આજે મહાકુંભનો અંતિમ દિવસ. બપોરે 2 વાગ્યા સુધીમાં 1.18 કરોડ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી. મહાકુંભમાં ડૂબકી લગાવવા રાજકીય દિગ્ગજો, બોલિવૂડ અભિનેતા- અભિનેત્રીઓ તથા દેશ વિદેશની હસ્તીઓ પહોંચી હતી. વિપક્ષના સાથીઓ પણ અમુક ડૂબકી લગાવવા પહોંચ્યા હતા. પરંતુ મહાકુંભમાં ન જવાને લઇને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે રાહુલ ગાંધી અને ઉદ્ઘવ ઠાકરે પર નિશાન સાધ્યુ છે.
આઠવલેએ સાધ્યુ નિશાન
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ બુધવારે દાવો કર્યો હતો કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ મહાકુંભમાં હાજરી ન આપીને હિન્દુ સમુદાયનું “અપમાન” કર્યું છે અને હિન્દુ મતદારોએ હવે તેમનો બહિષ્કાર કરવો જોઈએ. મહારાષ્ટ્રના એક અગ્રણી દલિત નેતા અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સહયોગી આઠવલેએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરે હિન્દુત્વ વિશે વાત કરે છે પરંતુ પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં હાજરી આપતા નથી.
લોકોની ભાવનાનું ધ્યાન રાખવુ જોઇતુ હતું- આઠવલે
તેમણે સમાચાર એજન્સી પીટીઆઇ સાથે વાત કરતા રહ્યું કે ઠાકરે અને ગાંધી પરિવારે મહાકુંભમાં ભાગ ન લઇને હિંદુત્વનું અપમાન કર્યુ છે. હિંદુ હોવુ અને મહાકુંભમાં ન જવુ તે હિંદુઓનું અપમાન છે. હવે હિંદુઓએ તેમનો બહિષ્કાર કરવો જોઇએ. વધુમાં કહ્યું કે લોકોની ભાવનાઓનું ધ્યાન રાખીને મહાકુંભમાં સામેલ થવુ જોઇતુ હતું.
1.18 કરોડ લોકોએ કર્યુ સ્નાન
આજે મહાશિવરાત્રિ અને મહાકુંભનો અંતિમ દિવસ છે. ત્યારે શ્રદ્ધાળુઓએ પ્રયાગરાજ તરફ જાણે દોટ મૂકી હોય તેમ લાગી રહ્યુ છે. બપોરે 12 વાગ્યા સુધીમાં 1 કરોડ અને બપોરે 2 વાગ્યા સુધીમાં 1.18 કરોડો લોકોએ સંગમ તટમાં પવિત્ર સ્નાન કર્યુ છે.
મહાસ્નાનમાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ
મહત્વનું છે કે આજે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ છે, આ દિવસે મહાકુંભનું છેલ્લું મોટું સ્નાન છે, અને આજે મહા શિવરાત્રી પણ છે. આ દિવસ શિવ ભક્તો માટે ખૂબ જ ખાસ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ જ કારણસર આજે પ્રયાગરાજમાં યોજાતા મહાકુંભ મેળામાં દેશના ખૂણે ખૂણેથી લોકો પહોંચી રહ્યા છે. 25મી તારીખ સુધીમાં, 64.6 કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે અને આ આંકડો હજુ પણ વધી રહ્યો છે. મહત્વનું છે કે મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થયો હતો.


