- થાઈલેન્ડમાં ભારતીય રાજદૂત નાગેશ સિંહએ ભારત-થાઈલેન્ડ સંબંધો પર પાડ્યો પ્રકાશ
- બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ અને ભાષાના સંબંધને જોતાં થાઈલેન્ડ એક નજીકનો દેશ: નાગેશ સિંહ
- ભારતથી 22 સભ્યોનું પ્રતિનિધિમંડળ ભગવાન બુદ્ધના અવશેષો સાથે થાઈલેન્ડ પ્રવાસે જશે
ભગવાન બુદ્ધ અને તેમના નજીકના શિષ્યોના અવશેષોને થાઈલેન્ડની પવિત્ર યાત્રા પર લઈ જવામાં આવશે. થાઈલેન્ડમાં ભારતીય રાજદૂત નાગેશ સિંહએ આ બાબતને બંને દેશો વચ્ચેના જોડાણ તરીકે રેખાંકિત કર્યો. તેમણે જણાવ્યું કે આ ભારત-થાઈલેન્ડ સંબંધો માટે એક ઐતિહાસિક ઘટના છે. બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ અને ભાષાના સંબંધને જોતાં થાઈલેન્ડ એક નજીકનો દેશ છે. ઉલ્લેખનીય છે કે થાઈલેન્ડની 90 ટકા વસ્તી બૌદ્ધ ધર્મની છે.
થાઈલેન્ડમાં ભગવાન બુદ્ધના અવશેષોને આપાશે શ્રદ્ધાંજલિ
થાઈલેન્ડમાં ભારતીય રાજદૂત નાગેશ સિંહએ જણાવ્યું કે આ અવશેષો ભગવાન બુદ્ધના જીવિત અવતાર છે. આ એક મોટી ઘટના છે. અવશેષ 22 ફેબ્રુઆરીના રોજ થાઈલેન્ડ લાવવામાં આવશે. 23 ફેબ્રુઆરીના રોજ થાઈલેન્ડના પ્રધાનમંત્રી દ્વારા શાહી મહેલના મેદાણોમાં સ્થાપિત કરવામાં આવશે જે ત્રણ માર્ચ સુધી બેંગકોક ખાતે રહેશે. ત્યારબાદ, અવશેષ યાત્રા ચિયાંગ માઈ ઉત્તરી શહેરનું ભ્રમણ કરશે. અમને આશા છે કે લાઓસ, કંબોડિયા, મ્યાનમારથી મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા થાઈલેન્ડ આવશે.
ભારતથી 22 સભ્યોનું પ્રતિનિધિ મંડળ જશે થાઈલેન્ડ
સંસ્કૃતિ મંત્રાલયના સચિવ ગોવિંદ મોહને મંગળવારે જણાવ્યું હતું કે બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર અને કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારના નેતૃત્વમાં 22 સભ્યોનું પ્રતિનિધિમંડળ 26 દિવસીય પ્રદર્શન માટે ભારતથી પવિત્ર અવશેષોની સાથે થાઈલેન્ડ જશે. પ્રતિનિધિમંડળમાં કુશીનગર, ઔરંગાબાદ, લદ્દાખના બૌદ્ધ ભિક્ષુઓ, સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીઓ, મધ્યપ્રદેશ સરકાર, રાષ્ટ્રીય સંગ્રહાલયના ક્યુરેટર્સ, કલાકારો અને વિદ્વાનોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમનું આયોજન વિદેશ મંત્રાલય, થાઈલેન્ડમાં ભારતીય દૂતાવાસ, આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘ, રાષ્ટ્રીય સંગ્રહાલય, મધ્યપ્રદેશ રાજ્ય સરકારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
હિન્દી શીખવું થાઈલેન્ડના લોકોની પસંદ: નાગેશ સિંહ
ભારત-થાઈલેન્ડ સંબંધો પર ભારતીય રાજદૂતે કહ્યું કે બંને દેશો વચ્ચે વેપાર અને આર્થિક સંબંધો વધી રહ્યા છે. એટલે સુધી કે રક્ષા અને સુરક્ષા સહયોગ પણ સારો છે. થાઈલેન્ડમાં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ રહે છે. અહીંયા લોકોને હિન્દી શીખવું પસંદ છે. ભારતથી થાઈલેન્ડ સુધી ભગવાન બુદ્ધ અને તેમના નજીકના શિષ્યોના પવિત્ર અવશેષોની યત્ર 22 ફેબ્રુઆરી 2024થી શરૂ થવાની છે. અવશેષોને રાજ્ય અતિથિના દરજ્જે ભારતીય વાયુસેનાના વિમાનમાં લાવવામાં આવી રહ્યા છે અને તે પણ તે જ દિવસે થાઈલેન્ડ પહોંચશે.


