- જીવનમાં સંપત્તિ, સ્વાસ્થ્ય, સત્તા, પિતા, પુત્ર, ભાઈ કે જીવનસાથી કરતાં પણ વધારે જરૂરિયાત સદ્ગુરુની છે. તે શિષ્યને નવી દિશા આપે છે અને જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે
મારયતે વિજ્ઞાપયતિ શાસ્ત્ર રહસ્યમય ક્ષતિગુરુ:
અર્થાત્ જે વેદાદિ શાસ્ત્રોનાં રહસ્યોને સ્પષ્ટ કરે છે તે જ ગુરુ છે. ગિરતિ અજ્ઞાનાનારામ્ શાંતિ ગુરુ: અર્થાત્ જે પોતાના અણમોલ ઉપદેશો દ્વારા શિષ્યના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે તે જ ગુરુ છે. શાસ્ત્રોમાં જણાવેલા ગુરુના અર્થ પણ જાણવા જેવા છે. શાસ્ત્રોમાં `ગુ’નો અર્થ જણાવ્યો છે. અંધકાર અથવા મૂળ અજ્ઞાન અને `રુ’નો અર્થ જણાવ્યો છે તેનો નિરોધક તેને દૂર કરનાર ગુરને એટલા માટે ગુરુ કહેવામાં આવે છે કે અજ્ઞાન તિમિરનું તેઓ જ્ઞાનાંજન શલાકાથી એટલે કે પોતાના જ્ઞાનથી નિવારણ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો તેઓ અંધકારને દૂર કરીને પ્રકાશ તરફ થઈ જાય છે. આથી આ કાર્ય કરનાર વ્યક્તિને ગુરુ કહેવામાં આવે છે. ગુરુ અને દેવતાઓમાં સમાનતા દર્શાવતા એક શ્લોકમાં એવું કહેવામાં આવ્યું છે કે જેવી ભક્તિની આવશ્યક્તા દેવતાઓ માટે છે તેવી જ ગુરુ માટે પણ છે.
ગુરુની કૃપાથી જ ઈશ્વરનો સાક્ષાત્કાર પણ શક્ય છે. ગુરુકૃપાના અભાવમાં તે સંભવ નથી. ગુરુ તો ગોવિંદથી પણ મોટા ગણાય છે. આ વાતની સૌથી મોટી સાબિતી એ છે કે પૃથ્વી પણ જ્યારે પણ ભગવાને અવતાર લીધો છે ત્યારે તેમને ગુરુનો જ આશ્રય લેવો પડ્યો છે. શ્રીરામ, કૃષ્ણ, કબીર, વિવેકાનંદ, દયાનંદ વગેરે પણ ગુરુની દીક્ષા દ્વારા જ મહાપુરુષનો દરજ્જો મેળવ્યો. ગુરુ કોઈ વ્યક્તિ નથી, પરંતુ તેની અંદર સમાયેલો તેનો શુદ્ધ આત્મા છે.
અષાઢ માસની પૂર્ણિમાને ગુરુપૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે ગુરુની પૂજા કરવાનું વિધાન છે. ગુરુપૂર્ણિમા વર્ષાઋતુની શરૂઆતમાં આવે છે.
આ દિવસથી લઈને ચાર મહિના સુધી સાધુ-સંત એક જ સ્થાને ટકીને પોતાની પાસે રહેલી જ્ઞાનગંગાને વહાવે છે. આ ચાર મહિના ઋતુની દૃષ્ટિએ પણ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે આ દરમિયાન વધારે ગરમી નથી હોતી અને ઠંડી પણ નથી હોતી. આથી અધ્યયન માટે આ સૌથી શ્રેષ્ઠ સમયગાળો માનવામાં આવે છે. જેવી રીતે સૂર્યના તાપથી તપ્ત ભૂમિને વર્ષાના જળથી શીતળતા તથા પાક પેદા કરવાની શક્તિ મળે છે તેવી જ રીતે ગુરુચરણોમાં ઉપસ્થિત સાધકોને જ્ઞાન, શાંતિ, ભક્તિ પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે.
