- તમે બે ગાયનું જતન કરો, એ રામ છે. તમે પાંચ દર્દીને દવા અપાવી દો, એ રામ છે. કોઈને સારી સલાહ આપો એ પણ પરમાર્થ છે અને એ રામ છે
ગોસ્વામી તુલસીદાસે લખ્યું છે –
રામ બ્રહ્મ પરમારથ રૂપા,
અબિગત અલખ અનાદિ અનૂપા.
રામ બ્રહ્મ છે, એ પરમાર્થ રૂપ છે; એની વિગત આપી શકાતી નથી; એની કૃપા વગર એને કોઈ જાણી શકતું નથી; એ અલખ છે, એ અનાદિ અને એ અનુપ છે. મારે સરળતાથી એ વાત કહેવી છે કે અહીંયાં રામજીનો બહુ જ મોટો પરિચય છે. રામની આવી સરળતાભરી વ્યાખ્યા મળવી મુશ્કેલ છે. આપણે ગુરુને બ્રહ્મા કહીએ કે `ગુરુ એટલે બ્રહ્મા’; એવું જો આપણે બોલતા હોઈએ તો એનો અર્થ સીધો થાય કે બ્રહ્મા એટલે ગુરુ. ગુરુ એટલે વિષ્ણુ, તો એનો અર્થ એમ થાય કે વિષ્ણુ એટલે ગુરુ. ગુરુ એટલે શિવ, તો બહુ સીધો અર્થ છે કે શિવજી એટલે ગુરુ. હવે અહીંયાં લખ્યું છે કે, `રામબ્રહ્મ.’ અમુક લોકોને વાંધા છે કે રામ કોઈ છે જ નહીં! જેણે ગાંઠો જ વાળી લીધી છે, એ કંઈ માનવાના નથી અને એને મનાવવાનો મેં કોઈ ઈજારો રાખ્યો નથી! આપણે ક્યાં બધાંને સમજાવી શકીએ? એટલે જેણે રામ બ્રહ્મ છે એ માનવું જ નથી એના માટે તુલસીએ આ ચોપાઈ લખી છે. મને એક પંથના આચાર્યએ એમ પૂછેલું કે તમે રામની કથા કહો છો તો એ કયા રામ? એમણે પેલી કબીરસાહેબના નામે જે પંક્તિ છે એ મને કહી-
એક રામ દશરથ કા બેટા,
એક રામ ઘટઘટ મેં લેટા.
એક રામ કા સભી પસારા,
એક રામ હૈ સબસે ન્યારા.
આ કબીરસાહેબની વાત છે, એને પછી સમજ્યા વગર અમુક પંથવાળાય ઉપાડી લે કે એ રામ તો દશરથના દીકરા, એ કાંઈ બ્રહ્મ નહીં! મેં તો એટલું જ કહ્યું કે આ બધામાં `એક’ શબ્દ ખાસ લખ્યો છે, એના ઉપર કેમ કોઈનું ધ્યાન નથી જતું? આમાં પહેલું લખ્યું છે, `એક’ રામ દશરથ કા બેટા. પછી એમ લખવું જોઈએને કે `બીજા’ રામ ઘટઘટ મેં લેટા, પછી લખવું જેઈએને કે `ત્રીજા’ રામ કા સભી પસારા અને પછી લખવું જોઈએ ને કે `ચોથા’ રામ સબ સે ન્યારા. બધામાં `એક’ કેમ લખ્યું? એનો અર્થ સીધો છે કે એક રામ જે દશરથના બેટા છે, એ જ `ઘટઘટ મેં લેટા’, એ જ એક રામ `સભી પસારા’ અને એ જ રામ `સબસે ન્યારા’; મૂળમાં તો દશરથનો દીકરો જ છે! તો આ રીતે સમજો કે બ્રહ્માને ગુરુ કહીએ તો ગુરુ બ્રહ્મા. તો `રામ બ્રહ્મ’ એટલે બ્રહ્મની અહીં પાંચ વ્યાખ્યા આપવામાં આવી છે. આ વ્યાખ્યા આપણે સમજી લઈએ તો કારણ વગરની જે અઘરી વાતો લોકો કરે છે એમાંથી છૂટા પડી જવાય.
`મહાભારત’માં એમ લખ્યું છે કે કૂતરો અને ગાય સુગંધથી જોઈ લે છે. બ્રાહ્મણો એટલે કે સમજદાર માણસો વેદ દ્વારા બધું જોઈ લે છે. સાધુ-સંતો, ઋષિ-મુનિઓ બધું જ પોતાની સમ્યક્ દૃષ્ટિથી જોઈ લે છે, સાંભળી લે છે. એના સિવાયનો ઈતર વર્ગ જ આ કાનરૂપી ઈન્દ્રિયોથી સાંભળે છે. આ પામવાના રસ્તા તો જુદા છે. એમ સાધુ-સંતોની રૂએ જેણે સમજી લીધું છે એને કંઈ અઘરું નથી લાગતું, પણ કરી દેવામાં આવ્યું છે! રામ બ્રહ્મ છે, એનો અર્થ થયો, બ્રહ્મ રામ છે. બીજું, રામ પરમાર્થ છે, એનો અર્થ એ થયો કે આપણે આપણી ઓકાત પ્રમાણે નાનું-મોટું પારમાર્થિક કામ કરીએ, એ રામ છે. તમે બે ગાયનું જતન કરો, એ રામ છે. તમે પાંચ દર્દીને દવા અપાવી દો, એ રામ છે. જે કંઈ પરમાર્થ આપણાથી થાય. કોઈને સારી સલાહ આપો એ પણ પરમાર્થ છે અને એ રામ છે. મેં ઘણી વખત કહ્યું છે કે કોઈની સેવા કરો એ રામ છે.
