- ભગવાન જગન્નાથ હર્ષો ઉલ્લાસ સાથે નગરચર્યા કર્યા બાદ નીજ મંદિર પરત ફર્યા
- ભગવાન મંદિરમાં પરત ફર્યા બાદ મહંતે ઉતારી આરતી
- આજની રાત ભગવાન જગન્નાથ મંદિરની બહાર રહેશે
અમદાવાદની 147મી રથયાત્રા પૂર્ણ થઈ છે. નગરચર્યા કરીને ભગવાન જગન્નાથ નીજ મંદિર પરત પહોંચ્યા છે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ભગવાનના રથ નીજ મંદિર પરત ફર્યા છે અને મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા ભગવાનની આરતી ઉતારવામાં આવી અને આજની રાત ભગવાન જગન્નાથને મંદિરના પ્રાંગણમાં પસાર કરવી પડશે. આવતીકાલે સવારે આરતી બાદ ભગવાનને નીજ મંદિરમાં પ્રવેશ કરાવાશે.
રથયાત્રા જોવા માટે લોકો દુર-દુરથી આવ્યા
નીજ મંદિર પરત ફર્યા બાદ ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં આતુરતાથી ભક્તો રાહ જોઈ રહ્યા હતા અને લાંબી લાઈન લગાવી હતી. તમને જણાવી દઈએ કે ભગવાન જગન્નાથના દર્શન કરવા અને રથયાત્રા જોવા માટે લોકો દુર-દુરથી આવી પહોંચ્યા હતા.
રાજ્યમાં 210 રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ
આ સાથે જ અમદાવાદ સહિત રાજ્યમાં 210 રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને કહ્યું કે ગુજરાત પોલીસની સખત મહેનત અને સમર્પણના કારણે આનંદદાયક ઉજવણી શક્ય બની અને ગુજરાત પોલીસનો ખુબ આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અમદાવાદ સહિત સુરત, ભૂજ, કલોલ, અંબાજી, પાલનપુર,ડાકોર, શામળાજી, દ્વારકા, ભાવનગર અને અન્ય ઘણા શહેરોમાં ભગવાનની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે.
23,000થી વધુ પોલીસકર્મીઓએ આપી સેવા
23,000થી વધુ પોલીસકર્મીઓએ રથયાત્રામાં સેવા આપી છે. આ સિવાય ચેતક કમાન્ડોની ટીમ પણ બંદોબસ્તમાં હતી તથા ચેતક કમાન્ડોની 3 ટૂકડીઓ તૈનાત કરવામાં આવી હતી. આ સાથે જ DG, ADG, IG, DIG સહિતના અધિકારીઓ બંદોબસ્તમાં હાજર હતા તથા કુલ 38 SP, DCP કક્ષાના અધિકારીઓ સાથે ACP – DYSP કક્ષાના 89 અધિકારીઓ તૈનાત હતા. જેમાં PI કક્ષાના કુલ 286 અધિકારીઓ બંદોબસ્તમાં જોડાયા હતા તથા 630 PSIને બંદોબસ્તમાં મુકવામાં આવ્યા હતા. SRPની 30 કંપનીઓના જવાનો બંદોબસ્તમાં ખડેપગે સેવા આપી. તેમજ સેન્ટ્રલ ફોર્સની 11 કંપનીઓ બંદોબસ્તમાં તૈનાત હતી.


