રીબડા SGVP ગુરૂકૂળમાં ત્રિદિવસીય સાયન્સ-સ્પોર્ટસ કાર્નિવલનું સમાપન
જ્ઞાન અને કૌશલ્યના સંગમમાં હજારો લોકો ઉમટી પડયા
અગ્ર ગુજરાત, રાજકોટ
આધુનિક વિજ્ઞાનની સાથે પ્રાચીન વૈદિક પરંપરાનો અદભૂત સમન્વય SGVP ગુરુકુલ રીબડા ખાતે શિક્ષણ, સંસ્કાર અને શક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા તથા બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજિત ત્રણ દિવસીય ‘સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ કાર્નિવલ’ અત્યંત હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. રીબડા ગુરુકુલના સંચાલક ધર્મવત્સલદાસજી સ્વામીના કુશળ આયોજન અને સંચાલન હેઠળ યોજાયેલા આ મહોત્સવે શિક્ષણ જગતમાં એક નવી કેડી કંડારી છે. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને પ્રોત્સાહન અપાયું હતું ,આ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે ધર્મવત્સલદાસજી સ્વામી અને વેદાંતસ્વરૂપદાસજી સ્વામીની નિશ્રામાં અનેક ગણ્યમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અરવિંદભાઈ રૈયાણી, દીક્ષિતભાઈ પટેલ, રાજાભાઈ જાડેજા, બાબુભાઈ નશિત, પરસોતમભાઈ બોડા બધા આમંત્રિત મહેમાન, વાલીઓ પધારી ખાસ હાજરી આપી બાળકોની કૃતિઓને નિહાળી હતી અને ગુરુકુલની શૈક્ષણિક પદ્ધતિને બિરદાવી હતી.
આ કાર્નિવલનું મુખ્ય આકર્ષણ ‘બાળ ઋષિઓ’ દ્વારા તૈયાર કરવામાં આવેલો વૈદિક વિજ્ઞાન વિભાગ હતો. આ વિભાગમાં વિદ્યાર્થીઓએ પ્રાચીન ભારતીય પરંપરા, યજ્ઞ વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર અને આયુર્વેદ જેવા વિષયો પર સુંદર પ્રસ્તુતિ કરી હતી. આ પ્રદર્શન પાછળનો મુખ્ય હેતુ નવી પેઢીને આપણી ભવ્ય ભારતીય સંસ્કૃતિ અને ઋષિમુનિઓના વૈજ્ઞાનિક વારસાનું સાચું જ્ઞાન મળે તેવો હતો. મુલાકાતીઓએ બાળકોના સાઈન્સ ના પ્રોજેક્ટ જોયા જેમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા ૧૦૦થી વધુ સાયન્સ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન, બાળ સ્પેસમેન દ્વારા અંતરિક્ષ વિજ્ઞાનનો રોમાંચક અનુભવ અને બાળ ઋષિઓ દ્વારા પ્રાચીન વૈદિક વિજ્ઞાનની સુંદર પ્રસ્તુતિ અને વૈદિક ગણિતના પ્રયોગો સાંભળી નિહાળીને ધન્યતા અનુભવી હતી.
વિદ્યાર્થીઓમાં નાનપણથી જ નેતૃત્વના ગુણો અને વ્યાપારી સૂઝ વિકસે તે માટે વિશેષ ‘ફૂડ ઝોન’ અને ‘બુક્સ ઝોન’નું આયોજન કરાયું હતું. અહીં બાળકો પોતે જ ‘બિઝનેસમેન’ બન્યા હતા અને સ્ટોલના મેનેજમેન્ટથી લઈ ગ્રાહકો સાથેના વ્યવહાર સુધીની તમામ જવાબદારી સંભાળી હતી. એક તરફ ૧૦૦થી વધુ અદ્યતન સાયન્સ પ્રોજેક્ટ્સ દ્વારા બાળ વૈજ્ઞાનિકોએ પોતાની બુદ્ધિપ્રતિભા સાબિત કરી હતી, તો બીજી તરફ મેદાનમાં KG ના નાના નાના ભૂલકાઓ દ્વારા કરવામાં આવેલી શિસ્તબદ્ધ પરેડ અને સાંસ્કૃતિક કરતબોએ સૌના દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત બાળ ડોક્ટરો દ્વારા હેલ્થ અવેરનેસ ઝોન અને સાહસિકો માટે રોમાંચક ગેમ ઝોને મનોરંજન પૂરું પાડ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સ્કૂલના પ્રિન્સિપાલ, કેમ્પસ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. ત્રણ દિવસ દરમિયાન હજારોની મેદનીએ આ કાર્નિવલનો લાભ લીધો હતો, જેને ગુરુકુલના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ તરીકે જોવામાં આવે છે.


