રામચરિત માનસ માત્ર મહાકાવ્ય નથી, એ વૈશ્વિક મહામંત્ર છે : મોરારિબાપુ
બિહારની લખીસરાઇની ભૂમિ પરથી બાપુની નવસો સીતેરમી રામકથાનો મંગલ શુભારંભ
માનસના સાતેય સોપાનમાં શ્રીરામ બિહારી (વિહારી) છે
‘લખિસરાઇ’એ ‘લક્કિસરાઇ’ છે!
પ્રિય મોરારિબાપુની નવસો સીતેરમી રામકથાનો ગયા શનિવારથી, બિહાર રાજયના લખિસરાઇનગરની ભૂમિપરથી શુભ મંગલ પ્રારંભ થયો હતો, બાપુએ રામકથાનો કેન્દ્રસ્થ વિષય ‘માનસ સૃંગિરિષ’ રાખ્યો છે અને માનસની બાકાંડાની આ ત્રણ ચોપાઇઓને કેન્દ્રસ્થ આ રામકથાનું નવદિવસીય રામગાન થશે.
સૃંગી રિષિડુ બસિષ્ઠ બોલાવા
પુત્રકામ શુભ જગ્ય કરાવ
ભગતિ સહિત મુનિ આહુતિ દીન્દુ
પ્રગટે અગિનિ ચર, કર બીન્દે
જો બસિષ્ઠ કછુ હૃદય વિચારા
સકલ કાજ ભા સિધ્ધ તુમ્હારા
શનિવારે કથાના પ્રેમસંવાદના પ્રથમ દિવસે બાપુએ પોતાની પ્રસન્નતા વ્યકત કરતા કહ્યું કે લખિસરાઇની ભુમિ એ સગર્ભા ભૂમિ છે. અહીં જયાં ભૂમિ ખોદો ત્યાંથી મૂર્તિ નીકળે છે! લખિસરાઇ અધ્યાત્મીક, સાંસ્કૃતિક, ઐતિહાસિક ભૂમિ છે. લખિસરાઇએ ‘લક્કિ સરાઇ’ છે! જો કે અહીં વાત થઇ કે આ ભૂમિ લખી એટલે કે લક્ષ્મીની ભૂમિ છે. આ ભૂમિ પર કેટકેટલી દિવ્ય ચેતનાઓ આવી છે. ભગવાન બુધ્ધ, મહાવીર અને જય પ્રકાશ નારાયણની ભૂમિ બિહાર છે. બિહાર રાજયના ઉપમુખ્યમંત્રીશ્રી વિજય સિન્હાજી આવ્યા તેમણે પોતાનો મનોભાવ વ્યકત કર્યો, આ પ્રદેશમાં જે કામો થયા છે એની વાત કરી એ માટે મારો રાજીપો વ્યકત કરૂ છું અને હું હંમેશા કહેતો રહ્યું છું કે વ્યાસપીઠને લગતી કોઇપણ સેવા હોય તો અમને કહેજો. રાજસભા અને ધર્મસભાએ લોકો સુધી પહોંચવું જરુરી છે. છેવાડાના માણસ સુધી જવું જોઇએ.
માનસ એ માત્ર મહાકાવ્ય નથી પણ એ વૈશ્વિક મહામંત્ર છે. વાલ્મિકી રામાયણનું રામાયણ નામ નારદે રાખ્યું છે. જયારે રામચરિત માનસ નામ શંકરે-મહાદેવે રાખ્યું છે. માનસના સાતેય સોપાનમાં રામપ્રભુ બિહારી (વિહારી) છે. અમે તો કથાના પ્રારંભથી જ રામનું બિહારી સ્વરૂપ ગાઇએ છીએ.
મંગલ ભવન અમંગ હારી
દૂવહુ સો દશરથ અજીર બિહારી
બાલકાંડમાં રામ દશરથના પ્રાંગણ બિહારી છે. અયોધ્યા કાંડમાં એ ચિત્રકૂટ બિહારી છે. અરણ્યકાંડના રામ આશ્રમ બિહારી છે. કિષ્કીન્દ્રા કાંડમાં રામ વ્રત વિહારી છે. સુંદરકાંડમાં હનુમંત બિહારી છે. હનુમાનજીના મન-હૃદયમાં વિહાર કરીને સર્વ લીલાઓ પ્રભુરામ દ્વારા થા છે. લંકાકાંડમાં શ્રી રામ યુધ્ધ વિહારી છે. યુધ્ધ એટલે સંહાર નહીં પણ તારનાર કેમ કે નારદ અને મહાદેવ પોતે આ રામ-રાવણનું યુધ્ધ જોવા માટે આવે છે. એટલે લંકાકાંડમાં રામનું યુધ્ધ વિહારી સ્વરૂપ છે તો ઉત્તરકાંડમાં પ્રભુરામ અવધબિહારી છે. આ રીતે તલગાજરડીય દ્રષ્ટિએ રામ વિશેષરૂપમાં બિહારી રામ છે.
