રાઇટ ટુ એજયુકેશન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ, ફોર્મ ભરવાનું વેબ પોર્ટલ ખુલ્યું
ગુજરાતની ૪૧,૪૧૧ અને અંગ્રેજી માધ્યમની ૪૦,૨૬૨ બેઠક માટે તા.૧૭મી સુધી ફોર્મ ભરી શકાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતના આર્થિક રીતે નબળા અને વંચિત જૂથના બાળકો માટે શિક્ષણના અધિકાર (RTE) હેઠળ મફત પ્રવેશની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% બેઠકો પર પ્રવેશ મેળવવા માટે વાલીઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ વર્ષે હજારો બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવનાર છે, જે અંતર્ગત વાલીઓએ નિયત સમયમર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
ચાલુ શૈક્ષણિક વર્ષ માટે ગુજરાતમાં RTE હેઠળ કુલ 84,000 થી વધુ બેઠકો ઉપલબ્ધ છે. જેમાં ગુજરાતી માધ્યમની શાળાઓમાં 41,411 બેઠકો અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં 40,262 બેઠકોનો સમાવેશ થાય છે. વાલીઓ પોતાની પસંદગીના માધ્યમ મુજબ ફોર્મ ભરી શકશે.
અરજી કરવાની છેલ્લી તારીખ અને સમયગાળોRTE હેઠળ પ્રવેશ મેળવવા ઈચ્છતા વાલીઓ આજથી 17 એપ્રિલ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આ મર્યાદિત સમયગાળા દરમિયાન વાલીઓએ સત્તાવાર પોર્ટલ પર જઈને જરૂરી દસ્તાવેજો સાથે નોંધણી કરાવવાની રહેશે. છેલ્લી ઘડીની ભીડથી બચવા માટે વહેલી તકે ફોર્મ ભરી દેવું હિતાવહ છે. ફોર્મ ભરતી વખતે તમામ વિગતો ચોકસાઈપૂર્વક તપાસી લેવી જેથી પાછળથી કોઈ મુશ્કેલી ન સર્જાય.
વાલીઓએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે બાળકનું આધાર કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો અને આવકનો દાખલો જેવા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા જોઈએ. જો દસ્તાવેજો અધૂરા હશે અથવા ખોટા હશે તો અરજી રદ થઈ શકે છે. ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ સંભાળીને રાખવી જરૂરી છે. આ યોજના હેઠળ પસંદ થયેલા બાળકોને ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવે છે, જે ગરીબ પરિવારો માટે આશીર્વાદ સમાન છે.
પાળી પધ્ધતિની અમલવારી
આ વર્ષની પ્રવેશ પ્રક્રિયામાં એક મહત્વનો ફેરફાર ‘પાળી પદ્ધતિ’નો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાની અનુકૂળતા મુજબ શાળાની પાળીનો વિકલ્પ પસંદ કરી શકશે. આ ઉપરાંત, નિયમ મુજબ અનામત વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશમાં અગ્રતા આપવામાં આવશે. નબળા આવક જૂથ, અનુસૂચિત જાતિ અને જનજાતિ સહિતના કેટેગરીના બાળકોને આ યોજનાનો સીધો લાભ મળશે.


