ફિલ્મોની સમાજ જીવન પર પડતી નકારાત્મક અસરો
મૂળીના સરામાં ‘રઇશ’ સ્ટાઇલ, સ્કૂલ બેગમાંથી મળી દેશી દારૂની પોટલીયો
સ્કૂલે જતાં વિદ્યાર્થીના દફતરમાંથી પુસ્તકના બદલે નીકળ્યો દારૂ : લોકોએ પોલીસ ચોકીમાં જમા કરાવ્યો : પોલીસ ચોકીમાં બૂટલેગર મહિલાની દાદાગીરી
અગ્ર ગુજરાત, સુરેન્દ્રનગર
ફિલ્મો સમાજ જીવનનો અરીસો છે અને આ ચલચીત્રો દ્વારા સમાજમાં તેની નકારાત્મક અસર પણ પડે છે. ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ દૈનિક કરોડોનો દારૂ વેંચાય છે. પીવાય છે અને પકડાઇ રહ્યો છે ત્યારે ‘રઇશ’ સ્ટાઇલથી દારૂની હેરાફેર ઝડપાતા અનેક સવાલો ઉભા થયા છે.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગામેગામ દેશી અને વિદેશી દારૂનો વેપલો થતો હોય એવાં દૃશ્યો ઘણીવાર સામે આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરા ગામથી તો ફિલ્મ ‘રઈશ’ જેવી ઘટના સામે આવી છે, જ્યાં સ્કૂલે જતા એક વિદ્યાર્થીને ગ્રામજનોએ અટકાવીને બેગ ચેક કરતાં એમાં પુસ્તકોના બદલે દેશી દારૂની પોટલીઓ મળી હતી. આ પોટલીઓ ગ્રામજનોએ પોલીસચોકીમાં જમા કરાવી તો બે હોમગાર્ડની હાજરીમાં મહિલા બૂટલેગર મુદ્દામાલ લઇ ગઇ હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો ઉપવાસ પર બેઠા છે. આ અંગે PIને પૂછતાં તેમણે 112માં ફોન કરવાની સલાહ આપી હતી.
આ ઘટના અંગે ગ્રામજનોના આક્ષેપ મુજબ મૂળી તાલુકાના સરા ગામે ખુલ્લેઆમ દારૂના વેચાણને લઇને આજે વહેલી સવારે કેટલાક યુવાનો એકઠા થયા હતા. તેમણે સ્કૂલે જતા એક વિદ્યાર્થીને અટકાવ્યો હતો અને તેની સ્કૂલ બેગની તપાસ કરતાં બેગમાં પુસ્કોના બદલે દારૂની પોટલીઓ હતી. જેથી રોષે ભરાયેલા લોકો દારૂની પોટલીઓ લઇને સરા પોલીસચોકીએ પહોંચ્યા હતા, જોકે પોલીસની હાજરીમાં મહિલા બૂટલેગર આ મુદ્દામાલ લઇ ગઇ હતી.
ભીમાભાઇ નામના ગ્રામજને જણાવ્યું હતું કે અમારી માગ છે કે આ બૂટલેગરોને ઝડપીને પોલીસ ઝડપી કાર્યવાહી કરે એવી અમારી માગ છે. જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે ભૂખહડતાળ કરીશું.
પોલીસ ચોકીમાંથી બૂટલેગર દારૂ લઇ ગયા
સરા ગામના યુવક રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે દારૂ લઇને જતું બાળક નાનું હતું, તેના ભવિષ્યની ચિંતાને લઇને એ દેખાય નહીં એમ અમે વીડિયો બનાવ્યો હતો અને બાદમાં અમે મુદ્દામાલ લઇ સરા આઉટ પોલીસચોકીએ આવ્યા હતા. અહીં વિજયભાઇ અને ભીમાભાઇ નામના બે હોમગાર્ડ જવાન હાજર હતા, જેમને અમે મુદ્દામાલ સોંપ્યો હતો. થોડીવારમાં રાધા દેવીપૂજક નામની મહિલા બૂટલેગર પોલીસચોકીએ આવી હતી અને મુદ્દામાલ લઇને જતી હતી. રાજુ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે રાધાબેન દેવીપૂજક અને ગૌરીબેન દેવીપૂજક નામની મહિલા બૂટલેગર સહિત સરા ગામમાં જેટલા લોકો દારૂનો વેપલો ચલાવે છે તેમના પર તાત્કાલિક કાર્યવાહી થાય એવી માગ સાથે અમે એક દિવસના ઉપવાસ પર બેઠા છીએ
જવાબદારો સામે કાર્યવાહી થશે : પીઆઇ
આ અંગે મૂળીના પોલીસ ઇન્સ્પેક્ટર કે. બી. વિહોલે જણાવ્યું હતું કે મૂળીના સરા ગામમાં એક બાળકની બેગમાં દેશી દારૂની થેલીનો વીડિયો વાઇરલ થયો છે, એની તપાસ હાલમાં ચાલુ છે. આ કેસમાં સંડોવાયેલી એકપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. મુદ્દામાલ કોઈ મહિલા બૂટલેગર લઈ ગઈ હોવાના આક્ષેપો અંગે તેમણે જણાવ્યું કે આવા કિસ્સામાં લોકોએ 112માં કોલ કરી પોલીસનો સંપર્ક કરવો જોઈતો હતો. પોલીસની દારૂ, જુગાર અને ખાણ ખનીજ માટે ઝીરો ટોલરન્સની નીતિ છે અને આ કેસમાં સંડોવાયેલી એકપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે.


