બંગાળના કામારપુકુર નામના એક નાનકડા ગામમાં ખુદીરામ ચટ્ટોપાધ્યાય (ચેટર્જી) નામના ધર્મપરાયણ વયોવૃદ્ધ વડીલ રહેતા હતા. તેમની પત્નીનું નામ ચંદ્રમણિદેવી હતું. તેઓ કુળદેવ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની પ્રખર ભક્તિ કરતાં. એક પડોશી જમીનદારની તરફેણમાં ખોટી જુબાની આપવામાં પોતાનું સર્વસ્વ ખોઈ દીધું હતું. કહેવાય છે કે 60 વર્ષની પાકટ વયે ગયાજીની યાત્રા દરમિયાન તેમને દિવ્ય સ્વપ્ન સંકેત થયો હતો. `હું સંસારની મુક્તિ કાજે તારા ગૃહે જલદી અવતાર ધારણ કરીશ.’
તેમની પત્નીને પણ સ્વપ્ન દરમિયાન કોઈ દિવ્ય આત્માએ દેહમાં પ્રવેશ કર્યો હોય તેવી અનુભૂતિ થઈ હતી અને એ દિવસથી તેમને સારા દિવસો રહેવા લાગ્યા. 18 ફેબ્રુઆરી 1836 ફાગણ સુદ બીજના શુભ દિવસે ચટ્ટોપાધ્યાય પરિવારમાં પુત્રરત્ન થયો. રાશિ અનુસાર `શંભુચંદ્ર’ નામ આવ્યું, પણ તીર્થધામ ગયાજીના સ્વપ્ન સંકેત અનુસાર `ગદાધર’ (ભગવાન વિષ્ણુનું એક નામ) નામકરણ કરાયું!
બાળપણથી જ ગદાધર હસમુખા, તોફાની અને અતિ સુંદર હતા. ભણવા મોકલ્યા પણ સરળ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને સાધારણ અક્ષરજ્ઞાનથી વધુ આગળ ન વધી શક્યા. તેમનું મન ભણવામાં ચોંટતું ન હતું. ભાવ, ભક્તિ, ભજન તેમને વિશેષ-સવિશેષ ગમતા. કોઈક સાધુ સંતને જોઈ જાય તો એમની પાસે જઈને બેસી જાય. એમની વાતો ધ્યાનથી સાંભળે. તેમની સાધના-ધ્યાન વગેરે ક્રિયાઓનું જિજ્ઞાસાપૂર્વક સતત અવલોકન કરે. આશરે છ વર્ષની બાળ વયે ખેતરે જતી વખતે તેમને આકાશમાં ઈશ્વરની અનુભૂતિ થઈ. તેઓ બેશુદ્ધ થઈ ગયા. ગામલોકો તેમને ઊંચકીને ઘરે લઈ ગયા.
મોટા ભાઈ રામકુમાર સાથે દક્ષિણેશ્વર કાલીમાતાની સેવામાં
કલકત્તાની ધર્મનિષ્ઠ રાણી રાસમણિએ સેવાકાર્ય કરવાના ઉમદા આશયથી દક્ષિણેશ્વરમાં કાલી માતાનું પાંચ માળનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું. મંદિરના પટાંગણમાં શિવાલય અને રાધાકૃષ્ણ (કાન્ત) મંદિર પણ હતું. રાસમણીએ કાલી માતાના પૂજારી તરીકે ગદાધરના મોટાભાઈ રામકુમારની નિયુક્તિ કરી હતી. મોટા ભાઈએ નાના ભાઈ ગદાધરને પૂજા-સેવામાં સહાયક રાખ્યો હતો. થોડાક વર્ષો પછી રામકુમારનું અકાળે અવસાન થયું અને કાલી મંદિરના પૂજારીની પ્રવૃત્તિ ગદાધરના શિરે આવી પડી. ધાર્મિક વૃત્તિના હોવાથી આરતી, સ્તુતિ, મંત્ર, દોહા, અષ્ટક, ભજન જે સાંભળે તે બધા કંઠસ્થ થઈ ગયા હતા. કાલીમાતાની ભાવ ભક્તિમાં એવા ઓતપ્રોત થાય કે તેમને દેહભાન સુધ્ધાં ન રહે. માનાં સાક્ષાત્ દર્શન માટે હૈયું સતત વિલસે. પૂજા-પાઠ કરતી વેળા સ્વને ભૂલી જાય.પ્રતિમા સન્મુખ એકલા-એકલા વાતો કરે. દેહમાં ધ્રુજારી પણ અનુભવે. માનાં દર્શન ન થાય એટલે ચોધાર આંસુએ વારંવાર અનરાધાર રડે. કલાકો ના કલાક સુધી મા સામે બેસી રહે. તદ્દન પાગલ જેવી અવસ્થા! વિચિત્ર અવસ્થા જોઈને ઘરના શેષ સભ્યોએ તેના નિરાકરણ માટે ખૂબ પ્રયાસો કર્યા, પણ બધુ નિરર્થક નીવડ્યું. કોઈક મેધાવી પુરુષે તેમનામાં યોગીના અદ્ભુત લક્ષણો જોયા. કહેવાય છે કે ઘણા સમય સુધી માનાં દર્શન ન થવાથી ગદાધરે પૂજામાં મૂકેલી તલવાર વડે આત્મહત્યા કરવા જેવો પ્રયાસ કર્યો કે મહાદેવી મહાકાલીએ તેમનો હાથ પકડી લીધો. ત્યારબાદ તેઓ નિર્વિકલ્પ સમાધિમાં સરી ગયા. ઘણા સમય પછી તેઓ મૂળ સ્થિતિમાં આવ્યા.
