ભારતની મધ્યયુગીન સંતપરંપરામાં રવિદાસજીનું મહત્ત્વપૂર્ણ સ્થાન હતું. સંત રવિદાસજી કબીરજીના સમકાલીન સંત હતા. સંતકવિ રવિદાસનો જન્મ વારાણસી પાસેના એક ગામમાં ઈ.સ. 1377 અને સંવત 1433માં મહા સુદ પૂનમના દિવસે થયો હતો. (સંત રવિદાસજીના જન્મ અંગેની કોઈ ચોક્કસ જાણકારી નથી. અનેક મત પ્રવર્તે છે.) એ દિવસે રવિવાર હતો, તેથી તેમનું નામ રવિદાસ રાખવામાં આવ્યું. તેમને સ્વામી રામાનંદના શિષ્ય માનવામાં આવે છે. સંત રવિદાસને લોકો રોહિદાસ કે રૈદાસ તરીકે પણ લોકો ઓળખે છે.
રવિદાસજીનો જીવન પરિચય
સંત રવિદાસના પિતાનું નામ રઘુ અને માતાનું નામ નર્મદા હતું. તેમને ચામડાનો વ્યવસાય હતો. તેઓ જોડાં સીવીને પોતાનું ગુજરાન ચલાવતાં હતા. સંત રવિદાસ પણ પોતાના પિતાનું કાર્ય લગન અને મહેનતથી કરતા હતા. બાળપણથી જ તેમનું મન ભજન-સત્સંગમાં વધારે રહેતું હતું. તેઓ સાધુ-સંતની જમાત આંગણે આવે તો પ્રેમપૂર્વક જમાડતા. ત્યારબાદ તેમની સાથે બેસીને ભજન-સત્સંગ કરતા. લગ્નલાયક ઉંમર થતાં ભગવતીદેવી સાથે તેમનાં લગ્ન થયાં.
તેઓ વ્યવસાય અને ભજન-સત્સંગ કરતા, આખો દિવસ જોડાં સીવીને સાંજ પડવા આવે ત્યાં કોઈ ગરીબ ઉઘાડાપગે આવે તો રવિદાસજી તેમને મફતમાં જોડાં આપી દેતા. જ્યારે તેમના પિતાને આ વાતની ખબર પડી ત્યારે તેઓ ગુસ્સે થયા. ત્યારબાદ તેમના પિતાએ ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં એક નાની એવી ઝૂંપડી બનાવી દીધી અને રવિદાસજીને પત્ની સાથે અલગ રહેવાની આજ્ઞા કરી. રવિદાસજી જુદા રહેવા લાગ્યા. તેઓ હરિનામ લેતાં લેતાં જોડાં સીવતા અને તેમાંથી જે કંઈ આવે તેમાં ઘર ચલાવતા તથા આંગણે આવેલા સાધુ-સંતને જમાડીને સત્સંગ કરતા. આ તેમનું નિત્યકર્મ થઈ ગયું હતું.
સંત તથા ભક્તકવિ
હિન્દી સાહિત્યના ઇતિહાસમાં મધ્યકાળ ભક્તિકાળના નામથી પ્રખ્યાત હતો. આ કાળમાં અનેક સંત તથા ભક્તકવિ થયા, જેમણે ભારતીય સમાજમાં વ્યાપ્ત અનેક કુરિવાજોને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. આ મહાન સંતો અને કવિઓની શ્રેણીમાં સંત રવિદાસજીનું નામ મોખરે છે. તેમણે જાતિ, વર્ગ વગેરે વચ્ચેનું અંતર ઘટાડવાના પ્રયત્નો કર્યા.
રવિદાસજીએ ભક્તિના માર્ગને અપનાવ્યો હતો. સત્સંગ દ્વારા તેમણે પોતાના વિચારોને લોકો સુધી પહોંચાડ્યા હતા. રવિદાસજી પોતાનાં પદોમાં કલ્પના, આધ્યાત્મિક શક્તિ તથા પોતાના ચિંતનને સહજ તથા સરળ ભાષામાં વ્યક્ત કરતા હતા. રવિદાસજીના પદમાં રહેલા ભાવને સમજવા ખૂબ જ સરળ છે. જેમ કે,
પ્રભુજી તુમ ચંદન હમ પાની
જાકી અંગ અંગ બાસ સમાની
પ્રભુજી તુમ ધનબન હમ મોરા
જૈસે ચિતવત ચંદ્ર ચકોરા
પ્રભુજી તુમ દીપક હમ બાતી
જાકી જોતિ બરે દિન રાતી
પ્રભુજી તુમ મોતી હમ ધાગા
જૈસે સોનહિ મિલત સુહાગા
પ્રભુજી તુમ સ્વામી હમ દાસા
ઐસી ભક્તિ કરે રૈદાસા
તેમના જીવનની ઘટનાઓ દ્વારા તેમના ગુણો જાણવા મળે છે. એક ઘટના અનુસાર ગંગાસ્નાન માટે રવિદાસજીના શિષ્યોમાંથી એક શિષ્યે તેમને સાથે આવવા આગ્રહ કર્યો ત્યારે તેમણે કહ્યું, `ગંગાસ્નાન માટે હું ચોક્કસ તમારી સાથે આવતો, પરંતુ મેં કોઈને આજે જૂતાં બનાવીને આપવાનું વચન આપ્યું છે. જો હું ગંગાસ્નાન માટે આવીશ તો વચનભંગ થશે. જો મન સારું હશે તો આ કથરોટના પાણીથી સ્નાન કરવાથી ગંગાસ્નાનનું પુણ્ય જ મળશે.’ એવું કહેવાય છે કે આ પ્રસંગ પછી `મન ચંગા તો કઠૌતી મેં ગંગા’ નામની કહેવત પ્રચલિત થઈ.
રવિદાસજીને રામભક્ત અને કૃષ્ણભક્ત પરંપરાના કવિ અને સંત કહેવામાં આવે છે. તેમના પ્રસિદ્ધ દોહા આજે પણ સમાજમાં પ્રચલિત છે, જેના પર અનેક ભજનો બન્યાં છે. સંત રવિદાસ જયંતી દેશભરમાં ધૂમધામથી મનાવવામાં આવે છે. આ અવસરે શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે અને સત્સં ગનું આયોજન પણ થાય છે.