પ્રશ્ન : મારું નામ દીપ્તિબેન (નવસારી) છે. જન્મતારીખ 5-12-1962 છે. આરોગ્ય નરમ રહે છે. ક્યારે સુધરશે?
ઉત્તર : તમારી વિગતો મુજબ માગશર સુદ આઠમના દિવસે જન્મ છે. જન્મ નક્ષત્ર ઉત્તરાભાદ્રપદ છે. ચંદ્રરાશિ મીન છે. નામ રાશિ મુજબ છે. કુંડળીમાં આરોગ્ય અંગે ગ્રહો મધ્યમ બળવાન જણાય છે. આહાર અને વિહાર ઉપર ધ્યાન આપીને નિર્દોષ દવાઓનો ઉપયોગ કરવાની સલાહ છે. નજીકના સમયમાં ફેબ્રુઆરી, 2025 પછીનો સમય પ્રગતિસૂચક ગણી શકાય. તે માટે યોગ્ય આયોજન મુજબ દિનચર્યા ગોઠવવાની સલાહ છે.
(1) દરરોજ સવારે સૂર્યનાં દર્શન કરવાં. (2) શક્ય હોય તો ચંદ્રનું રત્ન મોતી ધારણ કરવું. (3) શુદ્ધ સાત્ત્વિક વાંચન વધારવાની સલાહ છે.
પ્રશ્ન : મારું નામ ધરા (અમદાવાદ) છે. જન્મ તારીખ 28-10-1995 છે. વિવાહ યોગ ક્યારે છે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
ઉત્તર : તમારો જન્મ કારતક સુદ પાંચમનો છે. જન્મ નક્ષત્ર મૂળ છે. જન્મની ચંદ્રરાશિ ધનુ છે. મંગળ દોષ નથી. તે બાબતે માનસિક ચિંતા કરશો નહીં. આગામી એપ્રિલ, 2025 પછીનો સમય વધુ અનુકૂળ ગણાય.
(1) સૂર્ય સાધારણ નિર્બળ છે. તેનું બળ મેળવવા માટે દરરોજ સૂર્યનારાયણની ભક્તિ કરવી. (2) મૂળ નક્ષત્ર અંગેનો ભય મનમાંથી દૂર કરી દેશો. (3) ગુરુનું રત્ન પોખરાજ ધારણ કરી શકાય.
પ્રશ્ન : મારું નામ ધવલ ( રાજકોટ) છે. જન્મ તારીખ 13-1-1983 છે. અગાઉ છૂટાછેડા થયા છે. હાલમાં પુન:લગ્ન માટે પ્રયત્નો ચાલે છે. સફળતા ક્યારે મળશે?
ઉત્તર : તમે જણાવેલ વિગતો મુજબ માગશર વદ અમાસનો જન્મ છે. ચંદ્ર નક્ષત્ર પૂર્વાષાઢા છે. ચંદ્ર રાશિ ધનુ છે. નામ રાશિ મુજબ છે. કુંડળીમાં પ્રગતિસૂચક ગ્રહયોગો મધ્યમ બળવાન જણાય છે. તમારી શૈક્ષણિક લાયકાત મુજબ સમકક્ષ પાત્ર હોય અને અન્ય અનુકૂળતા હોય તો ઉદાર વલણ રાખીને એકાદ બે બાબતે જતું કરીને ગોઠવાઇ જવાની સલાહ છે. આગામી માર્ચ, 2025 આસપાસ સમય અનુકૂળ ગણાય. મંગળદોષ બિલકુલ નથી.
(1) દર રવિવારે તથા પૂનમે કુળદેવી માતાજીની ભક્તિ કરવી. (2) વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવાથી અનુકૂળતા રહે. (3) મોસાળ પક્ષની વ્યક્તિઓનો સહકાર લેવાની સલાહ છે.
પ્રશ્ન : મારું નામ કૌશલ (ગોધરા) છે. જન્મ તારીખ 5-9-1980 છે. પરદેશગમનનો યોગ છે?
ઉત્તર : શ્રાવણ વદ એકાદશીના દિવસે જન્મ છે. જન્મ નક્ષત્ર પુનર્વસુ છે. ચંદ્રરાશિ મિથુન છે. નામ રાશિ મુજબ છે. કુંડળીમાં અન્ય ગ્રહો મધ્યમ પ્રગતિસૂચક જણાય છે. વતનમાં પ્રગતિ થવાના યોગ છે. સારી આવક હોય અને કાયમી સર્વિસ હોય તો પરદેશ જવાનો નિર્ણય હાલમાં યોગ્ય નથી. નજીકના સમયમાં માર્ચથી નવેમ્બર, 2025 દરમિયાન સમય પ્રગતિસૂચક ગણી શકાય. તેમાં વિશેષ આયોજનપૂર્વક મહેનત કરી લેવી.
(1) સૂર્યનાં દર્શન દરરોજ કરવાં. (2) બુધનું રત્ન ધારણ કરી શકાય. (3) પત્નીના ગ્રહયોગો વધુ સાનુકૂળ જણાય. તેમના નામે યોગ્ય આયોજન ગોઠવી શકાય.