સેવા કરવી હોય ત્યારે ચાર રીતે સેવા કરવી એવું મને સમજાયું છે. પહેલી, સમતા રાખીને સેવા કરવી. એમાં પોતાનો-પારકો, આ-તે ન જોવું. સેવાનો ઉદ્દેશ વટાળપ્રવૃત્તિનો ન હોવો જોઈએ. જ્યારે સેવાના નામે કોઈ વટાળપ્રવૃત્તિ કરે છે ત્યારે સેવા ગૌણ બને છે; એનું લક્ષ્ય છે વટાળપ્રવૃત્તિ. તમે કોઈ પણ શિક્ષણ સંસ્થા બાંધો તો એમાં વિદ્યા આપવાનું તમારું લક્ષ્ય છે કે તમારે તમારો પંથ આપવો છે? મારી વાતો કદાચ થોડી સુદર્શન જેવી લાગશે. એક વાત સમજી લો, દ્વેષમુક્ત ચિત્તથી જ ઉપદેશ આપી શકાય. તમે દ્વેષથી કહેતા હો તો તમારો ઉપદેશ અપરાધ છે. આની પાછળ મારે કોઈ દ્વેષચિત્ત તો નથી. એટલે આપણી સેવા સમતામૂલક હોવી જોઈએ. શિક્ષણસંસ્થાઓ સારામાં સારી દેશમાં બંધાય એનો મને વાંધો નથી અને ફી પણ ભલે સારામાં સારી લે એનોય વાંધો નથી, પણ છોકરાઓને ફ્રી રાખે. એની રુચિ પ્રમાણે એને ધર્મ પાળવા દે; એની રુચિ પ્રમાણે એનું જીવન જીવવા દે. ફી લો પણ ફ્રી રાખો. આવું જ્યારે આપણે નથી કરતા ત્યારે સમતા કે જે સેવાનું મૂળ સૂત્ર છે એ ઘવાય છે.
તો સેવા સમતાથી કરવી. બીજું, સેવા મમતાથી કરવી. મારા છે, એમ માનીને સેવા કરવી; બીજો દેખાય જ નહીં. અને જેને સમતા આવી જાય એને મમતા બંધનયુક્ત નથી લાગતી. જેના જીવનમાં પહેલાં સમતા આવશે એની મમતા પણ ઉર્ધ્વીકરણ કરશે. ત્રીજું, આપણી ક્ષમતા પ્રમાણે સેવા કરવી; આપણી ઓકાત પ્રમાણે સેવા કરવી. આપણે હોસ્પિટલ બનાવી ન શકીએ, પણ એમાં દર્દીને કદાચ જરૂર પડે તો આપણે દવા અપાવી શકીએ; દવા ન અપાવી શકીએ તો કાંઈ નહીં, પણ હોસ્પિટલમાં એક આંટો મારીએ અને દર્દીના ખભા ઉપર હાથ મૂકીને કહીએ કે `મૂંઝાતો નહીં’, તો એ સેવા છે. ચોથું સૂત્ર, આ બધું કર્યા પછી અહંકાર ન આવી જાય એટલે નમ્રતાપૂર્વક સેવા કરવી. તો આ રીતે કરાયેલો પરમાર્થ, એનું નામ રામ છે.
રામ એટલે બ્રહ્મ, બ્રહ્મ એટલે રામ; રામ એટલે પરમાર્થ, પરમાર્થ એટલે રામ. હવે `અબિગત.’ જેની વિગત ન આપી શકાય એનું નામ રામ. કયું તત્ત્વ રામ? કોઈ અગમ તત્ત્વ તરફ અહીંયાં સંકેત છે. હું ને તમે મથીમથીને થાકી જઈએ, પણ જેની વિગત નથી આપી શકાતી એવાં અમુક રહસ્યમય તત્ત્વો જગતમાં છે, એ બધાં રામતત્ત્વો છે. `આ બધું કેમ ચાલતું હશે?’ એના જવાબમાં એટલે જ `નેતિ’ કહેવું પડ્યું છે અને જગતમાં જેની વિગત પૂરેપૂરી ન આપી શકો એનું નામ `રામ’ છે.
તમે કોઈ બુદ્ધપુરુષ લો, કોઈ સદ્ગુરુ લો અને તમે એને પચાસ વર્ષથી ઓળખતા હોવા છતાંય તમે એની પૂરેપૂરી વિગત ન આપી શકો ત્યારે સમજવાનું, એ વિગત નથી આપી શકાતી એ તત્ત્વ રામ છે. જેટલા જેટલા મહાપુરુષો થયા એની વિગત ક્યાં આપી શકાઈ છે? બ્રહ્મની વાત તો છોડો, હજી સુધી આપણે વિચારીએ છીએ કે ગાંધીજીએ આવું કેમ કર્યું? આપણે એની વિગત પૂરી પાડી શકતા નથી! જેની વિગત નથી આપી શકાતી એવી પરમ વ્યક્તિઓ અથવા તો પરમતત્ત્વનું નામ રામ છે. એ પછી `અલખ’; `લખ’ એટલે લખવું અને `લખ’ એટલે જાણવું, પણ જેને આપણે પૂરેપૂરો જાણી નથી શકતા, એક એવું તત્ત્વ, જેને તુલસી `રામ’ કહે છે; જે `અવિગત’, `અલખ’ છે, એને પૂરેપૂરું જાણી શકાતું નથી. એટલા માટે આપણી પરંપરામાં કોઈ બુદ્ધપુરુષની જરૂર પડે છે કે જે એને જાણી ગયા હોય એ આપણને જણાવે.