- ચીની પ્રમુખની હાસ્યાસ્પદ કોમેન્ટ
- અમેરિકાએ માનવાધિકારો પર ચિંતા વ્યક્ત કરી
- બાઈડેન-જિનપિંગની થઈ હતી મુલાકાત
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકા સાથેની બેઠક બાદ એક હાસ્યાસ્પદ દાવો કર્યો હતો કે, ‘પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાની સ્થાપના પછીના 70 વર્ષ કે તેથી વધુ વર્ષોમાં ચીને કોઈ પણ દેશને સંઘર્ષ કે યુદ્ધ માટે ઉશ્કેર્યું નથી અથવા એક ઈંચ પણ વિદેશી જમીન પર કબજો કર્યો નથી.’ મહત્વનું છે કે જિનપિંગ સાથેની આ બેઠક દરમિયાન જો બાઈડેને ચીનમાં શિનજિયાંગ, તિબેટ અને હોંગકોંગ સહિતના વિસ્તારોમાં માનવાધિકારોના ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરી હતી.
પાડોશી દેશોને અવાર-નવાર હેરાન કરી રહેલા ચીને હવે એવો દાવો કર્યો છે જેના પર ભાગ્યે જ કોઈ વિશ્વાસ કરી શકે. ક્યારેક ભારત સાથે યુદ્ધ કરનારા અને ક્યારેક તાઈવાનના ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી તેને હેરાન કરનારા ચીને દુનિયાની સામે પોતાની જાતને ખૂબ જ સારા દેશ રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. વાસ્તવમાં, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુરુવારે દાવો કર્યો હતો કે ચીને છેલ્લા 70 વર્ષોમાં ક્યારેય કોઈ પણ દેશને સંઘર્ષ કે યુદ્ધ માટે ઉશ્કેર્યું નથી અથવા તો કોઈ પણ દેશની એક ઈંચ પણ વિદેશી જમીન પર કબજો કર્યો નથી.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ટિપ્પણી એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) સમિટની સાઈડલાઈન દરમિયાન યુએસ પ્રમુખ જો બાઈડેન સાથેની તેમની બેઠકના કલાકો પછી આવી છે, જ્યાં બંને નેતાઓ એક વર્ષમાં પ્રથમ વખત મળ્યા હતા અને બંને દેશોએ એકબીજાના દેશોની વચ્ચે તણાવ ઘટાડવાનું વચન આપ્યું હતું. યુએસ-ચીન બિઝનેસ કાઉન્સિલ અને યુએસ-ચીન રિલેશન્સની નેશનલ કમિટી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શી જિનપિંગની ટિપ્પણીઓને અમેરિકા દ્વારા નજીકથી જોવામાં આવી રહી હતી.
શી જિનપિંગે વધુમાં દાવો કર્યો, ‘પીપલ્સ રિપબ્લિકની સ્થાપના પછીના 70 વર્ષ કે તેથી વધુ વર્ષોમાં, ચીને કદી પણ કોઈ પણ દેશને કોઈ સંઘર્ષ કે યુદ્ધ માટે ભડકાવ્યું નથી અથવા તો એક ઈંચ પણ વિદેશી જમીન પર કબજો કર્યો નથી.’ જો બાઈડેને બેઠક દરમિયાન માનવાધિકારો અંગે ચિંતા વ્યક્ત કરી. જેમાં ચીન દ્વારા સતત થઈ રહેલા માનવાધિકારોના ઉલ્લંઘન, શિનજિયાંગ, તિબેટ અને હોંગકોંગ સહિતના વિસ્તારોમાં હ્યુમન રાઈટ્સની અવહેલના અને લોકો પર અત્યાચારો જેવા મુદ્દાઓ પર અમેરિકા દ્વારા વાત કરવામાં આવી હતી. વ્હાઇટ હાઉસના નિવેદન અનુસાર, ‘રાષ્ટ્રપતિ બાઈડેને માનવાધિકારની સાર્વત્રિકતા અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર પ્રતિબદ્ધતાઓનું સન્માન કરવાની તમામ દેશોની જવાબદારી પર ભાર મૂક્યો હતો. તેમણે શિનજિયાંગ, તિબેટ અને હોંગકોંગ સહિતના ચીનમાં માનવાધિકારના ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
અત્રે નોંધનીય બાબત એ છે કે ચીનનો દાવો હાસ્યાસ્પદ લાગે છે કારણ કે 2020માં ચીની સૈનિકોએ ભારતીય જમીન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ ભગાડીને ડ્રેગનની યોજનાને નિષ્ફળ બનાવી હતી. વર્ષ 2020માં ગલવાનમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. મે 2020 થી, જ્યારે ચીની સૈનિકોએ પૂર્વી લદ્દાખમાં LAC સાથેની સ્થિતિને આક્રમક રીતે એકપક્ષીય રીતે બદલવાનો પ્રયાસ કર્યો, ત્યારે બંને પક્ષોને પેટ્રોલિંગ પોઇન્ટ 15 નજીક આગળની સ્થિતિમાં તૈનાત કરવામાં આવ્યા છે, જે ગલવાન અથડામણ પછી નવી પેટ્રોલિંગ પોઈન્ટ છે. એલએસી પર સ્થિતિ યથાસ્થિતિને એકપક્ષીય રીતે બદલવાના કોઈપણ પ્રયાસને રોકવા માટે 2020થી અદ્યતન શસ્ત્રો સાથે 50,000 થી વધુ ભારતીય સૈનિકો LAC સાથે ફોરવર્ડ ચોકીઓ પર તૈનાત કરવામાં આવ્યા છે.


