ટાટા સન્સના માનદ ચેરમેન રતન ટાટાની હાલત નાજુક છે અને તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર રતન ટાટાની તબિયત ગંભીર છે. સોમવારે પણ એવા જ અહેવાલો આવ્યા હતા કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, થોડા કલાકો પછી રતન ટાટાએ એક નિવેદનમાં કહ્યું કે, તેમની ઉંમર અને સંબંધિત તબીબી પરિસ્થિતિઓને કારણે તેમની નિયમિતપણે તબીબી તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, તેમની તબિયત બિલકુલ ઠીક છે. હવે ફરી એકવાર તેમના સ્વાસ્થ્યને લઈને આ સમાચાર સામે આવ્યા છે.
તેમણે લોકોને કરી અપીલ
સોમવારે દિગ્ગજ ઉદ્યોગપતિએ કહ્યું હતું કે, તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતાની કોઈ વાત નથી અને તેઓ વય સંબંધિત રોગો માટે પરીક્ષણ કરવામાં આવે છે. તેણે કહ્યું હતું કે, મારી ઉંમરને લગતી બીમારીઓને કારણે અત્યારે મારી મેડિકલ તપાસ થઈ રહી છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. હું સંપૂર્ણ સ્વસ્થ છું. સાથે જ તેમણે લોકોને અપીલ કરી હતી કે, “ખોટી માહિતી ફેલાવવા”થી બચ્ચો.
1991માં બન્યા હતા ચેરમેન
નોંધનીય છે કે, 1991માં રતન ટાટાને ઓટોથી લઈને સ્ટીલ સુધીના બિઝનેસ સાથે સંકળાયેલા ટાટા ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ચેરમેન બન્યા બાદ રતન ટાટાએ ટાટા ગ્રૂપને એક નવી ઉંચાઈ પર લઈ ગયા. તેમણે 2012 સુધી આ ગ્રૂપનું નેતૃત્વ કર્યું, જેની સ્થાપના તેમના પરદાદા દ્વારા એક સદી પહેલા કરવામાં આવી હતી.
ચેરમેન પદ છોડ્યા પછી માનદ ચેરમેનનું બિરુદ અપાયું
1996માં ટાટાએ ટેલિકોમ કંપની ટાટા ટેલિસર્વિસિસની સ્થાપના કરી અને 2004 માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ને માર્કેટમાં લિસ્ટ કરાવવામાં આવી હતી. ચેરમેન પદ છોડ્યા પછી ટાટાને ટાટા સન્સ, ટાટા ઇન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને ટાટા કેમિકલ્સના માનદ ચેરમેનનું બિરુદ આપવામાં આવ્યું.
અબજોપતિ ઉદ્યોગપતિ અને ઉદાર વ્યક્તિ
અબજોપતિ ઉદ્યોગપતિ અને ખૂબ જ ઉદાર વ્યક્તિ રતન ટાટા હવે 86 વર્ષના છે, તેમનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો હતો. તેઓ 1991 થી 2012 સુધી ટાટા ગ્રૂપના ચેરમેન હતા અને આ સમય દરમિયાન તેમણે બિઝનેસ સેક્ટરમાં ઘણા રેકોર્ડ બનાવ્યા અને દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસમાંના એક ટાટા ગ્રુપને ઘણી ઊંચાઈઓ પર લઈ ગયા.
એક રોલ મોડેલ અને લોકો માટે પ્રેરણાના સ્ત્રોત
જો આપણે રતન ટાટાના વ્યક્તિત્વ પર નજર કરીએ, તો તેઓ માત્ર એક ઉદ્યોગપતિ જ નથી, પણ એક સરળ, ઉમદા અને ઉદાર વ્યક્તિ, એક રોલ મોડેલ અને લોકો માટે પ્રેરણાના સ્ત્રોત પણ છે. તેઓ તેમના ગ્રુપ સાથે જોડાયેલા નાનામાં નાના કર્મચારીઓને પણ પોતાનો પરિવાર માને છે અને તેમની સંભાળ રાખવામાં કોઈ કસર છોડતા નથી, આના ઘણા ઉદાહરણો છે.
સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો
રતન ટાટાને ભારતના બે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો પદ્મ વિભૂષણ (2008) અને પદ્મ ભૂષણ (2000) એનાયત કરવામાં આવ્યા છે. તેઓ પ્રતિષ્ઠિત કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલ, બિશપ કોટન સ્કૂલ (શિમલા), કોર્નેલ યુનિવર્સિટી અને હાર્વર્ડના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.