વિશ્વ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં નવ દિવસમાં 15 લાખથી વધુ ભાવિકોએ મહોત્સવ માણ્યો
વ્રજધામ આધ્યાત્મિક સંકુલના 25 વર્ષ અને શ્રી વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશન ઇન્ટરનેશનલના 15 વર્ષના મંગલ સમાપ્તીના મહોત્સવને અનુલક્ષીને વૈષ્ણવનગરી વડોદરા ના આંગણે વિશ્વ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ અને શ્રીમદ ભાગવત કથામાં ભારત તીર્થ દર્શન, ચારધામ યાત્રા દર્શન, સાથે સાથે 400થી વધુ સ્ટોલના એક્ઝિબિશન સાથે સનાતન હિન્દુ ધર્મની આધ્યાત્મિક યાત્રાના મહા મહોત્સવમાં નવ દિવસમાં અંદાજે 15 લાખથી વધુ લોકોએ આ મહા મહોત્સવનો લાભ લીધો હતો અને પુષ્ટિમાર્ગીના 550 વર્ષના ઇતિહાસમાં આ મહોત્સવનો રેકોર્ડ થવા બદલ સાક્ષી બન્યા હતા.
પ્રેરણા મહોત્સવમાં જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી રચિત પુષ્ટિમાર્ગના કૃપાપાત્ર 84 વૈષ્ણવોની વાર્તાજીના દરેક 84 વૈષ્ણવોના જીવન ચરિત્ર તેમની સેવા પ્રણાલી તથા શ્રી ઠાકોરજી પ્રત્યે તેમના પ્રેમભાવના વાર્તાજીનું સૌપ્રથમ અંગ્રેજી ભાષામાં સુંદર ચિત્રજી સાથે પ્રકાશિત“84 VAISHNAV’S VARTAJI” બુકનું VYO ઇન્ટરનેશનલના સ્થાપક પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ 84 વૈષ્ણવ ની વાર્તાજીનું અંગ્રેજીમાં ભાષાંતર ડોક્ટર વિજયભાઈ ઝવેરી અને ડોક્ટર બકુલભાઈ દલાલે કરીને આ સેવા માટે પૂજ્યશ્રીના ખૂબ ખૂબ આશીર્વાદ મેળવ્યા હતા સાથે સાથે આ બુકના કોઓર્ડીનેશન માટે ડો. હીનાબેન પરીખ ને પણ પૂજ્યશ્રી એ આશીર્વાદ આપી આ સમગ્ર ટીમને પુષ્ટિમાર્ગીયના આ ભગીરથ કાર્ય માટે ખૂબ ખૂબ સાધુવાદ પાઠવ્યા હતા.
આ પ્રેરણા મહોત્સવના અંતિમ દિવસે મહા મહોત્સવના સમાપન સમયે પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ની મંગલ ઉપસ્થિતિમાં વિશ્વ પ્રસિદ્ધ ગાયક ભૂમિબેન ત્રિવેદી અને અંકિતભાઈ ત્રિવેદી ની ભજન સંધ્યા એવમ્ રાસ ગરબા માં કથા મંડપ પણ નાનો પડે એટલી વિશાળ સંખ્યામાં હજારો વૈષ્ણવોએ હાજર રહીને શ્રીકૃષ્ણની લીલા ના સંગીત અને મધુર ગાયન સાથે મોડી રાત સુધી દરેક સૂર સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને આખા નવલખી ગ્રાઉન્ડમાં જાણે વૃંદાવનમાં શ્રીકૃષ્ણ લીલાનો રાસ રમાતો હોય તેવા વ્રજના દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ ભજન સંધ્યા એવમ રાસ ગરબા માં વૈષ્ણવાચાર્ય શ્રી ધ્રુમિલકુમારજી મહોદયશ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિડીયો કોન્ફરન્સ થી જોડાઈને પ્રેરણા મહોત્સવના સુંદર આયોજનને બિરદાવીને યુવાનોમાં સનાતન ધર્મના માહોલનું સર્જન કરવા માટે પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીનો આભાર માન્યો હતો.


