ક્વાટર્લી રિર્ટન, કમ્પ્લિશન સહિતની શરતોનો ભંગ કરતા રજીસ્ટ્રેશન ફ્રીઝ કરી દેવાયા
નોટિસ મળી હોય તેવા રાજકોટના બિલ્ડરો પણ થયા દોડતા! કન્સલ્ટન્ટ અને સીએને લગાડ્યા કામે
રેરાના નિયમોને ઘરની ધોરાજી સમજતા બિલ્ડરો સામે રેરાની વડી કચેરીએ લાલ આંખ કરી છે. ગઇકાલે રાજકોટ સહિત સમગ્ર રાજ્યના ૧૦૦૦થી વધુ બિલ્ડરોના રજીસ્ટ્રેશન ફ્રીઝ કરી દેવામા આવતા બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાઇ ગયો છે. જો કે રેલો આવતા ત્રણસો બિલ્ડરોએ નોટિસમાં જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટનની પુતર્તા કરી દેતા તેના રજીસ્ટ્રેશન માન્ય કરવામા આવ્યા હોવાનું રાજકોટ બિલ્ડર એસોસિએશનના મહામંત્રી સુજીત ઉદાણીએ અગ્ર ગુજરાત સાથે થયેલી વાતચીતમાં જણાવ્યુ હતુ.
રેરાના કાયદામાં બિલ્ડર પૂરે પૂરી રીતે ફિક્સમાં આવી જાય છે. તમામ પ્રકારની જવાબદારીમાં બંધાઇ જાય છે. આ કાયદાના નિયમો સામે બિલ્ડરો મને કમને સહમત તો થઇ ગયા છે પરંતુ અમલ કરવામા ડાંડાઇ કરી રહ્યા છે. બિલ્ડરે બાંધકામ સાઇટ ચાલુ કરે એ સાથે જ રેરા રજીસ્ટ્રેશન કરાવી લેવાનું ફરજિયાત છે. રેરાની માન્યતા વગર વેંચાણ કરવુ એ કાયદેસર ગુનો બને છે. બિલ્ડરો રેરામાં રજીસ્ટ્રેશન કરાવતી વખતે જે નિયમો સાથે બંધાયા હોય તેમા ભંગ કર્યો હોય તેવા ૧૦૦૦ રજીસ્ટ્રેશન રેરાની વડી કચેરીએ ગઇકાલે સાંજે ફ્રીજ કરી દેતા બિલ્ડર લોબીમાં દોડધામ મચી ગઇ હતી. નિયમ ભંગમાં મુખ્યત્વે ક્વાટર્લી રિર્ટન અને કમ્પ્લિશન રજૂ કર્યુ ન હતુ. રેરા ઓથોરિટીના કડક વલણ બાદ બિલ્ડરો દ્વારા ક્વાટર્લી રિર્ટન, કમ્પ્લિશન અને નોટિસમાં જણાવ્યા મુજબની શરતો પૂરી કરતા આજે 3૦૦ બિલ્ડરોના રેરા રજીસ્ટ્રેશન માન્ય રાખવામા આવ્યા હતા. છેલ્લે મળતા અહેવાલ મુજબ હજુ પણ ૭૦૦ રજીસ્ટ્રેશન ફ્રીઝ થયેલા છે.