રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
બુધ્ધ પુરૂષની પાદુકાનો ખૂબ મોટો મહિમા છે
નિરંતર હરિનામ સ્મરણ એ ભકિતનું આભૂષણ છે
‘માનસ વિષ્ણુપ્રયાગ’ની રામકથાનું ભાવવાહી વાતાવરણમાં સમાપન, બાપુની હવે પછીની રામકથા તા.૧૮ એપ્રિલથી પાલીતાણાની ભૂમિ પર યોજાશે
પંચપ્રયાગમાંના એક એવા વિષ્ણુપ્રયાગ-ઉત્તરાખંડની કુબેરીય ભૂમિ પર પ્રવાહિત થઇ રહેલી રામકથાના આઠમા દિવસે બાપુએ કથાના કેન્દ્રીય વિષય ‘માનસ વિષ્ણુપ્રયાગ’ને આગળ ધપાવતા કહ્યું હતું કે બ્રહ્માના ચાર મુખ છે. (૧) બ્રહ્માનું એક મુખ એ સર્જક મુખ છે. જેનાથી સૃષ્ટિ નિર્મિત થાય છે. અર્થાત આપણે દુર્વિચારી ન બનીએ. અતિ વિચારમાં નથી કોઇ સાર. નિર્વિચાર અવસ્થા. જો કે એ તો શંકરાચાર્ય જેવું કોઇ હોય જે નિર્વિચાર અવસ્થામાં રહી શકે. (૨) બ્રહ્માનું બીજુ મુખ છે-વેદમુખ. જેમાંથી વિશ્વનું મંગલ કરવાવાળી ઋચાઓ નીકળી છે. (3) બ્રહ્મા ગૌમુખ છે. ગંગા જયાંથી દેખાય છે એ ગૌમુખ મુળ છે. (૪) બ્રહ્માનું ચોથુ મુખ ગુરુમુખ છે. મહાદેવના પાંચ મુખ છે. (૧) વિશ્વાસ-તલગાજરડું વિશ્વાસને ખૂબ માને છે. આ નવ દિવસીય કથા નિર્વિધ્ન પૂરી થાય છે એ કેવળ વિશ્વાસના આધારે. ઓશો વિશ્વાસની આલોચના કરતા હું તેની સાથે સહમત નથી (૨) વિચાર, (3) વિનોદ (૪) વિવેક અને (પ) વૈરાગ્ય બાપુએ ભકિત સંદર્ભે પણ સરસ વાત કરી હતી. બાપુએ કહ્યું હતું કે ભકિત કેવી રીતે પૃષ્ટ થાય? વિવેક, વિમુખ, ક્રિયા, અનવસાર, આહાર, અનિરૂધ્ધ, નિરંતર હરિનામ સ્મરણ એ ભકિતનું આભૂષણ છે. સાધુને કોઇપણ હાલતમાં જૂઓ તો બેડો પાર થઇ જશે અને સાધુ સંગએ પ્રભુપ્રસાદનું મૂળ છે. વિકાસનો અતિરેક પીડાદાયક હોય છે, વિકાસ આરામદાયક હોવો જોઇએ.
કોઇની ગમ્મે એટલી સુંદર આંખો હોય, તમારે એને જોવા માટે તો તમારી જ આંખો જોઇશે. કોઇનું દિલ ગમે એટલું સુંદર હોય, આપણે જીવવું તો આપણાં જ શ્વાસથી પડશે. એક સુંદર શેર છે
ન જાને કૌન સી દૌલત હૈ તુમ્હારે લહેઝે મેં,
બાત કરતે હો તો દિલ ખરીદકર લે જાતે હો.
બાપુએ સમાપન દિવસની એટલે કે નવમા દિવસની કથાને આગળ ધપાવતા કહ્યું હતું કે ભગવાન વિષ્ણુના સ્વાભાવિક લક્ષ્ણો છે. એ લક્ષ્ણો એક શ્લોકના ઉચ્ચારણ દ્વારા બાપુએ સમજાવ્યા હતા. એ શ્લોક એટલે
શાંતેય હી અનન્યમિતિભિ: મધુર સ્વભાવ:
એકત્વ નિશ્ચત્તમ મનોભાવ: અપૈત મૌહે.
