- પ્યૂ રિસર્ચ સેન્ટરના રિપોર્ટમાં દાવો કે અમેરિકામાં જાહેર જીવનમાં ધર્મનો પ્રભાવ ઘટી ગયો છે
- આ સર્વેમાં 13 ટકા લોકોએ એવું કહ્યું હતું કે જો બાઇડેન પર ધર્મનો પ્રભાવ ઊંડો છે
- વધુને વધુ લોકો કોઈપણ ધર્મમાં નહીં માનનારા
અમેરિકામાં જાહેર જીવનમાં ધર્મની અસર સતત ઘટી રહી છે. લગભગ 80 ટકા અમેરિકન્સ એવું માને છે અને તેમનું કહેવું છે કે જાહેર જીવનમાં ધર્મનો પ્રભાવ ઘટી ગયો છે. પ્યૂ રિસર્ચ સેન્ટરના એક રિપોર્ટમાં આવો દાવો કરવામાં આવ્યો છે. આવું પહેલીવાર બન્યું છે કે આટલી મોટી સંખ્યામાં અમેરિકન્સ કહી રહ્યા છે કે તેમના જીવનમાં ધર્મની અસર ઘટી રહી છે. જો કે ધર્મની અસર ઘટી હોવાનું કહેતાં લોકો જ એવું પણ માને છે કે આ બાબત સારી નથી. જ્યારે માંડ આઠ ટકા અમેરિકન પુખ્ત લોકો માને છે કે ધર્મની અસર વધી રહી છે અને આ બાબત સારી છે. આ સર્વેમાં અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેન અને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને પણ સવાલ પૂછવામાં આવ્યા હતાં કે શું આ લોકો ધર્મના પ્રભાવ હેઠળ છે? આ સવાલના જવાબમાં 13 ટકા લોકોએ એવું કહ્યું હતું કે જો બાઇડેન પર ધર્મનો પ્રભાવ ઊંડો છે. જ્યારે માંડ ચાર ટકા લોકોએ જ જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ પર ક્રિશ્ચન ધર્મનો પ્રભાવ છે.
અમેરિકામાં હવે કોઈને ધર્મનું પ્રદર્શન કરવું ગમતું નથી : સર્વે
સમગ્રતયા જોઈએ તો આ સર્વેમાં એ બાબત સ્પષ્ટ થઈ હતી કે અમેરિકામાં હવે જાહેર જીવનમાં ધર્મની અસર ઝડપથી ખતમ થઈ રહી છે. વધુ એક રસપ્રદ તારણ એ છે કે ક્રિશ્ચન ધર્મ ઉપરાંતના અન્ય ધર્મોમાં પણ આ અસર દેખાવા લાગી છે કે તેને માનવાવાળા લોકો જાહેર રીતે ધર્મનું પ્રદર્શન કરવા માંગતાં નથી.
2017ના સર્વેમાં 23 ટકા મુસલમાનોએ ધર્મ છોડયાનો દાવો
અમેરિકામાં વર્ષ 2017માં પણ એક સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે લગભગ 23 ટકા અમેરિકન મુસલમાન એવા છે કે જેઓ પોતાના ધર્મ સાથેનો સંબંધ તોડી રહ્યા છે. તેને એક્સ મુસ્લિમ મૂવમેન્ટ પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત 22 ટકા ક્રિશ્ચન એવા છે જે પોતાના પંથ સાથે સંબંધ રાખવા માંગતા નથી. જો કે આ સર્વેમાં એ અગત્યની બાબત છે કે જો 23 ટકા મુસ્લિમ લોકો ધર્મ છોડી રહ્યા હતાં તો સામે અન્ય 23 ટકા એવા હતાં કે જેઓ અન્ય ધર્મ છોડીને મુસલમાન ધર્મ અપનાવી રહ્યા હતાં.
સૌથી મોટું નુકસાન ક્રિશ્ચન ધર્મને : સર્વે
આ સર્વે અનુસાર સૌથી મોટું નુકસાન ક્રિશ્ચન ધર્મને થયું છે. તેના 22 ટકા અનુયાયીઓ ધર્મ છોડી રહ્યા હતાં અને તેની સામે માંડ છ ટકા લોકો એવા હતાં કે જે અન્ય ધર્મ છોડીને આ ધર્મમાં આવી રહ્યા હતાં. નોંધનીય છે કે 2014માં પણ અમેરિકામાં આવો સર્વે થયો હતો તેમાં 24 ટકા મુસલમાનોએ જણાવ્યું હતું કે તેઓ પોતાના ધર્મથી અલગ થઈ ગયાં છે. જો કે આ લોકો કોઈ અન્ય ધર્મમાં નહીં જોડાતા પોતાને નાસ્તિક તરીકે ઓળખાવવાનું પસંદ કરતાં હતાં.


