જે તે સમયે તાલુકા પોલીસના પીઆઇએ ઇશ્યુ કરેલી ફાઇલ ખોવાઇ ગઇ હોવાની ગંભીર ચર્ચા : સૂત્ર
રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં સરકાર દ્વારા આ બનાવને ઠારવા માટે ત્રણ આઇપીએસ અને એક આઇએએસની તાકીદે બદલી કરી દેવામાં આવી છે. આ આગમાં 3૦થી વધુ લોકો ભુંજાય ગયા હતા જેમાંથી મોટા ભાગનાના ડીએનએ મેચ કરી મૃતદેહો સોંપી દેવામાં આવ્યા છે અને હાલ ઓળખ મળી રહી છે તેમ મૃતદેહો સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ બનાવ બાબતે સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી છે. પરંતુ તપાસ સમિતિ દ્વારા કેટલાક અધિકારીઓને બચાવવામાં આવી રહ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
સુત્રોમાંથી મળતી વિગત મુજબ સીટના તપાસનીશ અધિકારીઓ દ્વારા રાજકોટ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સિધ્ધાર્થ જાનીની પુછપરછ કરી છે અને તેમનું નિવેદન લેવામાં આવ્યું છે. પરંતુ આ નિવેદનમાં સિધ્ધાર્થ જાનીને છટકબારી મળી રહે તેવો રિપોર્ટ સીટ દ્વારા કરવામાં આવ્યો છે જેનાથી સિધ્ધાર્થ જાનીને ઊની આંચ પણ આવે તેમ નથી તેવુ પ્રાથમિક તબક્કે ચર્ચાઇ રહ્યું છે.
સરકાર દ્વારા આગકાંડમાં સાત જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં જેમાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર. પટેલ પણ સસ્પેન્ડમાં સામેલ છે. પરંતુ તેમનું તપાસ ટીમ દ્વારા વિશેષ નિવેદન લેવામાં આવ્યું નથી. હાલ માત્ર તેમની સામાન્ય પુછતાછ કરવામાં આવી છે જયારે આ પ્રકરણમાં જેનું સસ્પેન્શમાં નામ નથી તેવા સિધ્ધાર્થ જાનીનું નિવેદન લેવામાં આવ્યું છે. પરંતુ હાલ તેમની સામે કોઇપણ જાતના પગલાં લેવાયા નથી. ત્યારે સસ્પેન્ડ થયેલા પીઆઇ વી.આર.પટેલની માત્ર પ્રાથમિક પુછતાછ કરવામાં આવી છે અને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે કયા આધારે કરાયા છે? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. સીટ દ્વારા પ્રાથમિક રિપોર્ટ સુપ્રત કરાયો હતો અને તેના આધારે જ સાત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. પરંતુ ઉપરોકત બંને મુદાઓ એકાબીજાના વિરોધીભાસી હોવાનું પ્રાથમિક તારણમાં જોવા મળી રહ્યું છે.
સુત્રોમાંથી મળતી વધુ વિગતમાં એ પણ ચર્ચાઇ રહ્યું છે કે પીઆઇ જે.વી.ધોળા જે વખતે તાલુકા પોલીસ મથકમાં ડયુટી પર હતા તે વખતે પ્રથમ વખત લાયસન્સ ટીઆરપી ગેમને ઇશ્યુ કરવામાં આવ્યું હતું. જો કે સુત્રોએ જણાવ્યું છે કે પીઆઇ ધોળાએ જે લાયસન્સ ઇશ્યુ કર્યુ અને તેના જે કાગળો છે તે મળતાં નથી અથવા તો ગુમ થઇ ગયા છે. પરંતુ હજુ સુધી આ બાબતે કોઇ ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી. સુત્રોમાંથી એક વાત એ પણ જાણવા મળી રહી છે કે ફાઇલ ગુમ હોવાની જાણ સીટના વડાને કરવામાં આવી હતી. જેથી લાલઘૂમ થયેલા વડાએ કડક કાર્યવાહી કરતા ફાઇલ ચાર જ કલાકમાં મળી ગઇ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. પરંતુ હજુ સુધી આની સત્તાવાર જાહેરાત થઇ નથી તેવું ચર્ચાઇ રહ્યું છે.
અગ્નિકાંડમાં જવાબદારોને છોડવામાં આવશે નહી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પરંતુ સમગ્ર ચિત્ર જોતાં એવું લાગી રહ્યું છે કે સીટની તપાસ પણ શંકાના દાયરામાં હોય શકે છે. કારણ કે સીટના કેટલાક સભ્યો પર પણ કાયદાકીય તપાસ ચાલી રહી છે અને તપાસના કેટલાક અધિકારીઓ દ્વારા પ્રથમથી જ કેટલાકને બચાવવાની પ્રક્રિયા છાના ખૂણે ચાલી રહી હોવાનું સ્પષ્ટ થાય છે તે અતિગંભીર બાબત છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કાર્યપાલક ઇજનેર જ નહી પરંતુ તાલુકા પોલીસમાં ફરજ બજાવેલા ત્રણ પોલીસ ઇન્સપેકટર અને રાજકોટના બે જોઇન્ટ પોલીસ કમિશનરને પણ છાવરવાનો ખેલ શરૂ થયો હોય તેવું સૂત્રોએ જણાવ્યું છે.