મહાશિવરાત્રિએ શિવની ભૂમિકા ભજવી!
એકવાર ગામમાં મહાશિવરાત્રિ દરમિયાન ધર્મ-સંસ્કૃતિના પ્રચાર અને સંસ્કાર વર્ધન અર્થે એક ધાર્મિક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ કોઈક કારણસર શિવની ભૂમિકા ભજવનાર વ્યક્તિ ગેરહાજર હોવાથી ગદાધરને શિવ ભૂમિકા ભજવવાની તક મળી. સ્વયં શિવ જ છે એમ માનીને નાટક દરમિયાન તેઓ સ્વયંભૂ શિવમય બન્યા. સમાધિ લાગી ગઈ. સાવ અલ્પ શિક્ષણ પ્રાપ્ત કરેલો એક ગામડિયો ગમાર શિવની આબેહૂબ ભૂમિકા ભજવવાને કારણે ગામલોકોમાં સૌનું પ્રીતિપાત્ર બની ગયો.
પરમ શક્તિના પરમ ઉપાસક ગદાધર ગુરુકૃપાથી `રામકૃષ્ણ પરમહંસ’ બન્યા
કહેવાય છે કે `ભૈરવી’ નામની યોગિની ગદાધરની સૌપ્રથમ ગુરુ બની. ત્યારબાદ મહાનિર્વાણી અખાડાના નાગા સાધુ (દિગમ્બર સંન્યાસી) તોતાપુરી મહારાજે તેમને દીક્ષા આપી અને ગદાધર `રામકૃષ્ણ પરમહંસ’ બન્યા. તોતાપુરી મહારાજ વેદાંતના અચ્છા જાણકાર હતા. તેમણે રામકૃષ્ણ પરમહંસને પોતાની રહસ્યમયી ગૂઢાર્થ અનુભૂતિના દિવ્ય પ્રસંગો દર્શાવીને અધ્યાત્મ તરફ સવિશેષ અભિમુખ કર્યા.
અનાસક્ત અને `બિનસાંપ્રદાયિક સંત’નું આચરણ-ઉપદેશ
તેમની અનાશક્તિની અગ્નિપરીક્ષા કરવા કોઈકે વેશ્યાઓને તેમની પાસે મોકલી હતી. રામકૃષ્ણ પરમહંસ તેમનાં ચરણોમાં આળોટવા લાગ્યા અને તેમને શક્તિ સ્વરૂપા માની નતમસ્તક થયા. પત્નીમાં પરમેશ્વરીનાં દર્શન કરનાર તેઓ નારી માત્રમાં દુર્ગાનાં દર્શન કરતા!
દરેક ધર્મ પ્રત્યે સાદરભાવ. દરેક ધર્મ ભગવદ્પ્રાપ્તિ માટેનો માર્ગ છે અને કોઈ પણ એક ધર્મમાં સંપૂર્ણ નિષ્ઠા રાખીને આચરણ કરવું અને રાગ દ્વેષથી પર રહેવું એ માનવ કર્તવ્ય છે. જેનું આચરણ અને ઉચ્ચારણ એક ન હોય તેવી વ્યક્તિ પર ક્યારેય ભરોસો કરી શકાય નહિ! તેમની સ્મરણશક્તિ જોરદાર હતી. તેઓ ચિત્ર અને પ્રતિમા બનાવવામાં માહેર હતા. તેઓ સાકાર-સગુણ ભક્તિનું સક્ષમ ઉદાહરણ હતા. તેમણે મહામાયા મહાકાલી ઉપરાંત રામ, કૃષ્ણ હનુમાનનાં દિવ્ય દર્શન કર્યાં હતાં. તેમની ઉપદેશ શૈલી ગજબની, રોચક અને પ્રભાવશાળી હતી. લાંબી-લાંબી કથા, વાતો કહેવાને બદલે તેઓ જ્વલંત દૃષ્ટાંતો વડે સન્મુખ વ્યક્તિની જે તે ગામઠી ભાષામાં બોધ આપતા. તેમના વિચારોનો પ્રભાવ વૈશ્વિક હતો, છે અને રહેશે. તેમના શબ્દોમાં ચિંતન, મનનમાં ઊંડી આધ્યાત્મિકતા રહેલી છે. આજે તેઓ રહસ્યવાદી સંતોની શ્રેણીમાં ઉચ્ચ સ્થાને વિરાજે છે.
મહાનિર્વાણ
રામકૃષ્ણ પરમહંસ અનેક અદ્ભુત અલૌકિક યૌગિક શક્તિઓ વડે અનેકોનું પરમ કલ્યાણ કર્યું અને કાળક્રમે કર્મને આધીન તેમને ગળાનું કેન્સર થયું. અતિશય પીડા થતી હોવા છતાં કર્મયોગી મહાપુરુષ માત્ર પચાસ વર્ષની અલ્પ આયુમાં ઉત્તમોત્તમ કાર્યો કરીને 16 ઓગસ્ટ, 1886ના રોજ ચીરકાલીન મહાશાંતિમાં પોઢી ગયા!