ટેસ્ટમાં ભારતની સૌથી મોટી જીત, જયસ્વાલની બેવડી સદી અને સરફરાઝનું શાનદાર ડેબ્યૂ
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રમાય હતી. જેમાં ભારતે ઇંગ્લેન્ડને ધમરોળી નાખ્યું હતું. ટેસ્ટ ઇતિહાસમાં રનની દ્રષ્ટિએ આ ભારતી સૌથી મોટી જીત હતી. ઉપરાંત આ મેચ દરમિયાન અનેક રેકોર્ડ ટૂટ્યા હતા.
આ મેચમાં જયસ્વાલે સતત બીજી ટેસ્ટમાં બીજી બેવડી સદી ફટકારવાની સાથે અણનમ ૨૧૪ રન નોંધાવ્યા બાદ લોકલ બોય અને પ્લેયર ઓફ ધ મેચ જાડેજાએ માત્ર ૪૧ રનમાં જ પાંચ વિકેટ ઝડપતાં ભારતે ઈંગ્લેન્ડ સામે રાજકોટમાં રમાયેલી શ્રેણીની ત્રીજી ટેસ્ટ ચોથા દિવસે ૪૩૪ રનથી જીતી લીધી હતી. ભારતીય ટેસ્ટ ઈતિહાસનો આ રનની રીતે સૌથી મોટા અંતરનો વિજય હતો. જયસ્વાલે ૧૨ છગ્ગા અને ૧૪ ચોગ્ગા સાથે ૨૩૬ બોલમાં અણનમ ૨૧૪ રન તેમજ ગીલે ૯૧ અને સરફરાઝે ૬૮* રન નોંધાવતા ભારતે બીજી ઈનિંગ ચાર વિકેટે ૪૩૦ રને ડિકલેર કરી હતી. જીતવા માટેના ૫૫૭ના ટાર્ગેટ સામે બાઝબોલને કારણે બહુ ગાજેલી ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં માત્ર ૩૯.૪ ઓવરમાં જ ૧૨૨ રનમાં જ ફસકી પડી હતી.
જાડેજાને પ્રથમ ઈનિંગમાં ૧૧૨ રન અને બીજી ઈનિંગમાં પાંચ તેમજ મેચમાં કુલ ૭ વિકેટ ઝડપવા બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પાંચ ટેસ્ટની શ્રેણીમાં ૦-૧થી પાછળ પડયા બાદ ભારતે આ સતત બીજી જીત હાંસલ કરી હતી. હવે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ ૨-૧થી સરસાઈ મેળવી લીધી છે. હવે શ્રેણીની ચોથી ટેસ્ટ ચાર દિવસ પછી તારીખ ૨૩મી ફેબુ્રઆરીથી ધોનીના હોમટાઉન રાંચીમાં શરૂ થશે. રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં અગાઉ ભારતે પ્રથમ ઈનિંગમાં ૪૪૫નો સ્કોર કર્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડ ૩૧૯માં ઓલઆઉટ થતાં ભારતને ૧૨૬ રનની સરસાઈ મળી હતી.
ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે ગીલ (૬૫) અને કુલદીપ (૩)ની જોડીએ ભારતના સ્કોરને ૧૯૬/૨ના સ્કોરથી આગળ ધપાવ્યો હતો. ભારતે આજના દિવસમાં વધુ ૨૩૪ રન ઉમેરતાં માત્ર બે જ વિકેટ ગુમાવી હતી. ગીલે ૯૧ રનની ઈનિંગ રમી હતી. જોકે કુલદીપે ફટકારેલા શોટ પર સ્ટ્રાઈકર એન્ડ પર પહોંચવાની ઉતાવળમાં ગીલે દોડ લગાવી હતી. જોકે બોલ સ્ટોક્સની નજીક પહોંચી ગયો હોવાથી કુલદીપે સિંગલનો ઈનકાર કર્યો હતો. ગીલે પાછા ફરવા ડાઈવ પણ લગાવી ત્યાં સુધીમાં હાર્ટલીએ વિકેટ વિખેરી નાંખતા ગીલ નવ રન માટે સદી ચૂક્યો હતો. તેણે ૧૫૧ બોલમાં ૯ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
પીઠના દુઃખાવાને કારણે કારણે ત્રીજા દિવસે ૧૦૪ રને રિટાયર્ડ હર્ટ થયેલો જયસ્વાલ પાછો ફર્યો હતો અને તેણે રેકોર્ડ ૧૨ છગ્ગા અને ૧૪ ચોગ્ગા સાથે ૨૩૬ બોલમાં અણનમ ૨૧૪ રન નોંધાવ્યા હતા. કુલદીપ (૯૧ બોલમાં ૨૭ રન) રેહાનની બોલિંગમાં આઉટ થયો હતો. આ પછી જયસ્વાલ-સરફરાઝે પાંચમી વિકેટમાં અણનમ ૧૭૨ રન જોડયા હતા. સરફરાઝે ૭૨ બોલમાં ૬ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે અણનમ ૬૮ રન નોંધાવ્યા હતા. ભારતે ૯૮ ઓવરમાં ૪ વિકેટે ૪૩૦ના સ્કોર પર ઈનિંગ ડિકલેર કરી હતી.
