- રમા એકાદશીની કથા ચિંતામણીતુલ્ય છે. જે લોકો આ કથાનું શ્રવણ-પઠન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ વૈકુંઠને પામે છે
ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠરને કહે છે, `હે રાજન! રમા એટલે સ્ત્રી’, `યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતા.’ નારી તું નારાયણી. જેની એક આંખમાં વિશ્વને ભસ્મીભૂત કરવાની શક્તિ ને બીજી આંખમાં વિશ્વનું સર્જન કરવાની શક્તિ છે તેનું નામ સ્ત્રી. સ્ત્રીની સર્વોત્તમ પરિભાષા છે સ્નેહ, સમર્પણ અને સહનશીલતા. સ્ત્રી એટલે ત્યાગ અને તપશ્ચર્યાની સાક્ષાત્ મૂર્તિ, સ્ત્રી થકી જ પુરુષની અવનતિ કે ઉન્નતિ સર્જાય છે. સ્ત્રીની સાચી શોભા અલંકારમાં નહીં, સદ્ગુણોમાં છે. સ્ત્રીની અંતરંગ ધારાનો સહજ સ્વર છે સમર્પણ, પ્રતીક્ષા અને પ્રીતિ. આ ત્રણેયના સંગમથી સ્ત્રી તીર્થ બને છે. સ્ત્રીની વ્યવસ્થાશક્તિ, દીર્ઘદૃષ્ટિ, ઉત્સાહ, આવડત અને કરકસર પર આદર્શ ગૃહનું નિર્માણ થાય છે, માટે કહ્યું છે કે, `ગૃહિણી ગૃહં ઉચ્યેત’ સ્ત્રી વગર ગૃહસ્થાશ્રમ અધૂરો જ રહે છે. સ્ત્રી સંસારની શોભા છે.
સુંદર અને સુશીલ નારી સર્જનહારની સૃષ્ટિની સર્વોત્તમ કૃતિ છે. સ્ત્રી એ આ અવની પરનું જીવતું કાવ્ય છે. સ્ત્રીનું સમગ્ર અસ્તિત્વ જ પ્રેમ છે. સ્ત્રીની જિંદગીમાંથી પ્રેમ લઈ લેવામાં આવે તો પછી કશું જ બાકી રહેતું નથી. વર્ષો પૂર્વે મુચુકુંદ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તે ઈન્દ્રનો પરમ મિત્ર હતો. આ વિષ્ણુભક્ત કુબેર, યમ, વિભીષણ વગેરેનો પણ મિત્ર હતો. તેની પુત્રી ચંદ્રભાગા રાજકુમાર શોભનને પરણી હતી. એક વખત શોભન શ્વસૂરગૃહે આવ્યો. રાજાએ સૌને ઢોલ પિટાવીને આસો વદ દસમના દિવસે આદેશ આપ્યો હતો કે એકાદશીનું વ્રત દરેકે કરવું.
શોભને પણ ઉપવાસ કર્યો, પરંતુ ભૂખ-તરસને લીધે તેનું મૃત્યુ થયું. આથી ચંદ્રભાગા સતી થવા તૈયાર થઈ, પરંતુ પિતાએ તેમ કરવાની ના કહી. આ વ્રતના પ્રભાવથી શોભન મૃત્યુ બાદ મંદરાચળ પર્વત પર દેવનગરીમાં રહેવા લાગ્યો. તેનો વૈભવ ઈન્દ્રના જેવો જ હતો. દેવાંગનાઓ તેની સેવામાં તત્પર રહેતી.
મુનિવર્યની સલાહથી ચંદ્રભાગાએ આ એકાદશીનું વ્રત પ્રેમપૂર્વક કર્યું હતું. વ્રતના પ્રભાવથી તેને દૈવી સુખ પ્રાપ્ત થયું હતું અને દિવ્ય દેહે શોભનનું સાંનિધ્ય પ્રાપ્ત થયું હતું. કહેવાનું તાત્પર્ય એ છે કે, રમા એકાદશીની કથા ચિંતામણીતુલ્ય છે. જે લોકો આ કથાનું શ્રવણ-પઠન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ વૈકુંઠને પામે છે. આ ઉત્તમ વ્રતની ફલશ્રુતિ ઘણી મોટી છે.
રમા એટલે સ્ત્રી, એટલે કે પોતાની પત્નીના કહેવાથી આસો વદ એકાદશીનું વ્રત મુચુકુંદ રાજાએ વિધિપૂર્વક કર્યું હતું અને આ રાજા તથા તેમની રાણી બંને આ લોકમાં સર્વ પ્રકારનાં સુખ ભોગવી વિષ્ણુલોકમાં રમમાણ કરવા ગયાં હતાં, એટલે આ એકાદશીનું નામ રમા એકાદશી પડ્યું. આ કથા મહાપાપનાશક કહેવાય છે. કામધેનુતુલ્ય આ રમા એકાદશીનો મહિમા પાવનકારી છે, હિતકારી અને પ્રીતકારી છે. રમા એકાદશીનું વ્રત આબાલવૃદ્ધ એમ સૌ કોઈ કરી શકે છે. એકાદશી વ્રત એ મોક્ષમાર્ગનું પ્રથમ સોપાન છે.