રિવાબાના નિવેદનથી ભડકો : ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજકારણ ન લાવવું જોઇએ
નયનાબા કહે છે મે પણ કળશ યાત્રામાં ભાગ લીધો હતો પરંતુ હું દેખાડો નથી કરતી
આગામી ૨૨મી તારીખે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સમગ્ર દેશમાં ઉલ્લાસભેર ઉજવણી થઇ રહી છે ત્યારે જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ કરેલા એક નિવેદનથી જાડેજા પરિવારમાં ફરી એક વખત ભડકો થયો છે. રિવાબાએ જાહેરમાં એવુ નિવેદન કર્યુ હતું કે ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોઇએ રાજકારણ ન લાવવું જોઇએ. આ નિવેદનની પ્રતિક્રિયામાં રિવાબા જાડેજાના નણંદ નયનાબા જાડેજાએ વળતી પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે હિન્દુ ધર્મ પર કોઇનો ઇજારો નથી. અમારી આસ્થા અમારે દેખાડવાની જરૂર નથી કે કોઇની સલાહની જરૂર નથી. ધર્મ સ્થાને ચપ્પલ પહેરીને જતાં લોકો અમને ના શીખડાવે.
નયનાબાએ કહ્યું હતું કે મારી ધર્મની આસ્થાનો દેખાડો કરતી નથી. તાજેતરમાં કળશ યાત્રામાં મેં પણ ભાગ લીધો હતો અને કળશને માથે ચડાવ્યો હતો. કેટલીક વાતો કરતા મને દુ:ખ થાય છે પરંતુ મારે કહેવું પડે તેવી ફરજ પડે છે. મેં કોના માટે માનતા લીધી હતી તે કહેવાની જરૂર નથી. હિન્દુ ધર્મમાં અને માતાજીમાં મારી અગાધ શ્રધ્ધા છે પરંતુ કોઇ પક્ષ કે કોઇ નેતા પોતે જ સાચા છે તેવુ ઠેરવે તે વ્યાજબી નથી.
નયનાબા મહિલા કોંગ્રેસના અગ્રણી છે. તેઓ ઘણા સમયથી મહિલા કોંગ્રેસમાં સક્રિય છે. તાજેતરમાં કોંગ્રેસના અગ્રણીઓએ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ અપાયુ છે તેમાં ભાગ લેવા માટે ઇન્કાર કરતાં નવો વિવાદ સર્જાયો છે. છેલ્લા બે દિવસથી ગુજરાત કોંગ્રેસમાં પણ આ મામલે લાગી પડી છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર વગેરેએ પણ ટ્વીટ કરી હાઇકમાન્ડના વલણ પ્રત્યે નારાજગી દર્શાવી છે. દરમિયાનમાં આ વિવાદ આવી પડયો છે.


