ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો હાલમાં ખાતરની અછત અને અનિયમિત વિતરણના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રવિ પાકને યોગ્ય સમયે ખાતર ન મળતાં ખેડૂતોમાં ચિંતા વધી છે. ખાસ કરીને વેરાવળ વિસ્તારમાં ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબનું ખાતર મળી રહ્યું નથી.
ખેડૂતોનો ઉગ્ર વિરોધ
ખેડૂતોને પૂરા પ્રમાણમાં ખાતરના બદલે માત્ર 2 થી 3 બેગ ખાતર જ ફાળવવામાં આવી રહ્યું છે. હાલમાં રવિ પાક માટે ખાતરની તાતી જરૂરિયાત છે અને જો સમયસર ખાતર નહીં મળે તો પાકને મોટું નુકસાન થવાનો ભય છે. ખાતર વગર હેરાન થઈ રહેલા ખેડૂતોએ સરકાર સમક્ષ ભારપૂર્વક માંગણી કરી છે કે, “ખેડૂતોને ખરા સમયે પૂરતા પ્રમાણમાં ખાતર આપવામાં આવે, જેથી તેમનો પાક બચી શકે.” ખેડૂત નેતાઓએ જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આંદોલનની ચીમકી આપી છે.