ગઇકાલે રવિવારે કથાના બીજા દિવસનો પ્રેમસંવાદ આગળ ધપાવતાં બાપુએ કહ્યું હતું કે કેટલીક જિજ્ઞાસાઓ પૂછાય છે. માત્ર સમજ અને સમય પ્રમાણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. એક શ્રોતા પૂછે છે કે પ્રેમ નિર્ગુણ છે અને પ્યાર સગુણ છે તો પત્નીને પ્રેમ આપવો કે પ્યાર આપવો જોઇએ! જવાબ : પત્નીને આદર આપવા જોઇએ- સગુણ-નિર્ગુણની વાત બહુ અઘરી છે, પણ પત્નીને આદર આપો. બીજો પ્રશ્ન છે: સરસ્વતિ કૃપા કે લક્ષ્મીકૃપા આ બંનેમાંથી કઇ કૃપા શ્રેષ્ઠ- જવાબ : ગુરૂકૃપા શ્રેષ્ઠ અન્ય એક પ્રશ્ન: શું બુધ્ધ પુરૂષ કે ગુરૂ સાથેના સંબંધોમાં પણ પ્રામાણિક અંતર રાખવું જોઇએ? જવાબ : દરેક સંબંધ તત્વતા બંધન જ છે! દરેક સાથે પ્રામાણિક અંતર રાખવું જોઇએ. ખૂબ નજીક જવાથી સમસ્યાઓ આવે છે માટે કોઇપણ સંબંધમાં પ્રામાણિક અંતર રાખવું જોઇએ.
કથાએ પંચાગ્નિ છે એ પંચઅગ્નિ એટલે (૧) વિવેકનો અગ્નિ (૨) કથા એ યોગ નહીં વિયોગાગ્નિ છે. કથા વિરહ પેદા કરે છે માટે કથા એ વિરહાગ્નિ છે. (3) હનુમાનજી હનુમંતતત્વ અગ્નિ છે. (૪) ગુરૂ સ્વયં અગ્નિ છે. ગુરૂ સાક્ષાત યજ્ઞપુરૂષ છે, યજ્ઞ છે ત્યાં અગ્નિ છે અને (પ) જ્ઞાનગ્નિ, જ્ઞાનનો અગ્નિ ઘણી વખત જ્ઞાન પણ ભારરૂપ છે એવું જ્ઞાન અગ્નિમાં સ્વાહા થવું જોઇએ. હું મોટે ભાગે યજ્ઞકુંડ પાસે બેસું છું. ગત કથા (તિરૂપતિ)માં હું જતો રહ્યો, યજ્ઞકુંડ પાસે ન આવ્યો તો પછી યજ્ઞકુંડ પાસે રહેલા કેટલાક ગ્રંથો, તણખો ગ્યો હશે અને બળી ગયાં! મને થયું આ જ્ઞાનાગ્નિમાં જ્ઞાનગ્રંથો ખાખ થઇ ગયાં! આવું પણ બને! એક વખત વિદેશની કથામાં અમારા ગ્રંથો, પોથીજી વગેરેની એક બેગ કોઇ લઇ ગયું! આખ્ખી બેગ જ ચોરાઇ ગઇ! તો બાપ, કથા પંચાગ્નિ છે. કથામાં પાંચ પ્રકારના અગ્નિ છે. ઘણા તપસ્વીઓ પંચાગ્નિનો ધૃણો કરે છે.
કથામૃત
(૧) દરેક નગરમાં આ પાંચ શાળા હોવી જોઇએ (૧) સંસ્કૃત પાઠશાળા, (૨) ભોજન શાળા (3) ગૌશાળા (૪) વ્યાયામશાળા (૫) ધર્મશાળા
(૨) સમગ્ર પ્રકૃતિ પુરૂષ પ્રધાન નથી સ્ત્રીપ્રધાન છે
(3) મોટા ભાગના આપણા શાસ્ત્રો એ માતૃસ્વરૂપ છે
(૪) દરેક સંબંધ તત્વત: બંધન છે
(૫) વિષય પરિસ્થિતિ એ જ વિષ (ઝેર) છે, રામનામથી વિશ્રામ મળશે.


