- સમારકામ ચાલી રહ્યુ છે ત્યાંથી મળ્યા કેમિકલના 5 ડ્રમ
રાજકોટના TRP ગેમઝોનમાં આગનો સામાન પહેલાથી જ હાજર હતો. ગેમઝોનમાં એક પછી એક મોતનો સામાન મળી રહ્યો છે. જેમાં સમારકામ ચાલી રહ્યુ છે ત્યાંથી કેમિકલના 5 ડ્રમ મળ્યા છે. તેમાં કેમિકલના ડ્રમમાં કેટલાક પ્રમાણમાં સોલવંટ મિશ્રિત હતું. તથા કેમિકલ અને ટર્પેન્ટટાઈનના કેરબા મળી આવ્યા છે.
ગેમઝોનમાંથી પેટ્રોલ ડીઝલ બાદ કેમિકલ મળી આવ્યું
ગેમઝોનમાંથી પેટ્રોલ ડીઝલ બાદ કેમિકલ મળી આવ્યું છે. કેમિકલ એટલું ભયાનક છે તરત જ આગ પકડી શકે છે. આ કેમિકલના બેરલો અહીં ભરેલા મળી આવ્યા છે. રાજકોટમાં ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડ અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. આ મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગની ઘટનામાં સૌપ્રથમ ગેમ ઝોનના ACમાં પ્રચંડ ધડાકો થયો હતો. પ્રચંડ ધડાકા બાદ ધૂમાડાના ગોટે ગોટા વળ્યા હતા. આગ અને ધૂમાડા બાદ ગેમઝોનમાં અફરાતફરી સર્જાઇ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ACમાં શોટસર્કિટ બાદ ફેબ્રિકેશનમાં આગ લાગી હતી. આગ અને ધૂમાડાથી બચવા લોકોમાં નાસભાગ મચી હતી.
પ્રભાવિત લોકોની તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે
સમગ્ર દુર્ઘટનાની તપાસ માટે SITનું ગઠન કરવામાં આવ્યું છે. તેમજ ઈજા પામેલા વ્યક્તિઓને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આગ એટલી ભીષણ હતી કે લોકોના રેસ્ક્યુ કરવા ખૂબ અઘરું હતું. જાણવા મળ્યું છે કે બુલડોઝરની મદદથી પતરાં હટાવીને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ઘટના પર નજર રાખી રહ્યા હતા. દુર્ઘટના બાદ તેમણે અસરગ્રસ્તો પ્રત્યે સંવેદના પ્રકટ કરી હતી. તેમણે પોતાના આધિકારિક X હેન્ડલ પર મૃતકોના પરિવાર અને ઘાયલો માટે પ્રાર્થના કરી હતી. સાથે જ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરીને આખી ઘટના વિશે માહિતી લીધી હતી. વડાપ્રધાનના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીએ તેમને જણાવ્યું હતું કે પ્રભાવિત લોકોની તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે.


