ભગવાન શ્રી જગન્નાથજીની તેર યાત્રાઓમાં ગુણ્ડિચા યાત્રા મુખ્ય છે. આ ગુણ્ડિચા મંદિરમાં વિશ્વકર્માજીએ ભગવાન જગન્નાથજી, બલભદ્રજી તથા સુભદ્રાજીની પ્રતિમાઓ બનાવી હતી. મહારાજ ઈન્દ્રદ્યુમ્ને આ મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરાવી હતી.
તેથી ગુણ્ડિચા મંદિરને બ્રહ્મલોક અથવા જનકપુર પણ કહે છે. ગુણ્ડિચા મંદિરમાં યાત્રાના સમયે શ્રીજગન્નાથજી બિરાજમાન હોય છે. તે સમયે પુરીમાં જે મહોત્સવ થાય છે તેને ગુણ્ડિચા મહોત્સવ તરીકે ઓળખવામાં આવે છે.
અષાઢ માસના શુક્લ પક્ષમાં પુષ્ય નક્ષત્રથી યુક્ત દ્વિતીયા તિથિ આવતાં તેમાં અરુણોદયના સમયે ભગવાનની પૂજા કરવામાં આવે છે. બ્રાહ્મણો, વૈષ્ણવો, તપસ્વીઓ એમ સૌ કોઈ દ્વારા ભગવાનને યાત્રા માટે નિવેદન કરાય છે, `હે પ્રભુ! આપે પૂર્વકાલમાં રાજા ઈન્દ્રદ્યુમ્નને જેવી આજ્ઞા આપી છે, તે અનુસાર રથ દ્વારા ગુણ્ડિચા મંડળ તરફ વિજય યાત્રા કરો. આપની કૃપાદૃષ્ટિથી દશેય દિશાઓ પવિત્ર બનો તથા સ્થાવર-જંગમ સમસ્ત પ્રાણી કલ્યાણને પ્રાપ્ત થાવ. આપે આ અવતાર લોકો ઉપર દયાની ઈચ્છાએ ગ્રહણ કર્યો છે. એટલા માટે ભગવત્! આપ પ્રસન્નપૂર્વક પૃથ્વી પર ચરણ મૂકીને પધારો.’
તે પછી લોકો મંગલગીત ગાય છે, જયજયકાર કરે છે અને `જિતં તે પુણ્ડરીકાક્ષ’ મંત્રનો ઉચ્ચસ્વરે જપ કરે છે. સૂત, માગધ વગેરે હર્ષમાં આવી ભગવાનના પવિત્ર યશનું ગાન કરે છે. ભગવાનની બંને બાજુએ સુવર્ણમય દંડથી સુશોભિત વ્યંજનોની હાર ધીરેધીરે હાલતી રહે છે. કૃષ્ણાગુરુના ધૂપથી સંપૂર્ણ દિશાઓ અને ત્યાંનું આકાશ સુવાસિત બની ઊઠે છે. ઝાંઝ, કરતાલ, વેણુ, વીણા, માધુનિક વગેરે વાદ્ય ગોવિંદની આ વિજય યાત્રાના સમયે મધુર સ્વરે વાગતાં રહે છે. ઉત્સવનો પ્રારંભ થતાં શ્રીકૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાજીને લોકો ધીરેધીરે લઈ જાય છે. વચમાં વચમાં રૂવાળા બિછાના પર તેમને વિશ્રામ કરાવવામાં આવે છે અને વિશ્રામ પછી એ ત્રણેને રથમાં લઈ જવામાં આવે છે. તે વખતે લોકો માર્ગમાં યાત્રા કરતા શ્રી જગન્નાથજીનાં ભક્તિપૂર્વક દર્શન કરે છે. ભક્તો નૃત્ય કરે છે, ગાય છે, કીર્તન કરે છે. આવી રીતે રથના માર્ગમાં ઉત્તમ વૈષ્ણવ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરે છે. આમ, જે અજ્ઞાની અને અવિશ્વાસુ છે, તેમના મનમાં પણ વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે ભગવાન વિષ્ણુ દર વર્ષે યાત્રાનો આરંભ કરે છે.
રથયાત્રા
ભગવાન શ્રીકૃષ્ણે આ સઘળાં યાત્રા-મહોત્સવોમાં અષાઢ શુક્લ (સુદ) પક્ષની બીજની તિથિની રથયાત્રાને શ્રેષ્ઠ બતાવતાં કહ્યું છે કે `પુષ્ય નક્ષત્રયુક્ત મને સુભદ્રા અને બલરામ સહિત રથમાં બેસાડીને યાત્રા કરાવવાથી સઘળાં મનોરથ પૂર્ણ થાય છે.’ પુરીની રથયાત્રામાં ત્રણેય દેવતાઓ માટે અલગ અલગ રથ બનાવવામાં આવે છે. લાલ અને હરિયાળા રંગના બલભદ્રજીના રથને `તાલધ્વજ’ કહેવામાં આવે છે. લાલ અને નીલા રંગના સુભદ્રાજીના રથને `દર્પદલન’ અને લાલ તેમજ પીળા રંગના રથને `નંદી ઘોષ’ કહેવામાં આવે છે.
