- સિંગલ્સની બીજી મેચમાં શ્રીરામ બાલાજીનો પાક.ના અકીલ ખાન સામે મુકાબલો
- એસામ કડકડતી ઠંડીમાં પોતાના ડબલ ફોલ્ટ પર કાબૂ કરી શક્યો નહોતો
- રામકુમારે જેમ-જેમ મેચ આગળ વધી હતી તેમ-તેમ પોતાના રિટર્ન સારા કરવા શરૂ કર્યા હતા
ભારતના રામકુમાર રામનાથને શનિવારે અહીં ડેવિસ કપના વર્લ્ડ ગ્રૂપ પ્લે ઓફ મુકાબલામાં સિંગલ્સ મેચમાં પાકિસ્તાનના એસામ-ઉલ-હકને પરાજય આપીને પાકિસ્તાન પર 1-0થી લીડ મેળવી લીધી છે. રામકુમારે ઇસ્લામાબાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જોશથી છલકાતા એસામ સામે પહેલો સેટ ગુમાવ્યો હતો પરંતુ મેચમાં વાપસી કરતા તેણે 6-7(3), 7-6(4), 6-0થી જીત મેળવી હતી. એસામ કડકડતી ઠંડીમાં પોતાના ડબલ ફોલ્ટ પર કાબૂ કરી શક્યો નહોતો જ્યારે રામકુમારે જેમ-જેમ મેચ આગળ વધી હતી તેમ-તેમ પોતાના રિટર્ન સારા કરવા શરૂ કર્યા હતા. બીજી સિંગલ્સ મેચમાં ભારતના એન. શ્રીરામ બાલાજીનો સામનો પાકિસ્તાની હરીફ અકીલ ખાન સામે થશે. એસામે આકરી ટક્કર આપવા માટે પોતાનું સર્વશ્રોષ્ઠ પ્રદર્શન કર્યુ હતું પરંતુ ત્રીજા સેટની શરૂઆતમાં માંસપેશીઓમાં ખેંચાણને કારણે તે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો અને અંતે તેણે પોતાની લય ગુમાવી દીધી હતી. રામકુમારે બીજા સેટમાં બે બ્રેક પોઇન્ટ બચાવ્યા હતા જે પરિણામ માટે મહત્ત્વના સાબિત થયા હતા. ઠંડીને કારણે બોલ ભારે થઇ ગયો હતો અને તેના કારણે બોલ પર કાબૂ મુશ્કેલ જણાતો હતો. પરંતુ રામકુમારે સારી સર્વિસના જોરે મેચ પોતાના નામે કરવામાં સફળતા મેળવી હતી. રામકુમારે પહેલી ત્રણ સર્વિસ ગેમમાં પાંચ એસ માર્યા હતા. એસામે ડ્રોપ શોટનો સારો ઉપયોગ કર્યો હતો. તેણે ત્રણ વાર ડબલ ફોલ્ટ કર્યા હતા. રામકુમારના લાંબા શોટથી પાકિસ્તાની ખેલાડીને પહેલો સેટ પોઇન્ટ મળ્યો હતો અને તેણે લીડ લીધી હતી. બીજા સેટમાં રામકુમારને સારી શરૂઆત મળી હતી.


