ચૂંટણી દરમિયાન કામગીરી ખૂબ સારી રહી : વિકાસ સહાય
રાજયના પોલીસ વડા વિકાસ સહાય આજે રાજકોટ શહેરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પોલીસ કમિશનર કચેરીમાં ડીજીપીનું ગાર્ડ ઓફ ઓનર સાથે લાલા જાજમ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન ડીજીપી દ્વારા શહેરની કાયદો વ્યવસ્થાને લઇને ચર્ચા કરવામાં આવી હતી.
રાજકોટ મુલાકાત દરમિયાન ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે તાજેતરમાં જ લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે અને રાજકોટમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાઇ હતી. જેમાં ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે જળવાઇ રહી હતી. જેમાં પોલીસ તંત્ર દ્વારા કામગીરી સારી રહી છે તેમજ પોલીસ મિત્રો જે સૂત્ર આપવામાં આવ્યું છે તેને રાજકોટ તેમજ સૌરાષ્ટ્રની પોલીસે સાર્થક કર્યુ છે.
રાજકોટમાં લોકસભા ચૂંટણી દરમિયાન કેટલાક મુદ્દાને લઇને વાતાવરણ ડોહળાયું હતું અને આંદોલન ચાલી રહ્યા હતા તે દરમિયાન રાજકોટ લોકસભા બેઠક પર કોઇ છમકલું થશે તેવા અણસારના પગલે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જે બંદોબસ્તના પગલે રાજકોટ લોકસભા બેઠક પર કોઇપણ વિઘ્ન વગર ચૂંટણી પૂર્ણ થઇ હતી. તેમજ ચૂંટણી દરમિયાન અશકત અને દિવ્યાંગ મતદારો માટે પોલીસ સાચા અર્થમાં મિત્ર બની હતી અને લોકોને મદદ કરી હોવાનું ડીજીપીને ધ્યાનમાં આવતા આ કામગીરીના વખાણ કર્યા હતા.