ગુરુનું મહત્ત્વ
સદ્ગુરુ અંતકરણના અંધકારને દૂર કરે છે. તેઓ આત્મજ્ઞાનની યુક્તિઓ જણાવે છે. ગુરુ ભક્ત-શિષ્યના અંતઃકરણમાં નિવાસ કરે છે. તેઓ ઝગમગતી જ્યોત સમાન છે, જે શિષ્યની હૃદયજ્યોતિને પ્રગટાવે છે. ગુરુ મેઘની જેમ જ્ઞાનવર્ષા કરીને પોતાના શિષ્યને જ્ઞાનવૃષ્ટિમાં નવડાવે છે. ગુરુ એક એવા વૈદ્ય છે જે ભવરોગને દૂર કરે છે. ગુરુ એવા માળી છે જે જીવનરૂપી વાટિકાની સંભાળ રાખે છે તથા સુશોભિત કરે છે.
ગુરુ અભેદનું સ્હસ્ય જણાવીને ભેદમાં અભેદનું દર્શન કરવાની કળા શીખવે છે. આ દુ:ખરૂપી સંસારમાં ગુરુકૃપા જ એક એવો અમૂલ્ય ખજાનો છે જે મનુષ્યને આવાગમનના કાળચક્રમાંથી મુક્તિ અપાવે છે.
જીવનમાં સંપત્તિ, સ્વાસ્થ્ય, સત્તા, પિતા, પુત્ર, ભાઈ અથવા જીવનસાથી કરતાં પણ વધારે જરૂરિયાત સદ્ગુરુની છે. સદ્ગુરુ શિષ્યને નવી દિશા આપે છે અને જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે.
શિષ્યોનું અનુપમ પર્વ
સાધક માટે ગુરુપૂર્ણિમા વ્રત અને તપશ્ચર્યાનો દિવસ છે. આ દિવસે ઉપવાસ કરવો જોઈએ અથવા દૂધ, ફળ કે અલ્પાહાર લેવો જોઈએ.
ગુરુના દ્વારે જઈને ગુરુદર્શન, ગુરુસેવા અને ગુરુસત્સંગનું શ્રવણ કરો. આ દિવસે ગુરુની પૂજા કરવાથી આખા વર્ષની પૂર્ણિમાના દિવસે કરેલાં સત્કર્મોનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે.
શિવ, ગુરુ, ઈષ્ટ, આત્મા અને મંત્ર આ ચારેયમાં ઐક્યનાં દર્શન કરવાં જોઈએ. શ્રદ્ધા રાખીને આગળ વધવું જોઈએ. જે શિષ્ય સદ્ગુરુનું પાવન સાંનિધ્ય મેળવીને આદર તથા શ્રદ્ધાથી સત્સંગ સાંભળે છે, તે શિષ્યનો પ્રભાવ અલૌકિક હોય છે. શિષ્યની શ્રદ્ધા અને ગુરુની કૃપાના મિલનથી જ મોક્ષનાં દ્વાર ખૂલે છે. જો તમે સદ્ગુરુને રીઝવવા માગતા હોવ તો આજના દિવસે તેમને કંઈક દક્ષિણા જરૂર આપવી જોઈએ.
અષાઢ માસમાં જ ગુરુપૂર્ણિમા શા માટે?
અષાઢ મહિનામાં વર્ષાઋતુ આવે છે, ત્યારે મોટા ભાગે આકાશમાં વાદળ છવાયેલાં રહે છે. તેને કારણે ઘણી વાર ચંદ્ર દેખાતો નથી. શક્ય છે કે પૂનમના દિવસે પણ ચંદ્ર ન દેખાય. બીજી પણ ઘણી પૂર્ણિમાઓ છે, જેમ કે, શરદપૂર્ણિમા, તેને શા માટે પસંદ કરવામાં ન આવી અને અષાઢ મહિનાની પૂર્ણિમાને જ ગુરુપૂર્ણિમા તરીકે પસંદ કરવામાં આવી?
