- બિરુદ છોટા કાશીનું અને શહેરમાં ઠેર ઠેર નર્કાગાર અને મુખ્ય માર્ગો પર ખાડાનું સામ્રાજ્ય
- નગરપાલિકાનું તંત્ર ખાડે જતા 60 હજાર શહેરીજનોની સમસ્યાઓ યથાવત્
- પાછળ બેઠેલા કિન્નરને ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે
છોટા કાશી તરીકે ઓળખાતી અને 60 હજારની વસ્તી ધરાવતા હળવદ શહેરમાં ઠેર ઠેર નર્કાગારની સ્થિતિ ખાડા રાજ તેમજ ખુંટીયાના ત્રાસથી શહેરવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે હળવદ શહેરના રેલ્વે સ્ટેશન પાસે એક રીક્ષા ખાડામાં ફ્સાઈ જતા ચાલકને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે પાછળ બેઠેલા કિન્નરને ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે.
હળવદ શહેરમાં હાલ ગેસની પાઈપલાઇન નાખવામાં આવી રહી છે. જેના કારણે શહેરના મોટાભાગના રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. ખોદાણ કામ કર્યા બાદ યોગ્ય બુરાણ કામ કરવામાં ન આવતું હોય જેના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતના બનાવો પણ સામે આવતા હોય. ત્યારે બુધવારે સવારે શહેરના રેલ્વે સ્ટેશન રોડ પાસે આવેલ જીઓ વાળી શેરીમાં રસ્તામાં ખોદાણ કામ કર્યા બાદ બાજુમાં જ ખાર કુવો તોડી નાખેલો હોય અને માથે માત્ર માટી જ નાંખી દીધી હોય જેથી ત્યાંથી પસાર થતાં રીક્ષા ચાલક રાહુલભાઈ ધીરૂભાઈ વાઘેલાની રીક્ષા ખાડામાં ખાબકી હતી અને ચાલકની આંખમાં ગંભીર ઇજાઓ પહોંચતા આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે રિક્ષામાં પાછળ બેઠેલા કિન્નરને પણ ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે. જેથી શહેરીજનો માંગ કરી રહ્યા છે કે જે કંપની દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે. તેની પાસે જ યોગ્ય બુરાણ કામ કરાવે અને લોકોને અકસ્માતથી પાલિકા તંત્ર બચાવે તે જરૂરી છે.
મુખ્ય બજાર સહિતના વિસ્તારમાં રખડતા ખૂંટિયાનો ત્રાસ યથાવત્ । હળવદ શહેરની મેઇન બજાર સહિત વિવિધ વિસ્તારોમાં અવાર-નવાર રખડતા પશુઓ જેમા ખાસ કરીને આખલાઓથી લોકો હવે ત્રાહીમામ પોકારી ઉઠયા છે. મંગળવારે શહેરના શરણેશ્વર રોડ ઉપર એક મજૂરી કામ કરતા યુવાન ઉપર ખુંટીયાએ હુમલાની કોશિશ કરી હતી. સદનસીબે આ યુવાન મોકાનો લાભ લઈ નાસી છૂટયો હતો.


