- ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખવામાં ભારતનું સૌથી મોટું યોગદાન રહ્યું છે : એમસીસી
- વિશ્વ ક્રિકેટ સમિતિએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં રોમાંચક ટેસ્ટ ક્રિકેટ રમાઈ રહી છે
- 2028થી શરૂ થતી નવા ડબ્લ્યૂટીસી પ્રોગ્રામમાં ઓછામાં ઓછી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમાવી જોઈએ
મેરિલબોન ક્રિકેટ ક્લબની (એમસીસી) વિશ્વ ક્રિકેટ સમિતિને કેટલીક ભલામણો કરી છે જેમાં ઓછામાં ઓછી ત્રણ ટેસ્ટ મેચની રમાડવા ઉપરાંત દ્વિપક્ષીય શ્રેણીમાં પ્રવાસી ટીમનો ખર્ચ હોમ ટીમે ઉઠાવવો જોઈએ તે બાબતોનો પણ સમાવેશ થાય છે. એમસીસીની વિશ્વ ક્રિકેટ સમિતિની ગયા સપ્તાહે કેપટાઉનમાં બેઠક યોજાઈ હતી. ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બે ટેસ્ટ મેચની શ્રેણીની નિર્ણાયક મુકાબલો નહીં હોવા અંગે સમિતિએ અફસોસ વ્યક્ત કર્યો હતો. ગયા ડિસેમ્બરમાં ભારત અને સાઉથ આફરીકા વચ્ચેની બે ટેસ્ટની શ્રેણી પણ ડ્રો રહી હતી.
વિશ્વ ક્રિકેટ સમિતિએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં રોમાંચક ટેસ્ટ ક્રિકેટ રમાઈ રહી છે અને રમતની પરંપરાગત ફોર્મેટને જાળવી રાખવાના મહત્ત્વના સમર્થનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમાડવામાં આવે છે. 2028થી શરૂ થતી નવા ડબ્લ્યૂટીસી પ્રોગ્રામમાં ઓછામાં ઓછી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમાવી જોઈએ. સમિતિએ કબૂલાત કરી હતી કે ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખવામાં ભારતનું મોટું યોગદાન છે કારણ કે ક્રિકેટ પ્રત્યેના ઝનૂનના કારણે આ દેશમાંથી નાણાં આવે છે પરંતુ ભારત ઉપર મદાર રાખવાના બદલે હવે વૈશ્વિક વિકાસ માટે નવા માર્કેટની તપાસ કરવાનો સમય પણ પાકી ગયો છે કારણ કે આ સ્થિતિમાં વર્તમાન ડબ્લ્યૂટીસી પ્રોગ્રામમાં મીડિયા અધિકારોની કોઈ ગેરંટી નથી.
ડબલ્યૂટીસીમાં પ્રવાસ કરનાર ટીમને નુકસાન થાય છે કારણ કે તેણે તમામ ખર્ચ ભોગવવાનો હોય છે. બીજી તરફ શ્રેણીની તમામ પ્રકારની આવક યજમાન બોર્ડને મળતી હોય છે. સમિતિએ આ મોડેલ ઉપર પુનઃવિચાર કરવાની જરૂર છે. ભવિષ્યમાં તમામ દ્વિપક્ષીય શ્રેણીમાં પ્રવાસ કરનાર ટીમનો તમામ ખર્ચ યજમાન બોર્ડે ભોગવવો જોઈએ તે સુનિશ્ચિત થવું જોઈએ.


