- અજિંક્ય રહાણેને ઓબ્સ્ટ્રક્ટીંગ ધ ફીલ્ડ આઉટ અપાયો
- રહાણે પ્રથમ વખત ઓબ્સ્ટ્રક્ટીંગ ધ ફીલ્ડ આઉટ થયો
- કેપ્ટન દાનિશ દાસે અપીલ પાછી ખેચી જીવન દાન આપ્યું
હાલમાં ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની સાથે ભારતમાં રણજી ટ્રોફીની મેચો પણ રમાઈ રહી છે. ભારતની આ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં શુક્રવારે આસામ સામેની મેચમાં ભારતના અનુભવી બેટ્સમેન અને મુંબઈ ટીમના કેપ્ટન અજિંક્ય રહાણેએ એવી ભૂલ કરી હતી જેની સામાન્ય રીતે અનુભવી ખેલાડી પાસેથી અપેક્ષા રાખી શકાય નહીં.
વાસ્તવમાં રહાણે તેની ક્રિકેટ કારકિર્દીમાં પ્રથમ વખત ફિલ્ડીંગમાં અવરોધ ઉભો કરવા માટે આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ આસામના ખેલાડીઓએ મેદાન પર કંઈક એવું કર્યું જેના વખાણ બધા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ક્રિકેટના મેદાન પર જ્યારે બેટ્સમેન રન આઉટથી બચવા માટે ફિલ્ડર દ્વારા કરવામાં આવેલ થ્રોને રોકે છે ત્યારે ઓબ્સ્ટ્રક્ટીંગ ધ ફીલ્ડ થાય છે.
ઓબ્સ્ટ્રક્ટીંગ ધ ફીલ્ડ
ફિલ્ડીંગમાં અવરોધ ઉભો કરવા બદલ આઉટ આપવામાં આવ્યો હતો. રહાણે જ્યારે આઉટ થયો ત્યારે તે 18 રન પર બેટિંગ કરી રહ્યો હતો. જો કે રહાણે જ્યારે મેદાન છોડીને પરત ફરી રહ્યો હતો ત્યારે કેટલાક ખેલાડીઓ સાથે વાત કર્યા બાદ આસામના સુકાની દાનિશ દાસે પોતાની અપીલ પાછી ખેંચી લીધી હતી અને અનુભવી બેટ્સમેનને બેટિંગ કરવા માટે ફરીથી મેદાનમાં બોલાવવામાં આવ્યો હતો. હવે બધા આસામની ટીમની ખેલદિલીના વખાણ કરી રહ્યા છે.
રહાણે જીવન દાનનો ફાયદો ન ઉઠાવ્યો
અજિંક્ય રહાણે આસામે આપેલી જીવન દાનનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો. મેદાન પર જીવનદાન આપ્યા બાદ બેટિંગ કરનાર રહાણે પોતાની ઇનિંગ્સમાં વધુ 4 રન જ ઉમેરી શક્યો હતો અને 22 રનના સ્કોર પર ક્લીન બોલ્ડ થયો હતો. રહાણે છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. ભારતીય ટીમમાંથી બહાર રહેલો આ દિગ્ગજ બેટ્સમેન રણજી ટ્રોફીની એક પણ મેચમાં સારુ પ્રદર્શન કરી શક્યો નથી. તેના ખરાબ ફોર્મને જોતા તેની ભારતીય ટીમમાં વાપસીની આશા લગભગ અશક્ય લાગી રહી છે.