જીતવા માટેના ૫૫૭ના ટાર્ગેટ સામે ઈંગ્લેન્ડનું બાઝબોલ કેટલું ટકી શકે છે, તે જ જોવાનું હતુ. ડકેટ (૪)ને સિરાજ-જુરેલે રનઆઉટ કર્યો હતો. જ્યારે ક્રાવલી (૧૧) બુમરાહની બોલિંગમાં લેગબિફોર વિકેટ થયો હતો. જાડેજાએ પૉપ (૩), બેરસ્ટો (૪) અને રૂટ (૭)ને તેમજ કુલદીપે સ્ટોક્સ (૧૫) અને રેહાન (૦)ને આઉટ કરતાં ઈંગ્લેન્ડ ૫૦/૭ પર ફસડાયું હતુ.
૧૦માં ક્રમે ઉતરીને વૂડે ૧૫ બોલમાં ૬ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૩૩ રન ફટકારતાં ઈંગ્લેન્ડ ૩૯.૪ ઓવરમાં ૧૨૨ના સ્કોર સુધી પહોંચી શક્યું હતુ. જાડેજાએ ૪૧ રનમાં પાંચ, કુલદીપે ૧૯ રનમાં બે અને માતાની તબિયતમાં સુધારો થતાં ચોથા દિવસે ટીબ્રેક પછી ટીમની સાથે પાછા ફરેલા આર.અશ્વિને ૧૯ રન આપીને હાર્ટલીની વિકેટ ઝડપી હતી.
સદી અને સાત વિકેટ સાથે બાપુએ ભૂક્કા બોલાવી દીધા
રાજકોટ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની પહેલી ઇનિંગમાં સદી અને ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં પાંચ સહિત મેચમાં કુલ સાત વિકેટ ખેરવીને રવિન્દ્ર જાડેજા હોમ ગ્રાઉન્ડ પર છવાઇ ગયો હતો. શ્રેષ્ઠ પ્રદર્શન બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાતાં રાજકોટના પ્રેક્ષકો ખુશખુશાલ થઇ ગયા હતા.
સરફરાઝનું શાનદાર ડેબ્યૂ: બંને ઇનીંગમાં ફિફ્ટી
રાજકોટમા ટેસ્ટ ડેબ્યુ કરીને પહેલા દાવમાં વન-ડે સ્ટાઇલથી ૬૬ રન બનાવનાર સરફરાઝને ટેસ્ટના ચોથા દિવસે ટીમની બીજી ઇનિંગમાં અપગ્રેડ કરી જાડેજાની પહેલા રમવા મોકલાયો હતો. બીજા દાવમાં પણ સરફરાઝે સટાસટી બોલાવી ૭૨ દડામાં 3 સિકસ સાથે ૬૮ રન બનાવ્યા હતાં.રાજકોટ ટેસ્સ્ટમાં ડેબ્યુ કરનારા સરફરાઝને આગળ રમવા મોકલતાં જ લોકોએ ચીચીયારી પાડી વધાવી લીધો હોય તેમ આખુ સ્ટેડિયમ ગુંજી ઉઠયું હતું. સરફરાઝે પણ જયસ્વાલ સાથે જોડાઇ ચારે તરફ ફટકાબાજી કરી ધૂમ મચાવી દીધી હતી. જો કે ભારતે અચાનક જ દાવ ડીકલેર કરાતાં લોકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતાં. એક તરફ સરફરાઝ ખાન વન-ડે સ્ટાઇલથી ચોગ્ગા-છગ્ગા મારતો હતો અને જયારે ૬૮ રને પહોંચ્યો ત્યાં જ દાવ ડીકલેર જાહેર કરી દેવાતાં તેને ડેબ્યુ ટેસ્ટમાં જ સદી કરવા દેવી જોઇતી હતી તેવો પ્રેક્ષકોમાં ગણગણાટ શરૂ થયો હતો.
