એક તરફ ભારતીય ક્રિકેટ ફેન્સની નજર 20 જૂનથી શરૂ થનારી ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે જાહેર થનારી ટીમ પર ટકેલી છે, તો ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટમાં એક નવો ઈતિહાસ રચ્યો છે.
રવિન્દ્ર જાડેજાએ એક એવી સિદ્ધિ મેળવી છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી કોઈ ખેલાડી કરી શક્યો નથી. વિશ્વ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં બેસ્ટ ઓલરાઉન્ડર ખેલાડીઓમાં ગણાતા રવિન્દ્ર જાડેજા લાંબા સમયથી ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર છે.
લાંબા સમય સુધી નંબર-1 રહેવાનો બનાવ્યો રેકોર્ડ
રવિન્દ્ર જાડેજા હવે વિશ્વ ક્રિકેટમાં આટલા લાંબા સમય સુધી નંબર-1 સ્થાન પર રહેનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. હાલમાં, રવિન્દ્ર જાડેજા 400 રેટિંગ પોઈન્ટ સાથે ICC ટેસ્ટ ઓલરાઉન્ડર પ્લેયર રેન્કિંગમાં ટોપ પર છે.
જ્યારે બાંગ્લાદેશનો ખેલાડી મેહદી હસન મિરાઝ 327 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ઓલ-રાઉન્ડર ખેલાડીઓના રેન્કિંગમાં, રવિન્દ્ર જાડેજા હાલમાં ટોપ-10માં એકમાત્ર ભારતીય ખેલાડી છે, ત્યારબાદ અક્ષર પટેલ 220 રેટિંગ પોઈન્ટ સાથે 12મા ક્રમે છે.
રવિન્દ્ર જાડેજાએ છેલ્લા 1152 દિવસથી પોતાનું નંબર-1 સ્થાન જાળવી રાખ્યું
રવિન્દ્ર જાડેજાએ 9 માર્ચ 2022 ના રોજ જાહેર કરાયેલ ICC ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં નંબર-1 સ્થાન હાંસલ કર્યું હતું, ત્યારબાદ તેને અત્યાર સુધી 1152 દિવસ સુધી આ સ્થાન જાળવી રાખ્યું છે. જો આપણે રવિન્દ્ર જાડેજાના અત્યાર સુધીના ટેસ્ટ કરિયર પર નજર કરીએ તો, તેને 80 ટેસ્ટ મેચોમાં 34.74 ની એવરેજથી 3370 રન બનાવ્યા છે. બોલિંગમાં તેને 24.14ની એવરેજથી 323 વિકેટ લીધી છે. રવિન્દ્ર જાડેજા ICC ODI ઓલરાઉન્ડર રેન્કિંગમાં એક સ્થાન આગળ વધીને 220 રેટિંગ પોઈન્ટ સાથે નંબર-9 પર પહોંચી ગયો છે.