રથયાત્રામાં વિભિન્ન સ્થાનીય પારંપરિક રીત-રિવાજોને ભારે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે નિભાવવામાં આવે છે. તેમાંથી `પોદંડી બિજે’ અને `છેરા પોદરા’ મુખ્ય છે. સૌથી પ્રથમ સુદ શેન ચક્રને સુભદ્રાજીના રથ પર પહોંચાડવામાં આવે છે. ઘંટ, નગારાં વગેરેના ધ્વનિ તથા ભજન-કીર્તનની વચ્ચે એક ખાસ પ્રકારના લયમાં ભગવાનની મૂર્તિને મંદિરમાંથી રથ પર લાવવી, એને `પોદંડી બિજે’ કહેવામાં આવે છે. આમ, ત્રણેય દેવોને રથ પર બેસાડી દેવામાં આવે છે. તે વખતે પુરીના પારંપરિક રાજાને તેમના પુરોહિત નિમંત્રણ આપવા આવે છે. રાજા પાલખીમાં આવે છે અને ત્રણેય રથોને સોનાના ઝાડુ વડે લુહારે છે. આ પરંપરાને `છેરા પોદરા’ કહેવામાં આવે છે. હજારો અનુચર-ભક્તો આ રથને ખેંચે છે. પુરીમાં તેને રથરણા કહે છે.
ત્રણ માઈલના બડદંડથી પસાર થયા પછી ત્રણેય રથો સાંજ સુધીમાં ગુણ્ડિચા મંદિરે પહોંચે છે. ત્યાં નવ દિવસ વિશ્રામ કર્યા પછી યાત્રા પરત આવે છે. આ પરત યાત્રાને `બહુડા’ યાત્રા કહે છે. પરત ફરતા ભગવાન એક દિવસ સુધી મંદિરની બહાર રથ પર દર્શન આપે છે. મંદિરથી બહાર નવ દિવસનાં દર્શનને `આડપ દર્શન’ કહે છે.
જે વર્ષમાં અષાઢ માસમાં અધિક માસ હોય છે તે વર્ષમાં રથયાત્રાના મહોત્સવની સાથે એક વિશેષ મહોત્સવ થાય છે, જેને `નવ કલેવર ઉત્સવ’ કહેવાય છે. આ ઉત્સવ વખતે ભગવાન જગન્નાથ પોતાનું પુરાણું કલેવર ત્યજીને નવું કલેવર ધારણ કરે છે. અર્થાત્ લાકડાની નવી મૂર્તિઓ બનાવવામાં આવે છે તથા પુરાણી મૂર્તિઓને મંદિરના પરિસરમાં જ `કોયલી-વૈકુંઠ’ નામના સ્થળ પર સમાધિ આપી દેવામાં આવે છે. પુરીમાં રથયાત્રાનો ઉત્સવ કુલ દસ દિવસ સુધી ઉજવાય છે.
શ્રી જગન્નાથપુરી મંદિરમાં બાર મહિનાઓમાં તેર મુખ્ય યાત્રાઓ ઊજવવામાં આવે છે. આમેય દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક અને વાર્ષિક ઉત્સવો તથા યાત્રાઓની સંખ્યા ઘણીબધી છે. દરરોજના શૃંગારની સાથે વિશેષ ઉત્સવો વખતે મૂર્તિઓ માટેના વિશેષ પ્રકારના શૃંગારોનો પણ પ્રબંધ કરવામાં આવે છે.
સ્કન્દપુરાણ, ઉત્કલખંડ (39, 13)માં મહર્ષિ જૈમિનિએ અન્ય ઋષિઓની સામે આ યાત્રાઓ અને ઉત્સવો થતાં રહેવાનાં કારણોનો ઉલ્લેખ કરતાં બતાવ્યું છે કે દુ:ખી પ્રાણીઓના ઉદ્ધાર માટે તથા દુરાત્મ લોકોનો ભગવાન પર વિશ્વાસ-શ્રદ્ધા થાય તે દૃષ્ટિએ દરેક વર્ષે યાત્રા યોજાય છે.
વાર્ષિકોત્સવ અને યાત્રાઓ
પુરીના શ્રી જગન્નાથ મંદિરમાં માસક્રમે જે યાત્રાઓ અને ઉત્સવો ઉજવાય છે. જે આ પ્રમાણે છે.
(1) વૈશાખ માસના ઉત્સવ : (1) મહાવિષુવ-સંક્રાંતિ, (2) અક્ષય તૃતીયાથી એકવીસ દિવસ સુધી ચંદનયાત્રા, (3) નીલાદ્રિ મહોદય, (4) નૃસિંહ જન્મ.
