સ્વીડન, યુકે, થાઇલેન્ડ, સિંગાપોર, ડેનમાર્ક, કોલંબીયા, બ્રાઝીલ, ઓસ્ટ્રેલીયા અને દેશના વિવિધ રાજયોના પતંગબાજોએ ભાગ લીધો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે સવારે ૯ વાગ્યાથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો હતો. જેના પગલે મકરસંક્રાંત પહેલા રાજકોટનું આકાશ રંગબેરંગી પતંગોથી જગમગી ઉઠયું હતું. પતંગ મહોત્સવમાં ૨૧ વિદેશી સહિત ૧3પથી વધુ પતંગ બાજોએ ભાગ લીધો હતો. જેમાં ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ, કોલંબીયા, ડેનમાર્ક, સિંગાપોર, થાઇલેન્ડ, સ્વીડન અને યુકેથી ૨૧ વિદેશી પતંગબાજોએ પણ પતંગો ચગાવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, આરએમસી કમિશનર તુષાર સુમેરાના જણાવ્યા મુજબ રાજય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુકત ઉપક્રમે કવિ રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિયેટર રેસકોર્ષ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ૧3પથી વધુ પતંગ બાજોએ કલરફૂલ પતંગો ઉડાવી આકાશ રંગબેરંગી કરી દીધુ હતું.
આ મહોત્સવમાં વિદેશી ઉપરાંત ભારતના મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, ઓડિસ્સા, તામિલનાડુ, સિક્કીમ, વેસ્ટ બેંગાલ જેવા વિવિધ રાજયોમાંથી પતંગબાજો આવ્યા હતાં. આ તમામ પતંગબાજોએ અવનવી પતંગો ઉડાવીને રાજકોટના આકાશને રંગોથી ઝગમગાવી દીધુ હતું. આ આતંરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા હતાં. આ તકે મેયર નયનાબેન પેઢડીયા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, સાંસદ પુરૂષોત્તમભાઇ રૂપાલા, પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, દંડક મનિષભાઇ રાડીયા, નિલુબેન જાદવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


