- વૃંદાવનની પરિક્રમા કરતાં પહેલાં શ્રીગિરિરાજધારીનાં દર્શન કરીને તેમની આજ્ઞા લેવી પડે છે. શ્રીનાથદ્વારામાં જે સ્વરૂપ આજે બિરાજમાન છે
- તે સ્વરૂપ પહેલાં ગોવર્ધનની ટોચ ઉપર બિરાજતું હતું
કારતક સુદ પડવો એટલે બેસતું વર્ષ વિક્રમ સંવતનું નવું વર્ષ આ દિવસથી શરૂ થાય છે. તેથી સૌ નવું જીવન જીવવાની પ્રેરણા સાથે જૂનાં વેરઝેર ભૂલે છે, પ્રેમને આત્મીયતાથી મળે છે. વર્ષને વધાવવા એકબીજાના મંગળની ભાવના નવા ઉત્સાહથી વ્યક્ત કરે છે, એ જ જીવતરમાં પરિવર્તન કર્યું કહેવાય, વિક્રમ સંવત બદલાશે, પરંતુ આપણી આસપાસની દુનિયા તો એ જ રહેશે, પરિસ્થિતિઓ પણ અગાઉના જેવી હશે. જીવનની ચિંતાઓ પણ અગાઉની જેમ જ રહેશે. રોજબરોજ ફાટતાં તારીખિયાનાં પાનાં તો સમયના પવનની પાંખે ઊડી જાય છે, પરંતુ નૂતન વર્ષે ઘટમાળ તો જૂની જ રહી જાય છે. જ્યાં સુધી આપણે બદલાતા નથી ત્યાં સુધી કશું જ બદલાવાનું નથી એ નક્કી છે. આપણે સૌ આપણાં સુકૃતોમાં જીવીએ છીએ, વરસોમાં નહીં. કેટલું જીવ્યા તેના કરતાં કેવું જીવ્યા તે આજના માનવી માટે મહત્ત્વનું છે.
નૂતન વર્ષના આરંભે દરેકના હૃદયમાં અનેક આકાંક્ષા, અભીપ્સા, સંભવિત કે અસંભવિત કામનાઓ સાથે શરૂ થાય છે ત્યારે આપણે સૌ કોઈ ને કોઈ પ્રતિજ્ઞા લેતાં હોઈએ છીએ. આ પ્રકારની પ્રતિજ્ઞાઓ પાછળ હેતુ હોય છે સ્વની ઉન્નતિનો. સાવ નાના જણાતા સંકલ્પોને જીવનમાં આપણે અપનાવીશું તો તે બમણાં સપરિણામોની સાથે તમારાં ચરણમાં આળોટશે. સંકલ્પ એ મોટું બળ છે, આ સંકલ્પોની ઘટમાળથી ચોક્કસ જીવન જીવવાની રીતમાં નવું પરિવર્તન આવશે અને જીવન જીવવાની ખૂબ જ મજા આવશે. નૂતન વર્ષનો પ્રકાશ આપણા આંગણાને અને અંતરને અજવાળે, દુશ્મનાવટ, વેરઝેરને ભૂલી જઈને સ્નેહ, સદ્ભાવના અને વસુધૈવ કુટુમ્બકમની ભાવના આપણે સૌનાં હૃદયમાં દેદીપ્યમાન બને ત્યારે જ સાચો દીપમાળાનો મહોત્સવ ગણાશે. સ્નેહનો સરવાળો ને વેરઝેરની બાદબાકી કરવા સ્નેહી, સંબંધી, મિત્રોને મળવાનો અનેરો અવસર એટલે નૂતન વર્ષ. વેલકમ, શુભ-લાભ, સ્વસ્તિકના પડદા નજરે પડે અને ન બોલાવે તેને ત્યાં પણ જવાનું મન થઈ ઊઠે. ગોખે ગોખે દીવા પ્રગટે રોશની, ઝાકઝમાળ, ઝબુક ઝબુક થતી વીજળી, જેવી મંદિરોમાં પણ અવનવા શૃંગાર અને રાજભોગથી સજ્જ ભગવાન શ્રીકૃષ્ણ. ભગવાન શ્રીરામનું પણ મન રીઝવાય. મારા ભગવાન વધુ ને વધુ દેદીપ્યમાન દેખાય એવી ભાવના સાથે ભાવભર્યું પૂજન થાય. ભગવાનને શણગારાય અને ભગવાન પણ ભક્તોને નરમાંથી નારાયણ થવાની પ્રેરણા આપે એ જ નૂતન વર્ષ.
ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવ
વૈષ્ણવ પરંપરામાં ગોવર્ધન પર્વત ઠાકોરજીનું સ્વરૂપ માનવામાં આવે છે. ગોવર્ધનની ભૂમિ ગોલોકમાંથી ધરતી ઉપર ભક્તોના કલ્યાણ માટે શ્રી ઠાકોરજી દ્વારા લાવવામાં આવી હતી. કહેવાય છે કે શ્રી ઠાકોરજી લીલા કરવા માટે આ ભૂમિને – આ પર્વતને ગરુડજીની પીઠ ઉપર મૂકીને લાવ્યા હતા. ગોવર્ધન માટે કહેવાય છે કે `તસ્ય દર્શન માત્રેણ મુક્તિ ભાગી ભવેત નરઃ’ આ દિવ્ય પર્વતનાં દર્શન કરવાથી મનુષ્ય મુક્તિનો, ગોલોકનો, વૈકુંઠનો ભાગીદાર બની જાય છે. ગોવર્ધન શબ્દના અનેક અર્થો છે. એક અર્થ `ગાં વધેયતિ ઇતિ ગોવર્ધન’ જેનાથી ગાયોનું પોષણ થાય છે તેનું નામ ગોવર્ધન છે. બીજો અર્થ `ગો’ એટલે ઇન્દ્રિયો જેની કૃપાથી આપણું શરીર ચેતના પ્રાપ્ત કરે છે તેનું નામ ગોવર્ધન. ગીતાજીના મત પ્રમાણે ઠાકોરજી હૃદયમાં વાસ કરે છે અને નાનુંઅમથું હૃદય આખા શરીરનો ભાર ઉપાડે છે. ત્રીજો અર્થ છે `ગો’ એટલે ભક્તિ, જેનાં દર્શનમાત્રથી હૃદયમાં ઠાકોરજીની ભક્તિ જાગ્રત થાય છે.
ગોવર્ધન પૂજાનો પ્રારંભ ઠાકોરજીના કહેવાથી ક2વામાં આવ્યો હતો. ઠાકોરજી ગોકુળલીલા સમાપ્ત કરીને વૃંદાવનલીલા ક2વા માટે વૃંદાવનની પવિત્ર રમણીય ભૂમિ ઉપર પધાર્યા. ઠાકોરજીએ પોતાના પિતાને તથા અન્ય ગોવાળોને સમજાવ્યા કે આપણી ગાયોનું પાલન ઇન્દ્ર કરવા આવતા નથી. આપણી ગાયોનું પાલન આ ગોવર્ધન કરે છે. હે પિતાજી! કર્મના સિદ્ધાંત પ્રમાણે `કર્મણા જાયતેજન્તુ’ દરેક જીવ કર્મના આધારે જન્મ ધારણ કરે છે અને કર્મ સમાપ્ત થતાં ધરતીમાં વિલીન થઈ જાય છે માટે આપ ઈન્દ્રનો ભય રાખશો નહીં. આપણા દેવ આ પ્રત્યક્ષ બિરાજતા ગોવર્ધન છે, માટે આજથી આપણે તેની પૂજા કરીશું. સૌ ગોવાળોને કનૈયાની વાતો સાચી લાગી. સૌપ્રથમ ઠાકોરજીએ ગોવર્ધનની પૂજા કરી. ઈન્દ્રના યજ્ઞ માટે જે સામગ્રી બનાવી હતી તે ગોવર્ધન પ્રભુને ધરવામાં આવી. ઈન્દ્રને આ વાતની જાણ થતાં સંવર્તક નામના મેઘને આજ્ઞા કરી કે અત્યારે જ વ્રજમાં જાઓ અને મૂશળધાર વરસાદ વરસાવો જેથી આ જંગલી ગોવાળોની બુદ્ધિ ઠેકાણે આવે. જોતજોતામાં મૂશળધાર વરસાદ વરસવાનો ચાલુ થયો. કનૈયાની આજ્ઞા પ્રમાણે સૌ ગોવાળો પોતાની ગાયો સાથે ગોવર્ધનની તળેટીમાં ભેગા થયા. જોતજોતામાં જેમ કોઇ બાળક રમત રમતમાં છત્રી ઉપાડી લે તેવી રીતે ઠાકોરજીએ ટચલી આંગળીના નખ ઉપર ગોવર્ધનને ધારણ કર્યો. સૌ ગોવાળો અને ગાયો ગોવર્ધન પર્વતની છત્રછાયામાં સુરક્ષિત બન્યાં. સૌએ જયજયકાર કર્યો. પ્રભુ શ્રીકૃષ્ણ શ્રીગિરિરાજધારી બન્યા. આજે પણ શ્રીનાથજીનાં દર્શન કરતાં આ પ્રસંગ આ લીલાનું સ્મરણ થયા વગર રહેતું નથી. સૌ વૈષ્ણવોએ શ્રીગિરિરાજધરણ પ્રભુજીને પોતાના ઇષ્ટદેવ માન્યા.