અર્થાત જે શાંત છે તે વિષ્ણુ છે, જેની બૃધ્ધિ અનન્ય મતિ એટલે કે, વ્યાભિચારણી નથી તે વિષ્ણું છે, વિષ્ણુનો સ્વભાવ મધુર છે. જેનામાં સત્યગુણની માત્ર હશે તેનો સ્વભાવ મધુર હશે, વિષ્ણુ અત્વ પ્રધાન છે. એક જગ્યાએ જેનો મનોભાવ લાગેલો છે તે વિષ્ણુ છે. જેનો મોહ સમાપ્ત થઇ ગયો છે, નષ્ટ થઇ ગયો છે, જે મોહથી પર છે તે વિષ્ણુ છે.
બાપુએ સાધુ વિશે વાત કરતા એક સરસ પ્રસંગ કહ્યો હતો: જાપાનના ઝૂંપડામાં એક સાધુ રહેતા આખુ ગામ એને દેવતા માને. એ જયારે ગામમાં નીકળે ત્યારે લોકો પોતાના બાળકોને એમના ચરણોમાં મૂકી દેતા. આખુ ગામ એને પ્રિય અને પૂજય માનતું. લોકો પ્રેમથી એમને ભીક્ષા આપતા. એકવાર ગામની કોઇ યુવાન છોકરી ગર્ભવતી હતી. તેના લગ્ન ન્હોતા થયા. ગામ લોકો કહેતા કે આ કોનું બાળક છે તારા પેટમાં? એ છોકરી જેને પ્રેમ કરતી એનું નામ આપે તો લોકો એને મારી નાંખશે, એ ભયથી એ છોકરીએ કહ્યું કે આ સાધુનું બાળક છે. પેલી છોકરીના પિતા, આખુ ગામ ક્રોધીત થયા, એ છોકરીના બાળકને એ સાધુ પાસે ફેંકયુ, સાધુ કહે છે કે આ બાળક કોણ છે? ત્યારે બધા કહે તું આને નથી ઓળખતો? આ તારૂ પાપ છે, તું આ બાળકનો પિતા છે, ત્યારે સાધુએ એ બાળકને ઉઠાવી લીધું, અને કહ્યું ‘is it so’ (ઓહ એવું છે?) એ સાધુએ બાળકનું પાલન પોષણ કર્યુ. બીજે દિવસે એ ગામમાં ફરી ભિક્ષા લેવા નીકળ્યો. ત્યારે કોઇએ એને ભીક્ષા ન આપી. જે છોકરીનું બાળક હતો ત્યાં ગયો. ત્યાં એને બાળક માટે દૂધ માંગ્યું. ત્યારે ઘરમાં રહેલી પેલી છોકરી (જે બાળકની મા હતી) એને કહ્યું કે આ મારૂ પાપ છે, એને તમે માથે લઇ લીધુ! આ તો મારી ભૂલ છે, ત્યારે પેલા સાધુએ કહ્યું ‘is it so’ (ઓહ એવું છે?) આ સાચો સાધુ છે બાપ….!
ઉત્તરાખંડના જોશીમઠમાં બાપુની રામકથા
કથા સંવાદ દરમિયાન બાપુએ કથા મનોરથી કાણકીયા પરિવારની વિનંતીને માન્ય રાખી અને બાપુએ કહ્યું હતું કે આશિષ (બાબુભાઇનો પૌત્ર) મારી પાસે કથા માંગતો હતો કે બાપુ મને કથા આપજો. ત્યારે બાપુએ ઉલટભેર કહ્યું કે કાણકીયા પરિવારને આપી કથા. આ જ દિવસોમાં એક વરસ પછી જોશીમઠમાં કથા કરવી છે અને આ પરિવારે મને એમ પણ કહ્યું કે બાપુ અમે કેવળ વિતજા સેવા કરીશું. તમારે પ્રસાદ સેવા, અન્ય સેવા જેમને સોંપવી હોય એમને સોપજો. અમે વિ-તજા સેવા કરીશું. આ વૈષ્ણવી સર્મપણ છે, બાપ!
કથા રત્નો
- અત્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય છે, કોઇ એવી ચિકિત્સા થાય કે ગુરૂનું હાર્ટ આપણામાં ટ્રાન્સપ્લાન્ટ થાય.
- શ્રધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
- કુરાનમાં તો કયાંય પયગંબરની સહી નથી – જલન માતરી
- સાધુને કોઇપણ હાલતમાં જૂઓ, બેડો પાર થઇ જશે


