- 10 વર્ષમાં ડાંગરની MSP 64 ટકા, ઘઉંની 58 ટકા વધી
- ખાદ્ય સંગ્રહક્ષમતામાં પણ રેકોર્ડ વૃદ્ધિ
- વૃદ્ધિ થવાની સાથોસાથ મોટી સંખ્યામાં ખેડૂતો સરકારી ખરીદદારીમાં સામેલ થયા છે
આંદોલનરત ખેડૂતો અને સરકાર વચ્ચે મડાગાંઠ ન ઉકેલાવા પાછળ સૌથી મોટું કોકડું ખેડૂતોના પાકોની લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) પર ખરીદીની કાનૂની ગેરંટી છે. જોકે હકીકત એ છે કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળમાં એમએસપીમાં રેકોર્ડ વૃદ્ધિ થવાની સાથોસાથ મોટી સંખ્યામાં ખેડૂતો સરકારી ખરીદદારીમાં સામેલ થયા છે. 10 વર્ષમાં ખાદ્ય સંગ્રહક્ષમતામાં પણ રેકોર્ડ વૃદ્ધિ થઇ છે. 10 વર્ષમાં ડાંગરની એમએસપી લગભગ 64 ટકા અને ઘઉંની એમએસપી 58 ટકા વધી છે. અગાઉની યુપીએ સરકારના 10 વર્ષની સરખામણીમાં મોદી સરકારે ડાંગર પર ખેડૂતોને રૂ. 7.78 લાખ કરોડ વધુ અને ઘઉં પર રૂ. 3.18 લાખ કરોડ વધુ ચૂકવ્યા છે. યુપીએ સરકારમાં 4,40,496.78 કરોડ રૂપિયાની સરખામણીએ મોદી સરકારમાં ડાંગરની એમએસપી પાછળ રૂ. 12,18,156 કરોડથી વધુ ખર્ચ કરાયો છે. યુપીએ સરકારના કાર્યકાળમાં ઘઉંની એમએસપી પાછળ લગભગ રૂ. 2,26,813 કરોડનો ખર્ચ કરાયો હતો જ્યારે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન રૂ. 5,44,332 કરોડનો ખર્ચ કરાયો છે. મોદી સરકારના કાર્યકાળ દરમિયાન ખાદ્ય સંગ્રહક્ષમતામાં પણ 100 ટકાથી વધુ વૃદ્ધિ થઇ છે. સરકારે ગયા વર્ષે સહકારી ક્ષેત્રમાં 700 લાખ ટન અનાજ સંગ્રહ કરવાની ક્ષમતા વિકસાવવાની યોજના શરૂ કરી હતી.


