- ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જોરે ઇમરજન્સીમાં સેના સરળતાથી સરહદ સુધી પહોંચશે
- બીઆરઓએ રોડ, પુલ વગેરેના માધ્યમથી એક સ્થાનને અન્ય સ્થાન સાથે જોડયું : રાજનાથ
- BROએ રેકોર્ડ બનાવ્યો
કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું કે દેશના સરહદી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવા પર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે. રાજનાથે કહ્યું હતું કે દેશના સરહદી વિસ્તારોમાં રોડ નેટવર્ક પાથરવાથી માંડીને પુલોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સરહદી વિસ્તારોમાં સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જોરે ઇમરજન્સીની સ્થિતિમાં સેના સરળતાથી સરહદ સુધી પહોંચી શકશે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં શુક્રવારે પહોંચેલા રાજનાથે 760 કરોડના ખર્ચે તૈયાર થયેલા 35 બીઆરઓ પ્રોજેક્ટ દેશને સમર્પિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ચમોલી જિલ્લાની સરહદ ચીન સરહદ સાથે આવેલી છે. રાજનાથસિંહે કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં બીઆરઓના નિર્માણ કાર્યોમાં ગતિ જોવા મળી છે. સંરક્ષણપ્રધાને કહ્યું હતું કે દેશના સરહદી વિસ્તારો અને પહાડો પર એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવામાં આવશે, જેનાથી સેના આંખના પલકારામાં જ સરહદી એરિયા સુધી પહોંચી શકે. પુલોના નિર્માણથી માંડીને રોડનું નેટવર્ક પાથરવાથી કોઇપણ સ્થિતિમાં સેના સરળતાથી પહોંચી જશે.
BROએ રેકોર્ડ બનાવ્યો
કેન્દ્રીય સંરક્ષણપ્રધાને કહ્યું હતું કે 2023માં 125 પ્રોજેક્ટ્સને પૂર્ણ કરીને બોર્ડર રોડ
ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ)એ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. રાજનાથસિંહે વધુમાં ઉમેર્યુ હતું કે સંરક્ષણપ્રધાનના રૂપમાં તેમણે બીઆરઓના પ્રોજેક્ટ્સને ખૂબ નજીકથી જોવાની, જાણવાની, સમજવાની તક મલી હતી. રાજનાથસિંહે કહ્યું હતું કે દરેક પ્રોજેક્ટ્સનું ઉદઘાટન બીઆરઓની મહેનતનું પ્રતીક બનીને સામે આવે છે.