અષાઢ મહિનાની પૂર્ણિમા પસંદ કરવા પાછળ કેટલીક મહત્ત્વની બાબતો સંકળાયેલી છે. ગુરુ એ પૂર્ણિમા જેવા અને શિષ્ય અષાઢનાં વાદળ જેવા હોવાનું કલ્પવામાં આવ્યું છે. શરદપૂર્ણિમાએ તો ચંદ્ર સુંદર દેખાય છે, કારણ કે આકાશ ખાલી હોય છે. ત્યાં શિષ્ય છે જ નહીં માત્ર ગુરુ જ છે. અષાઢમાં વાદળરૂપી શિષ્યો જન્મ-જન્માંતરોનો અંધકાર કે અજ્ઞાન લઈને આકાશમાં ઘેરાયેલાં છે. જેમના પર ગુરુ ચંદ્ર પ્રકાશ પાત કરે છે. અંધારાથી ઘેરાયેલા વાતાવરણમાં પોતાનો પ્રકાશ આપી શકે, તે જ સાચા ગુરુ છે. આકાશમાં તમને ચંદ્ર ભલે ન દેખાય, પરંતુ ધરતી પર ચંદ્ર સ્વરૂપે ગુરુ પોતાના જ્ઞાનનો પ્રકાશ પાથરે છે. તેઓ ક્યારેય અંધારું થવા દેતા નથી.
આપણે ગુુરુ માટે સૂર્યને પસંદ કરી શકતા હતા, પરંતુ આપણે ચંદ્ર પસંદ કર્યો, કારણ કે સૂર્ય પાસે પોતાનો પ્રકાશ છે, જ્યારે ચંદ્ર પાસે પોતાનો કોઈ પ્રકાશ નથી. તે જ રીતે ગુરુ પાસે પણ પોતાનો પ્રકાશ નથી, તેમનામાં રહેલો જ્ઞાનરૂપી પ્રકાશ પરમાત્માનો છે. જેમ આપણે સૂર્ય સામે સીધું ખુલ્લી આંખે જોઈ શકતા નથી, તેમ પરમાત્મા તરફ પણ સીધું જોઈ શકતા નથી. પરમાત્મા તરફ જોવામાં ગુરુ શિષ્યને મદદ કરે છે. આથી જ કબીરે કહ્યું છે કે, ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય. એટલે કે કોનાં ચરણમાં વંદન કરું એવો સમય આવ્યો છે કે ગુરુ અને ગોવિંદ બંને સામે ઊભા છે. પછી કબીરે ગોવિંદનાં ચરણમાં જ સ્પર્શ કર્યો, કારણ કે બલિહારી ગુરુ આપકી, જો ગોવિંદ દિયો બતાય.
