- એન્જિનીયરિંગ અને લાઈટ વિભાગના 30 જેટલા અધિકારીઓને પ્રમોશન અપાશે
- 8 મહિનામાં નવા કર્મચારીઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે
- ફાયર બ્રિગેડ વિભાગમાં પણ હજી સ્ટાફ્ની અછત છે
AMCના હેલ્થ, ફૂડ, એન્જિનીયરિંગ, સોલીડ વેસ્ટ, ફાયર બ્રિગેડ, સહિત વિવિધ વિભાગોમાં ટૂંક સમયમાં 1,282 કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. એન્જિનિયરિંગ અને લાઈટ વિભાગના 30 જેટલા અધિકારીઓને પ્રમોશન આપવામાં આવશે. આ હેતુસર સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિ. દ્વારા 6થી 8 મહિનામાં મોટી સંખ્યામાં નવા કર્મચારીઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. છેલ્લાં ઘણાં સમયથી ફૂડ વિભાગમાં ભરતી થઈ નથી અને વોર્ડ દીઠ ફૂડ વિભાગનો સ્ટાફ્ ખૂટે છે. જેને પૂર્ણ કરવા માટે થઈને અધિકારીઓને ભરતી માટે સૂચના આપવામાં આવી છે. AMCના ફાયર વિભાગમાં પણ ભરતી પ્રક્રિયા માટેની માંગ થઈ રહી હતી. AMCમાં છેલ્લા ઘણાં વર્ષોથી ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ ન હોવાને કારણે ઘણાં વિભાગોમાં કર્મચારીઓની ઘટ જોવા મળે છે અને તેના કારણે મ્યુનિ.ની કામગીરીને માઠી અસર થાય છે. AMCમાં ગાયનેકોલોજિસ્ટની 13, પીડિયાટ્રીશિયનની 12, મેડિકલ ઓફીસરની 87, લેબ ટેકનિશિયનની 78, ફાર્માસિસ્ટ 83, ફીમેલ હેલ્થ વર્કર 435, મલ્ટી પરપઝ હેલ્થ વર્કર 344, સહાયક જુનિ. ક્લાર્ક 101, ડે. સિટી ઈજનેર 9, આસિ.સિટી ઈજનેર 15, SI 63, આસિ. મેનેજર 27, આસિ. મેનેજર 42ની ભરતી કરવામાં આવશે. ઉપરાંત અન્ય વિભાગોમાં પણ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, AMCમાં છેલ્લા બે વર્ષથી શરૂ કરવામાં આવી છે અને ભરતી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે. AMCના અધિકારીઓ અને કર્મચારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની કરોડરજ્જુ સમાન છે. AMCમાં નવા કર્મચારીઓની ભરતી પ્રક્રિયા કરવાનો નિર્ણય લેવાયો છે કુલ 1,282 જેટલી વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેમાં હેલ્થ વિભાગ ઇજનેર વિભાગ, એસ્ટેટ વિભાગની ભરતી કરાશે. ફાયર બ્રિગેડ વિભાગમાં પણ હજી સ્ટાફ્ની અછત છે. જેથી ફાયર વિભાગમાં પણ ભરતી પ્રક્રિયા કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇજનેર વિભાગમાં પણ એડિશનલ સિટી ડેપ્યુટી સિટી ઇજનેર અને આસિસ્ટન્ટ સિટી ઇજનેર જેવા અધિકારીઓની બઢતી કરી ખૂટતી જગ્યાઓની ભરતી કરવામાં આવશે.


