- હમાસ વડા ઈસ્માઈલ હાનિયાના મોત પછી ઈઝરાયલ-ઈરાન વચ્ચે સ્થિતિ તંગ
- અમેરિકા ઈઝરાયલની મદદ માટે ગમે તે કરવા તૈયાર
- ઈઝરાયલ, હમાસ, ઈરાન, લેબેનોન સામે એકલું ઝઝૂમી રહ્યું છે
ઈરાન દેશની રાજધાની તહેરાનમાં હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા પછી મિડલ ઈસ્ટમાં તણાવ સતત વધી ગયો છે. આ દરમ્યાન અમેરિકા અને ઈઝરાયલના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઈરાન ઈઝરાયલ પર ભીષણ હુમલો કરી શકે છે. ઈાનના હુમલાથી બચવા ઈઝરાયલની મદદે અમેરિકા સેન્ટ્રલ કમાન્ડ ફોર્સ તેલ અવીવ પહોંચ્યું છે. જ્યારે ખતરાને જોતા અમેરિકાએ મિડલ ઈસ્ટમાં હથિયારોની તૈનાતી વધારી નાંખી છે. અમેરિકન સૈનિકો અને ઈઝરાયલના નવા ફાઈટર જેટ્સ, એર ક્રાફ્ટ કેરિયર્સ, ડિસ્ટ્રોયર્સ મોકલી રહ્યું છે.
ઈઝરાયેલ ઈરાન પર હુમલો કરી શકે છે
દરમિયાન, મળતી માહિતી મુજબ, ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂની આગેવાની હેઠળની સરકાર ઈઝરાયેલની ધરતી પર હુમલાને રોકવા માટે ઈરાન પર હુમલાને મંજૂરી આપી શકે છે. અહેવાલ મુજબ, ઇઝરાયેલની મુખ્ય ગુપ્તચર એજન્સીઓ મોસાદ અને શિન બેટ અને તેમના સંબંધિત વડાઓ ડેવિડ બાર્નિયા અને રોનેન બાર નેતન્યાહૂ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકનો ભાગ હતા. સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટ અને IDF ચીફ ઓફ સ્ટાફ હરઝી હલેવી પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
‘અમે યોગ્ય સમયે અને સ્થળ પર બદલો લઈશું’
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ કહ્યું છે કે હમાસ ચીફ હાનિયાનું શોર્ટ રેન્જ મિસાઈલ ફાયરિંગ કરીને મોત થયું છે. આ મિસાઈલમાં સાત કિલો વિસ્ફોટક હતું. ઈરાને હાનિયાના મોતને આતંકવાદી ઘટના ગણાવી છે. IRGCના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મિસાઈલ હુમલો ઈઝરાયેલ દ્વારા કરવામાં આવ્યો હતો. ઈરાને પુનરોચ્ચાર કર્યો છે કે શહીદ હાનિયાની હત્યાનો બદલો લેવામાં આવશે. IRGCએ કહ્યું કે અમે ચોક્કસ સમય અને સ્થળ પર બદલો લઈશું.


