– રૂપિયા સામે ડોલરમાં સૂસ્તાઇ જ્યારે પાઉન્ડ વધી રૂા. ૧૦૧ પાર કરી ગયો
Updated: Oct 7th, 2023
મુંબઈ : ૨૯ સપ્ટેમ્બરના સપ્તાહના અંતે દેશનું ફોરેકસ રિઝર્વ ૫૮૬.૯૦ અબજ ડોલર રહ્યું હતું. ૨૨ સપ્ટેમ્બરના સમાપ્ત થયેલા સપ્તાહમાં ફોરેકસ રિઝર્વ ૨.૩૦ અબજ ડોલર ઘટી ૫૯૦.૭૦ અબજ ડોલર રહ્યું હતું. ડોલર સામે રૂપિયાને ઘટતો અટકાવવા રિઝર્વ બેન્કની દરમિયાનગીરીથી ફોરેકસ રિઝર્વમાં ઘટાડો થઈ રહ્યો છે.
ફોરેકસ રિઝર્વમાં ઘટાડા છતાં બહારી નાણાંકીય જવાબદારીઓ પરિપૂર્ણ કરી શકવાનો વિશ્વાસ હોવાનું રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે નાણાં નીતિની સમીક્ષા બેઠક બાદ પત્રકારો સમક્ષ બોલતા જણાવ્યું હતું. ઓકટોબર, ૨૦૨૧માં ફોરેકસ રિઝર્વનું સ્તર ૬૪૫ અબજ ડોલર સાથે ઓલટાઈમ હાઈ સપાટીએ જોવા મળ્યું હતું. ત્યારબાદમાં તેમાં ભારે વધઘટ જોવા મળી રહી છે. ડોલર સામે રૂપિયાને સલામતિ પૂરી પાડવા રિઝર્વ બેન્ક દ્વારા મની માર્કેટમાં કરવી પડતી દરમિયાનગીરીને કારણે ફોરેકસ રિઝર્વમાં વધઘટ જોવા મળે છે.
મુંબઇ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ બે તરફી વધઘટના અંતે એકંદરે સૂસ્ત રહ્યા હતા. ડોલરના ભાવ રૂા. ૮૩.૨૬ વાળા આજે સવારે રૂા. ૮૩.૨૧ ખુલી નીચામાં ભાવ રૂા. ૮૩.૧૮ થયા પછી ઉંચામાં રૂા. ૮૩.૨૬ થઇ છેલ્લે બંધ ભાવ રૂા. ૮૩.૨૫ રહ્યા હતા.
શેર બજારમાં ફરી તેજી આવતા તથા વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ તૂટી જતાં કરન્સી બજારમાં રૂપિયો વધુ નબળો પડતો અટક્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં અમેરિકામાં બહાર પડનારા નોન- ફાર્મ પેરોલ્સના ડેટા પર બજારના નજર રહી હતી.
અમેરિકામાં બેરોજગારીના દાવા જોબલેસ ક્લેઇમ્સ ૨૦૦૦ વધી ૨ લાખ ૭ હજાર આવ્યાના સમાચાર હતા. જો કે આની અપે૭ા ૨ લાખ ૧૦ હજારની રહી હતી એ જોતાં આવા દાવાઓ અપેક્ષાથી ઓછા આવ્યાનું વિશ્વ બજારના જાણકારોએ જણાવ્યું હતું. બોન્ડ માર્કેટમાં યીલ્ડની ચાલ પર પણ બજારની નજર રહી હતી. દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઇન્ડેક્સ આજે ઉંચામાં ૧૦૬.૫૬ થયા પછી નીચામાં ૧૦૬.૩૪ થઇ ૧૦૬.૩૬ રહ્યાના નિર્દેશો હતા.
આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૬૨ પૈસા ઉછળી રૂા. ૧૦૧ની સપાટી કુદાવી રૂા. ૧૦૧.૬૨ બંધ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ આજે રૂપિયા સામે ૩૫ પૈસા વધ્યા હતા. યુરોના ભાવ ઉંચામાં રૂા. ૮૭.૮૮ થઇ છેલ્લે રૂા. ૮૭.૮૪ રહ્યા હતા. જાપાનની કરન્સીના ભાવ રૂપિયા સામે જો કે ૦.૪૬ ટકા તૂટયા હતા જ્યારે ચીનની કરન્સીના ભાવ રૂપિયા સામે ૦.૨૬ ટકા માઇનસમાં રહ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.