રાજકોટના લોકોનો રવિવાર વસૂલ
રંગીલા રાજકોટવાસીઓ રવિવારની રજાનો લાભ લઇ ટીમ ઇન્ડિયાને ચીયર-અપ કરવા સવારથી જ મોટી સંખ્યામાં સ્ટેડિયમ પર પહોંચી ગયા હતા. ૧૦ વાગ્યા સુધીમાં તો સ્ટેડિયમ હાઉસફુલ થઇ ગયું હતું.આંતરરાષ્ટ્રીય વન-ડે અને ટી-૨૦ મેચમાં ટિકિટ માટે લાંબી લાઇનો લાગે તે સ્વાભાવિક છે પરંતુ રાજકોટમાં પાંચ દિવસના ટેસ્ટ મેચમાં પહેલા-બીજા અને ત્રીજા દિવસે પ્રેક્ષકોની સામાન્ય હાજરી બાદ રવિવારે ટેસ્ટ મેચ નિહાળવા માટે પણ સવારથી જ લાંબી લાઇનો લાગી હતી. લોકો જે હાથમાં આવે તે ટિકિટ લેવા પડાપડી કરતાં હતાં.
ઇંગ્લેન્ડનો સ્ટાર ખેલાડી બેરીસ્ટો બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરતાં સમયે પ્રેક્ષકોએ બેરીસ્ટો-બેરીસ્ટો કહીને તેનાં નામની બૂમો પાડવાનું શરૂ કરતાં બેરીસ્ટોએ પણ નમસ્તે કરી અભિવાદન કર્યુ હતું. સ્ટેડિયમમાં દર મેચની સાપેક્ષ આ વખતે ચેકીંગથી માંડીને નિયમો થોડા હળવા કરાતાં લોકોને હાશકારો થયો હતો. પાણીની બોટ લઇ જવા માટે પણ કંઇક અંશે છુટછાટ આપવામાં આવી હતી. જો કે કેટલાક પ્રેક્ષકો આને લીધે તમાકુ-પાન-મસાલા અંદર લઇ ગયા હતાં. બીજી તરફ ક્રિકેટ સ્ટેડિયમની આજુબાજુના ખેતર માલિકોએ પોતાના ખેતરને પાર્કિંગ સ્થળ બનાવી દીધું હોય તેમ કાર પાર્કિંગના રૂ.૧૦૦ અને ટુ વ્હીલરના રૂ.૫૦ ઉઘરાવ્યા હતાં. લોકોએ નાછુટકે લૂંટાવુ પડયુ હતું.
અશ્વિનએ ટેસ્ટમાં 500મો શિકાર રાજકોટમાં ઝડપ્યો
ભારતના સ્ટાર ખેલાડી અને સ્પિનના માસ્ટર રવિચંદ્રન અશ્વિને રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ટેસ્ટ કરિયનરની 500મી વિકેટ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ઓછા મેચમાં 500 વિકેટ લેવામાં તેણે અનેક બોલરેને પાછળ છોડ્યા હતા અને ટેસ્ટ ઇતિહાસનો સૌથી ઝડપી બીજા નંબરનો બોલર બન્યો હતો. રાજકોટમાં લીધેલી 500મી વિકેટ અશ્વિન અને ક્રિકેટ પ્રેમીઓને યાદ રહી જશે.ઉપરાંત SCA દ્વારા અશ્વિનું સન્માન પણ કરાયું હતું.
ઇંગ્લેન્ડનું બેઝબોલ નહીં ભારતનું ‘જૈસ’બોલ ચાલ્યું
આ મેચમાં જયસ્વાલે સતત બીજી ટેસ્ટમાં બીજી બેવડી સદી ફટકારવાની સાથે અણનમ ૨૧૪ રન નોંધાવ્યા હતા. જયસ્વાલે તોફાની બેટિંગ કરતા ભારતની લીડને 500 રનને પાર પહોંચાડી હતી. ભારતની બીજી ઇનીંગમાં જયસ્વાલે ૧૨ છગ્ગા અને ૧૪ ચોગ્ગા સાથે ૨૩૬ બોલમાં અણનમ ૨૧૪ રન પર અણનમ રહ્યો હતો. જયસ્વાલ 92 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં એક જ ઇનિંગમાં 12 છગ્ગા ફટકારનાર પહેલો ખેલાડી બન્યો હતો.