- અમે ભાજપ વિરોધી મતદાન કરીશુઃ પ્રજ્ઞાબા
- ધર્મરથની આજથી શરૂઆત થઈ છે
- ધર્મરથના માધ્યમથી ભાજપને જવાબ મળશે
ક્ષત્રિય સમાજમાં પરશોત્તમ રૂપાલા સામે રોષ યથાવત છે. જેમાં આંદોલનકારી પ્રજ્ઞાબાનું નિવેદન સામે આવ્યું છે. તેમાં પ્રજ્ઞાબાએ જણાવ્યું છે કે અમે ભાજપ વિરોધી મતદાન કરીશુ. પરશોત્તમ રૂપાલાને દૂર ન કરવાનું પરિણામ ભાજપ ભોગવશે. ધર્મરથની આજથી શરૂઆત થઈ છે. ઉપવાસ આંદોલન પણ યથાવત છે.
ધર્મરથના માધ્યમથી ભાજપને જવાબ મળશે: પ્રજ્ઞાબા
ધર્મરથના માધ્યમથી ભાજપને જવાબ મળશે. ક્ષત્રિય આગેવાનોને તોડવાનો પ્રયત્ન ભાજપનો નિષ્ફળ રહ્યો છે. ક્ષત્રિયનું અપમાન કરનાર ભાજપને માન મળશે નહિ. ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજે પણ સમર્થન આપ્યું છે. ધર્મરથથી અહિંસક લડત કરી રૂપાલા અને પક્ષ સામે મતદાન કરીશું. રાજકીય આગેવનો આંદોલનકારીને તોડી શકશે નહિ.
રાજ્યમાં કુલ સાત ધર્મરથ કાઢવાની ક્ષત્રિય સમાજે જાહેરાત કરી
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને હટાવવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ સામે શરૂ કરાયેલા રાજ્ય વ્યાપી આંદોલનના ભાગરૂપે આજે રાજકોટ ખાતે આશાપુરા માતાજીના મંદિર ખાતેથી ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કુલ સાત ધર્મરથ કાઢવાની ક્ષત્રિય સમાજે જાહેરાત કરી હતી. તેમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના રથનું બે દિવસ પહેલા જ પ્રસ્થાન કરાવાયું હતું. જ્યારે આજે રાજકોટ અને કચ્છમાં ધર્મરથના પ્રસ્થાન કરવામાં આવ્યા હતાં. આ ધર્મરથ વિવિધ વિસ્તારોમાં તા.1 મે સુધી ફરશે અને ભાજપ વિરૂધ્ધ પ્રચાર કરશે. ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવા માટે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ધર્મરથનું આયોજન કર્યું છે. રાજકોટના પેલેસ રોડ સ્થિત આશાપુરા મંદિર ખાતેથી ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ હાજર રહ્યાં હતા.
કચ્છનો ધર્મરથ ભુજ, માંડવી, મુંદ્રા સહિતના તમામ તાલુકાઓમાં સાત દિવસ સુધી ફરશે
આવતીકાલથી કચ્છનો ધર્મરથ ભુજ, માંડવી, મુંદ્રા સહિતના તમામ તાલુકાઓમાં સાત દિવસ સુધી ફરશે અને ભાજપને હરાવવા માટે પ્રચાર કરશે. આ ધર્મરથમાં સર્વે સમાજનાં લોકોને જોડાવવા શ્રી રાજપૂત કરણી સેના કચ્છ, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા અને રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. લોકશાહી બચાવો અને અસ્તીત્વ ટકાવોના નારા સાથે ધર્મરથ વિવિધ તાલુકાઓમાં ફરશે.