વૃંદાવનની પરિક્રમા કરતાં પહેલાં શ્રીગિરિરાજધારીનાં દર્શન કરીને તેમની આજ્ઞા લેવી પડે છે. શ્રીનાથદ્વારામાં જે સ્વરૂપ આજે બિરાજમાન છે તે સ્વરૂપ પહેલાં ગોવર્ધનની ટોચ ઉપર બિરાજતું હતું, પરંતુ ઔરંગઝેબની ધર્મભ્રષ્ટ નીતિથી આ મનોહર સ્વરૂપને બચાવવા માટે શ્રીમહાપ્રભુજી (વલ્લભાચાર્યજી) વૃંદાવનથી મેવાડ લઇને આવ્યા. વૈષ્ણવોએ શ્રીમહાપ્રભુજીને ફરિયાદ કરી. હવે અમે કોના શરણે જઈશું? શ્રીમહાપ્રભુજીએ શ્રીનાથજી પાસે વચન માગ્યું. દિવસે ભલે આપ મેવાડમાં બિરાજો, પરંતુ સાંજની આરતીમાં આપે વૃંદાવનમાં રહેવું પડશે. આજે પણ ઠાકોરજી દિવસભર નાથદ્વારામાં બિરાજે છે, પરંતુ સંધ્યાઆરતીના સમયે શયન કરવા માટે શ્રી ગિરિરાજની ટોચ પર બિરાજે છે.
દર વર્ષે બેસતા વર્ષના દિવસે ઠાકોરજી આગળ અન્નકૂટ ધરવામાં આવે છે. અન્ન એટલે વિવિધ વાનગીઓ અને કૂટ એટલે વાનગીઓનો ઢગલો. જેમાં છપ્પન પ્રકારની વિવિધ વાનગીઓ બનાવીને ઠાકોરજીને ધરવામાં આવે છે. ભગવાન સમક્ષ અન્નકૂટનો ભોગ આવે ત્યારે થાળ, કીર્તન, અને પદો ગવાય છે. ભગવાન શ્રીકૃષ્ણે વ્રજવાસીઓ પાસે ગોવર્ધન પર્વતને અન્નકૂટનો ભોગ ધરતાં પહેલાં ગિરિરાજનું પૂજન કરાવ્યું હતું તે ભાવનાથી આજે પણ ભોગ ધરતાં પહેલાં પૂજન થાય છે. અન્નકૂટના પ્રથમ ગોળાકારમાં માવાની મીઠાઇઓ બાસુંદી, ઘૂઘરા, માલપૂઆ, સૂકા-લીલા મેવા ગોઠવાય છે. મધ્યમાં રાંધેલા ચોખાનો કૂટ કહેતાં ગોવર્ધન પર્વત આકારનો લગભગ 159 મણ ભાતનો કોટ કરાય છે. પછીના ગોળાકારમાં `અનસખડી’ ભોગ જેવા કે દાળ, શાક, કઠોળ વગેરે ગોઠવાય છે.
ત્યારબાદ ચાંદીની થાળીમાં ભગવાનની નવરત્ન દીવડાંની આરતી થાય છે. સાંજ સુધી ભાવિક ભક્તસમુદાયનાં દર્શનાર્થે અન્નકૂટ રાખવામાં આવે છે. અન્નકૂટ ઊતર્યા પછી જ મંદિરોમાં રહેતા સાધુ-સંતો અને મહંતો પ્રસાદી ગ્રહણ કરે છે અને આ અન્નકૂટનો પ્રસાદ ભાવિક ભક્તસમુદાયને વહેંચવામાં આવે છે. આમ, વૈષ્ણવ સંપ્રદાયનાં મંદિરોમાં, સ્વામિનારાયણ મંદિરોમાં અને રાધાવલ્લભ સંપ્રદાયનાં મંદિરોમાં યથાશક્તિ મુજબ અન્નકૂટ રચાય છે અને આ મહોત્સવને મહાઉત્સવ તરીકે આનંદપૂર્વક મનાવવામાં આવે છે.