- મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલુ
- પાર્ટીએ આપેલો 150+ બેઠકોનો લક્ષ્યાંક સિદ્ધ કરીશું: સુરજેવાલા
- મધ્ય પ્રદેશની જનતા કુશાસનથી ત્રસ્ત છે, પરિવર્તન ઈચ્છે છે
કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ તાજેતરમાં મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે હવે મધ્યપ્રદેશના લોકો પરિવર્તન ઈચ્છે છે. આ સાથે તેમણે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
કોંગ્રેસ પ્રભારી રણદીપ સુરજેવાલાએ ચૂંટણી સભા ગજવી
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે, બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ સતત રોડ શો અને જાહેર સભાઓ કરી રહ્યા છે. આ દરમિયાન મધ્ય પ્રદેશ કોંગ્રેસના ચૂંટણી પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે બાલાઘાટ જિલ્લાની કટંગી વિધાનસભામાં પ્રચાર માટે આયોજિત જાહેર સભામાં ભાગ લીધો હતો. આ જાહેર સભા દરમિયાન બંનેએ મીડિયા સાથે વાત કરી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા.
શિવરાજ સરકારનો વિદાયનો સમય આવી ગયો: સુરજેવાલા
આ દરમિયાન રાજ્યના ચૂંટણી પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે મધ્યપ્રદેશમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી દ્વારા 150 પ્લસનો લક્ષ્યાંક આપવાં આવ્યો છે. અમે આ મિશનમાં જીત તરફ આગળ વધી રહ્યા છીએ. રણદીપ સિંહ સુરજેવાલાએ એમ પણ કહ્યું કે મધ્યપ્રદેશમાં આદિવાસીઓ પર પેશાબ કરીને આદિવાસીઓની લૂંટ ચલાવનાર, ભ્રષ્ટાચાર કરનાર, આદિવાસીઓનું અપમાન કરનારી, આદિવાસીઓની લીઝ પચાવી પાડનારી, દલિતો પર અત્યાચાર ગુજારનાર અને 18 વર્ષમાં મધ્યપ્રદેશને કુશાસનના દુષ્ટ ચક્રમાં ફસાવી રહેલી શિવરાજસિંહ ચૌહાણની સરકારને વિદાયનો સામે આવી ગયો છે. રાજ્યની જનતા હવે થાકી ગઈ છે અને પરિવર્તન ઈચ્છે છે. મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલ 150 પ્લસનો ટાર્ગેટ અમે પૂર્ણ કરીશું.
નીતિશ કુમાર વૈચારિક અને સૈદ્ધાંતિક રીતે અમારી સાથે
INDIA ગઠબંધનમાં ખટરાગ અને નીતીશ કુમારની ભૂમિકા અંગે પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે કહ્યું કે જ્યારે પરિવાર મોટો હોય છે ત્યારે ખટરાગ પણ થાય છે. આ સાથે તેમણે કહ્યું કે નીતિશ કુમાર વૈચારિક અને સૈદ્ધાંતિક રીતે અમારી સાથે છે અને રહેશે. અમે સાથે મળીને મધ્યપ્રદેશ અને દેશની લડાઈ લડીશું.