Updated: Nov 1st, 2023
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ તૂટયા પછી નવેસરથી ઉછળ્યા
ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી વધીઃ જોકે વિશ્વ બજાર ગબડતાં ઝવેરી બજારોમાં બુધવારે ભાવ ઉંચેથી ફરી તૂટયા
મુંબઈ: મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વધ્યા મથાળેથી ફરી તૂટયા હતા. વિશ્વ બજાર ગબડતાં ઘરઆંગણે ઉછાળે નવી માગ રુંધાતા માનસ વેંચવાનું રહ્યું હતું. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડની મજબુતાઈ વચ્ચે સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ વધ્યું હતું. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૧૯૯૭થી ૧૯૯૮ વાળા નીચામાં ૧૯૭૫થી ૧૯૭૬ થઈ ૧૯૮૬થી ૧૯૮૭ ડોલર રહ્યા હતા.
ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ તૂટી ૯૯.૫૦ના રૂ.૬૨૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૩૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૭૩૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોના પાછળ ચાંદીના ભાવ ઔંશદીઠ ૨૩.૧૫ વાળા નીચામાં ૨૨.૫૪ થઈ ૨૨.૭૩થી ૨૨.૭૪ ડોલર રહ્યા હતા.
દરમિયાન, દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઈંમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે વધારો કર્યાના સમાચાર હતા. આના પગલે સોના-ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં દિવાળી પૂર્વે વૃદ્ધી થઈ હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. સોનાની ટેરીફ વેલ્યુ ૧૦ ગ્રામદીઠ ડોલરના સંદર્ભમાં ૬૪૦ વાળી સરકારે ૬૪૩ ડોલર કરી છે જ્યારે ચાંદીની આવી ટેરીફ વેલ્યુ કિલોદીઠ ડોલરના સંદર્ભમાં ૭૧૬ થી વધારી ૭૪૯ ડોલર કરવામાં આનવી છે. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૩૫થી ૯૩૬ વાળા નીચામાં ૯૧૯ થઈ ૯૨૬થી ૯૨૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંશના ૧૧૩૮થી ૧૧૩૯ વાળા નીચામાં ૧૧૧૨ થઈ ૧૧૨૩થી ૧૧૨૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે સાંજે ૦.૨૫ ટકા માઈનસમાં રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ તૂટયા પછી ફરી ઉછળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૭.૯૭ વાળા નીચામાં ૮૫.૧૪ થઈ ફરી વધી ૮૬.૮૧ ડોલર રહ્યા હતા જયારે યુએસ ક્રૂડના ભાવ ૮૨.૭૯ વાળા નીચામાં ૮૧.૦૨ થઈ ૮૨.૮૨ ડોલર બોલાઈ રહ્યા હતા.અમેરિકામાં ખાનગી ક્ષેત્રનો જોબગ્રોથ ૧ લાખ ૫૦ હજાર આવવાની અપેક્ષા હતી તેના બદલે આવો જોબગ્રોથ ત્યાં ૧ લાખ ૧૩ હજાર આવ્યો હતો. અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટના જણાવ્યા મુજબ અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૧૩ લાક બેરલ્સ વધ્યો છે. મુંબઈ બુલીયના બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૧૧૨૪ વાળા રૂ.૬૦૬૫૨ થઈ રૂ.૬૦૭૬૮ રહ્યા હતા.