પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રિપેરિંગ કરાવવાની માંગણી, લાઇટ-નળજોડાણ કાપવા જેવા અમાનવીય પગલાં લેવામા આવશે તો આત્મવિલોપનની ચીમકી
રાજકોટના લક્ષ્મીનગર આવાસ યોજનાના જર્જરીત કવાર્ટર તાત્કાલિક ધોરણે ખાલી કરી રિપેરિંગ કરાવવા મનપાએ પાણી તથા લાઇટ કનેકશન કપાત કરવામાં આવ્યા બાદ આવાસ ધારકો મ્યુ. કમિશનરના નિવાસે રજૂઆત કરવા ઉમટી પડી ધરણા યોજયા હતાં. ત્યારે બંદોબસ્તમાં રહેલ પોલીસ દ્વારા અનેક સ્થાનીકોની અટકાયત કરવામાં આવી હતી. દરમિયાન આજે સોમવારે ફરી રહેવાસીઓએ મનપા કચેરીમાં ધામા નાંખ્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આ વસાહતનો સમાવેશ કરી રિપેરિંગ કરાવવાની આપવાની માગણી કરી હતી. અને આ સાથે આત્મવિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારાઇ હતી.
શહેરના લક્ષ્મીનગર-રાજનગર વિસ્તારના રાજનગર આવાસ યોજનાના જર્જરિત કવાર્ટરોમાં ગઇકાલે મનપા અને પીજીવીસીએલ દ્વારા નળ-લાઇટના કનેકશન કપાત કરાયા બાદ રહેવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. ગઇકાલે સ્થાનીકો મનપા કચેરીએ દોડી ગયા હતા અને તંત્રવાહકોને રજૂઆત કરી હતી. રહેવાસીઓ દ્વારા શનિવારે મ્યુ. કમિશનરના બંગલા ખાતે હલ્લા બોલ કરી ધરણા કરવામાં આવ્યા હતાં. આ તકે આવાસ યોજનાના અબાલ-વૃધ્ધ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને આવેદન આપ્યું હતું. જો કે મ્યુ. કમિશનર તેમના નિવાસ સ્થાને હાજર ન હોય મળી શકેલ ન હતાં. સ્થળ પર હાજર પોલીસ દ્વારા રાજનગર આવાસ યોજનાના રહીશોની અટકાયત કરવામાં આવી હતી.
રાજનગર આવાસ યોજનાના રહેણાંક ધારકોએ આવેદનમાં જણાવેલ કે અમો છેલ્લા ૨૫ વર્ષથી રહીએ છીએ. અને અમુક આવાસ ધારકોના દસ્તાવેજ ૨૦૧૫માં કરી આપેલ છે. જે દસ્તાવેજની અંદર કવાર્ટરના ફોટા પાડી આપેલ છે. તેમાં આ આવાસ અંદર જર્જરીત બીલ્ડીંગ તેમાં અંદરની છતમાં સળીયા દેખાય છે ત્યારે કેમ સર્વે કરી નોટીસ આપવાની ફરજ ન પડી અને રાજકોટમાં ટી.આર.પી. ગેમ ઝોનની ઘટના બાદ તંત્રને આ આવાસ યોજના જર્જરીત તેવું ધ્યાનમાં આવ્યાનો આક્ષેપ કર્યો હતો.
કવાર્ટર ધારકોએ અનેક વખત મૌખીક રજુઆત કરેલ હોવા છતાં કોઇ પ્રકારના રીપેરીંગ કે મરામત કરી આપવામાં આવેલ નથી. ક્વાર્ટરધારકોની માંગણી છે કે તાત્કાલીક અસરથી ‘પ્રધાનમંત્રી યોજના’માં સમાવેશ કરી તમામ કવાર્ટર ધારકોને આ પ્રધાનમંત્રી આવાસની સહાર ચુકવી આપી આ કવાર્ટરોને રીપેરીંગ કરાવવા મદદરૂપ થવા જણાવાયું છે.
ઉપરાંત હાલ ચોમાસા દરમ્યાન તમામ કવાર્ટર ધારકો સામે કોઇ અમાનવીય વ્યવહાર કરવામાં આવશે તો નાછુટકે પરીવારના રક્ષણ અને જમીન માટે શૈક્ષણીક જરૂરીયાત, ધંધો રોજગાર માટે કચેરીમાં ધરણા કરવાની તેમજ આમરણાંત ઉપવાસ અને આત્મ વીલોપન કરવાની જરૂરીયાત ઉભી થશે જેની તમામ જવાબદારી અધિકારીઓ અને પદાધિકારીઓની રહેશેની તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.