ભાદરવા સુદમાં આવતા આ વ્રતની કથા ઉલ્લેખનીય છે. વ્રતીએ સામો, ફળફળાદિ વગેરેનો આહાર કરી આખો દિવસ વિતાવવાનો હોય છે અને શક્તિ અનુસાર દાન પુણ્ય કરવું જોઈએ.
પ્રાચીન સમયમાં વિદર્ભ દેશમાં એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું. પતિનું નામ ઉત્તંક અને પત્નીનું નામ સુશીલા હતું. સુશીલા ધર્મશીલ અને પતિવ્રતા હતી. તેને એક પુત્ર અને એક પુત્રી હતાં. પુત્રનું નામ હતું સુવિભૂષણ.
પુત્રી ઉંમરલાયક થતાં તેને યોગ્ય કુળમાં પરણાવી, પરંતુ તે એકાએક વિધવા થઈ અને પિતાને ઘેર પાછી આવી. સુશીલાનું વૈધવ્ય જોઈ માતા-પિતા વ્યાકુળ બન્યાં. સુવિભૂષણ વિદ્યાભ્યાસ પરિપૂર્ણ કરી ઘેર આવ્યો. માતા-પિતા ઘરનો કારભાર પુત્રને સોંપી, વિધવા પુત્રી સાથે ગંગાતટે ગયાં અને આશ્રમ બાંધીને દિવસો નિર્ગમન કરવા લાગ્યાં. વિધવા પુત્રી માતા-પિતાની સેવાચાકરી કરી અને ભક્તિમાં પોતાનું જીવન વ્યતીત કરતી હતી.
આશ્રમમાં ઉત્તંક પાસે શિષ્યો વિદ્યાભ્યાસ અર્થે દૂરદૂરથી આવતા અને આ રીતે વિદ્યાદાનમાં ઉત્તંકના દિવસો પસાર થતા હતા. એક દિવસ પોતાની વહાલસોયી પુત્રીના શરીરે અસંખ્ય કીડા પડી ગયા. સુશીલા તો આક્રંદ કરવા લાગી. ઉત્તંક મુનિએ સમાધિમાં જોયું તો પુત્રીના પૂર્વજન્મનાં કર્મોને લીધે આ પીડા આવી પડી હતી. પૂર્વજન્મમાં જ્યારે તે રજસ્વલા (ઋતુધર્મવાળી) હતી ત્યારે તેણે ચાર દિવસ સુધી રજસ્વલા ધર્મનું પાલન કર્યું ન હતું. તેને વૈધવ્ય મળ્યું તેનું બીજું કારણ એ છે કે બીજી સ્ત્રીઓ ઋષિપંચમીનું વ્રત કરતી હતી ત્યારે તેણે આ વ્રતની નિંદા કરી હતી અને સ્ત્રીવૃંદની મજાક મશ્કરી કરી હતી. જે પોતાનું કર્તવ્ય ચૂકે અને બીજી વ્યક્તિની ધાર્મિક ભાવનાનો અનાદર કરે તેમની આવી સ્થિતિ થાય છે.
સુશીલાએ પતિદેવને પૂછ્યું કે, ઋષિપંચમી (સામાપાંચમ) વ્રતની ઉપેક્ષા કરવાથી આપણી પુત્રીના શરીરમાં જીવાત પડી, માટે આ વ્રત કયા પ્રકારે કરવું તે વિગતવાર કહો.
ઉત્તંક મુનિ સામાપાંચમની વ્રત-વિધિ કહે છે. ભાદરવા સુદ પાંચમના રોજ પ્રાત:કાળે ઊઠી સ્નાનવિધિથી પરવારી પોતાના ઈષ્ટદેવ સમક્ષ ઘીનો દીવો કરવો ને પ્રસાદ ધરાવી સપ્તઋષિ-મહર્ષિ વશિષ્ઠ, અત્રિ, ભારદ્વાજ, કશ્યપ, જમદગ્નિ, ગૌતમ, વિશ્વામિત્ર વગેરેનું ધ્યાન ધરવું. તેમની કથા-વાર્તા કરવી કે સાંભળવી. તે દિવસે સામો કે ઋતુનાં ફળફળાદિ, શાકભાજી વગેરેનો આહાર કરવો. વ્રતના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું. સુવાસિની સ્ત્રી આ પ્રમાણે વ્રત કરે તો રજસ્વલા ધર્મના અનાયાસે થઈ ગયેલ દોષોનું નિવારણ થાય છે. તે ઈહલોક તથા પરલોકમાં સુખ-શાંતિ મેળવે છે.
ઉત્તંક મુનિ પોતાની પત્ની સુશીલા તથા વિધવા પુત્રીને સામાપાંચમનું વ્રત-વિધિવિધાન કહી સંભળાવે છે. વિધવા પુત્રીએ તે દિવસથી સામાપાંચમનું વ્રત વિધિપૂર્વક કરવા દૃઢ સંકલ્પ કર્યો અને થોડા જ દિવસોમાં તેની કાયા કંચનવર્ણી બની ગઈ. આ વ્રતના દિવસે વ્રત કરનાર સ્ત્રીએ અઘેડાનું દાતણ કરવું. આમળાંના ચૂર્ણથી કેશ ધોવા અને શરીરે માટી ચોળીને સ્નાન કરવું. આહારમાં ફળફળાદિ તથા સામાનું સેવન કરવું. વડીલો તથા ગુરુની સેવા કરવી અને યથાશક્તિ દાન આપી વ્રત પરિપૂર્ણ કરવું.