ગુરુપૂર્ણિમાની ઉજવણી
ભારતભરમાં ગુરુપૂર્ણિમાનું પર્વ ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. પ્રાચીનકાળમાં વિદ્યાર્થી ગુરુના આશ્રમમાં નિ:શુલ્ક શિક્ષા ગ્રહણ કરતો હતો. આથી આ દિવસે શ્રદ્ધા અને કૃતજ્ઞતાના ભાવથી પ્રેરિત થઈને તે પોતાના ગુરુનું પૂજન કરીને પોતાની શક્તિ સામર્થ્ય અનુસાર દક્ષિણા આપીને કૃતકૃત્ય થતો હતો. આજે પણ તેનું મહત્ત્વ ઓછું થયું નથી. પારંપરિક રીતે શિક્ષા આપનાર વિદ્યાલયોમાં સંગીત અને કલાના વિદ્યાર્થીઓમાં આજે પણ આ દિવસ ગુરુને સન્માનિત કરવાનો હોય છે. મંદિરોમાં પૂજા થતી હતી, પવિત્ર નદીઓમાં સ્નાન થતાં હતાં. ઠેરઠેર ભંડારા થતા હતા અને મેળાઓ ભરાતા હતા. આ દિવસે અલગ અલગ જગ્યાએ જુદા જુદા પ્રકારે ઉજવણી થતી હોય છે. લાખો શ્રદ્ધાળુઓ આ દિવસે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરે છે. બંગાળી સાધુઓ પોતાનું માથું મુંડાવીને પરિક્રમા કરે છે. આજના દિવસે સનાતન ગોસ્વામીનો તિરોભાવ થયો હતો. વ્રજમાં આ પર્વને `મુંડિયા પૂનો’ કહેવામાં આવે છે. હરિદ્વારમાં ગુરુપૂર્ણિમાના દિવસે લાખો શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં સ્નાન કરીને પાવન થાય છે. પૂજન-અર્ચન કરે છે અને ગરીબોને દાન-પુણ્ય કરે છે. શિર્ડીમાં પણ આ પર્વ ધામધૂમથી ઊજવવામાં આવે છે. આ દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાન-પૂજા આદિ કર્મોથી નિવૃત્ત થઈને ઉત્તમ અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ગુરુ પાસે જવું જોઈએ. તેમને ઊંચા સુસજ્જિત આસન પર બેસાડીને ફૂલોની માળા પહેરાવવી જોઈએ. ત્યારબાદ વસ્ત્ર, ફૂલ, ફળ તથા માળા અર્પણ કરી તથા થોડુંક ધન તેમને ભેટમાં આપવું જોઈએ. આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક પૂજન કરવાથી ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આશીર્વાદથી આપેલી વિદ્યા સિદ્ધ અને સફળ થાય છે. આ પર્વને શ્રદ્ધાપૂર્વક મનાવવું જોઈએ. ગુરુપૂજનનો મંત્ર છે : ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ: ગુરુદેવો મહેશ્વર:। ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમ:॥
વ્યાસપૂર્ણિમા
આત્મસ્વરૂપનું જ્ઞાન મેળવવાના પોતાના કર્તવ્યની યાદ અપાવનાર મનને દૈવી ગુણોથી વિભૂષિત કરનારા સદ્ગુરુના પ્રેમ અને જ્ઞાનની ગંગામાં વારંવાર ડૂબકી લગાવવા માટે પ્રોત્સાહન આપતું પર્વ છે ગુરુપૂર્ણિમા જેને વ્યાસપૂર્ણિમા પણ કહેવામાં આવે છે. શા માટે ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા કહેવામાં આવે છે? કારણ કે આ દિવસે વેદ વ્યાસજીનો જન્મદિવસ છે. તેમણે ચારેય વેદોનું સંકલન કર્યું. અઢાર પુરાણો અને ઉપપુરાણોની રચના કરી. ઋષિઓના અનુભવોને સમાજયોગ્ય બને તે માટે વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું. પંચમ વેદ `મહાભારત’ની રચના પણ આ જ પૂર્ણિમાના દિવસે પૂર્ણ કરી અને વિશ્વના સુપ્રસિદ્ધ આર્ષ ગ્રંથ બ્રહ્મસૂત્રનું લેખન પણ આ જ દિવસે શરૂ કર્યું ત્યારે દેવતાઓએ વેદ વ્યાસજીનું પૂજન કર્યું ત્યારથી વ્યાસપૂર્ણિમા મનાવવામાં આવે છે. આ દિવસે જે શિષ્ય બ્રહ્મવેત્તા સદ્ગુરુનાં શ્રીચરણોમાં પહોંચીને સંયમ-શ્રદ્ધા-ભક્તિથી પૂજન કરે છે, તેને આખા વર્ષનાં બધાં જ વ્રત-પર્વોનું ફળ મળી જાય છે.