(2) જયેષ્ઠ માસના ઉત્સવ : (1) શીતલાષષ્ઠિ, (2) રાજેન્દ્રાભિષેક, (3) રુક્મિણી હરણ એકાદશી, (4) દેવસ્નાન કે સ્નાનાયાત્રા તથા (5) અનવસર કે અણસર.
(3) અષાઢ માસના ઉત્સવ : (1) નેત્રોત્સવ, (2) રથયાત્રા, (3) હૈરાપંચમી, (4) હરિશયની એકાદશી, (5) ગરુડશયન દ્વાદશી અને (6) દક્ષિણાયન કે કર્ક-સંક્રાંતિ.
(4) શ્રાવણ માસના ઉત્સવ : (1) ચિતાલાગિ અમાવાસ્યા, (2) ઝૂલણયાત્રા-રક્ષાબંધન
(5) ભાદ્રપદ માસના ઉત્સવ : (1) રાહુ-રેખાલાગિ, (2) શ્રીકૃષ્ણ જન્માષ્ટમી, (3) કેટલીક અન્ય લીલાઓ.
(6) આશ્વિન માસના ઉત્સવ : (1) સહસ્ત્ર કુંભાભિષેક, (2) દશહરા એકાદશી, (3) કુમારપૂર્ણિમા-કૌમુદી ઉત્સવ.
(7) કાર્તિક માસના ઉત્સવ : (1) હરિ ઉત્યાયન એકાદશી (2) રાસપૂર્ણિમા.
(8) માર્ગશીર્ષ માસના ઉત્સવ : (1) દીપદાન (2) પાર્વણયા ઔઢણ ષષ્ઠિ.
(9) પોષ માસના ઉત્સવ : (1) પુષ્યાભિષેક (2) નવાંકયાત્રા અને મકરસંક્રાંતિ
(10) માઘ માસના ઉત્સવો : (1) વસંતપંચમી
(11) ફાગણ માસના ઉત્સવ : (1) શિવરાત્રિ (2) દોલયાત્રા
(12) ચૈત્ર માસના ઉત્સવ : (1) રામનવમી
આટલા ઉત્વસો તથા ઉપરોક્ત વર્ણિત 13 યાત્રાઓ સિવાય નાનીમોટી લગભગ 40 યાત્રાઓ હોય છે. આવી 27 ઉપયાત્રાઓ અને લગભગ 108 પર્વ-તહેવાર ઉજવાય છે.
તેર યાત્રાઓ
(1) સ્નાનયાત્રા કે દેવસ્થાનયાત્રા, (2) શ્રી ગુણ્ડિચા અથવા રથયાત્રા, (3) શયન, (4) ઉત્તરાયણ કે મકર, (5) દક્ષિણાયન કે કર્કર, (6) પાર્શ્વ પરિવર્તન, (7) ઉત્યાયન, (8) દ્રાવણ, (9) પુષ્યાભિષેક, (10) હોલયાત્રા (11) ચંદનયાત્રા, (12) બાહુડા યાત્રા તથા (13) નીલાદ્રિ મહોદયની યાત્રા.
અમદાવાદની રથયાત્રા
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથજીના મંદિરેથી દર વર્ષે અષાઢી બીજના દિવસે રથાયાત્રા નીકળે છે. આ વર્ષે 7 જુલાઈના રોજ નીકળનારી રથયાત્રા એ અમદાવાદની 147મી રથયાત્રા હશે. રથયાત્રાની તૈયારીઓ લગભગ બે મહિના પહેલાંથી શરૂ થઈ જાય છે. આ યાત્રામાં મુખ્ય આકર્ષણ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાનો રથ હોય છે. તેની સાથે યાત્રામાં જોડાયેલાં શણગારેલા હાથીઓ, સજાવેલી ટ્રકો, વિવિધ કરતબો કરતાં અખડાના યુવાનો અને ભજનમંડળીઓનું પણ વિશેષ આકર્ષણ રહે છે. પ્રસાદમાં કેસરી ખેસ આપવાનો વિશિષ્ટ રિવાજ છે તો હજારો મણ ફણગાવેલાં મગ, બોર, જાંબુ, કેરીની પ્રસાદી પણ વહેંચવામાં આવે છે. અમદાવાદની રથયાત્રામાં બહેન સુભદ્રા જ્યારે મોસાળ સરસપુર ખાતે પધારે છે, ત્યારે તેમનું મોસાળું કરવામાં આવે છે. તેમને વસ્ત્રો, સોનાના દાગીના વગેરે ભેટ આપવામાં આવે છે. સરસપુર ખાતે ભક્તોના જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે. અમદાવાદનો મુસ્લિમ સમાજ પણ ભાવપૂર્વક સામેલ થઈને સર્વધર્મસમભાવની ભાવનાનું વાતાવરણ પેદા કરે છે. અમદાવાદ ઉપરાંત ભાવનગર સહિત હવે તો ગુજરાતનાં ઘણાં શહેરોમાં રથયાત્રાનું આયોજન થાય છે અને નગરયાત્રાએ નીકળતા જગન્નાથજીનાં દર્શન કરીને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે.