રાજકોટમાં રામનવમીનો ધર્મોલ્લાસ : વિશાળ શોભાયાત્રા નીકળી
૩૦ થી વધુ ફલોટ જોડાયા : ઈસ્કોન મંદિર, સંકીર્તન મંદિર સહિત રામમંદિરોમાં ઉજવણી
રામ નામ મેં લીન હૈ, દેખત સબ મેં રામ. આજે રામનવમી પર્વ નિમિતે સમગ્ર હિન્દુ સમાજમાં ભગવાન શ્રી રામના નામનો ધર્મોલ્લાસ છવાયો હતો. રામ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ઘેર-ઘેર રામનવમીના ઉપવાસ, એકટાણા અને રામધૂનના કાર્યક્રમો યોજાયા હતાં. વિશ્વ હિન્દુ પરિષદ સહિતના રામધર્મી ભકતોએ શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોના આયોજન કર્યા હતાં. શહેરના વિભિન્ન વિસ્તારમાંથી ચાર શોભાયાત્રા નિકળી હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત નાણાવટી ચોકમાંથી સવારે ૧૦ વાગે શોભાયાત્રા શરૂ થઈ હતી જે વિવિધ માર્ગો પર ફરી અને ગોંડલ રોડ પર આવેલ રામજી મંદિર ખાતે બપોરે પુર્ણ થઈ હતી.
રાજકોટમાં પરંપરાગત રીતેશોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રીરામજન્મોત્સવ સમિતિ અને રાધેશ્યામ ગૌશાળા દ્વારા કરવામાં આવ્યું છે. જે શોભાયાત્રા ૧૫૦ ફૂટ રિંગ રોડ ખાતેથી સવારે ૯ વાગ્યે શરૂ થઈ હતી જે મુખ્ય માર્ગો જેમ હનુમાન મઢી, કિશાનપરા ચોક, જીલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક,મોટી ટાંકી, ત્રિકોણ બાગ થઈ ગોંડલ રોડ ઉપર ન્યાલભક્ત સત્યુગ શ્રીરામજી મંદિરે મહાઆરતી સાથે પૂર્ણ થઈ હતી આ બન્ને સંસ્થા તરફથી ૧,૧૦૦ કિલો મીઠાઈ અને ૧,૧૦૦ કિલો ફરાળની વ્યવસ્થા કરવામાં આવી છે.
કિસાનપરા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નવ દિવસ માટે રામજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ રીતે રામજન્મોત્સવ નવ દિવસ ઉજવ્યો હતો.
દુર્ગાવાહિનીની બહેનો મોટી સંખ્યામાં એક સરખાં વસ્ત્રોમાં સજ્જ થઈ કેસરી સાફા ધારણ કરી શોભાયાત્રામાં જોડાયા હતા. જેમાંથી ૨૧ બહેનો ફરસી રાસ પ્રસ્તુત કર્યો હતો. જે આ શોભાયાત્રાના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
શોભાયાત્રામાં સૌથી મોખરે વિશાળ ધર્મ ધ્વજ લહેરાવાયો હતો. શોભાયાત્રામાં નવ દુર્ગા માતાજીના વેશમાં દુર્ગાવાહિનીની ૯ બહેનો એક ફલોટમાં રહ્યા હતા. રામદરબારનો ફલોટ, હનુમાનદાદનું બાહુબલિ સ્વરુપ ઉજાગર કરતી વિશાળ મૂર્તિ, બાળકો દ્વારા વેશભૂષા, રોકડિયા મિત્ર મંડળ દ્વારા પુષ્પ વર્ષા કરતી તોપ, નેપાળી જનજાગૃતિ મંડળ દ્વારા જીવંત પાત્રો સાથેનો ફલોટ આ શોભાયાત્રાના મુખ્ય આકર્ષણો રહ્યા હતા.


