- સુનક ચૂંટણી જીતવા મતદારો સમક્ષ પોતાની નીતિઓ રજૂ કરશે
- અર્થવ્યવસ્થા ‘યોગ્ય દિશા’માં હોવાના સંકેતો આપી રહી છે: સુનક
- દેશના મહેનતુ લોકો માટે ટેક્સમાં ઘટાડો કરવાની સુનકની યોજના
બ્રિટિશ પ્રધાનમંત્રી દેશના વડા તરીકેની વધુ એક ઇનિંગ રમવાની તૈયારી કરી લીધી છે. તેમણે કહ્યું છેકે સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટી માટે તેઓ એકવાર ફરી ચૂંટણી જીતવા માટે મતદારો સામે પોતાની નીતિઓ રજૂ કરશે. તેમણે કહ્યું છે કે તેઓ વર્ષના બીજા સત્રમાં થનાર સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓમાં લાગી ગયા છે.
ગત સપ્તાહે એક ઇન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી ઋષિ સુનકે કહ્યું હતું કે તેઓ આશાવાદીઓ હોવાના કારણો છે, કારણ કે અર્થવ્યવસ્થા ‘યોગ્ય દિશા’માં હોવાના સંકેતો આપી રહી છે અને ‘ભવિષ્ય વધુ સારું’ થવા જઈ રહ્યું છે. તેમણે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે આ વર્ષની શરૂઆતમાં એવી અનુભૂતિ થઈ રહી છે કે દેશ યોગ્ય દિશામાં જઈ રહ્યો છે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે કારણ કે યોજનાઓ કામ કરી રહી છે.
તેમણે કહ્યું કે અમે ટેક્સમાં કપાત કરવામાં સક્ષમ છીએ. આર્થિક દબાણ ઓછી થવા લાગ્યો છે. આશા છે કે આ વર્ષ દરમિયાન અમે વધુ આર્થિક પ્રગતિ કરવાની ચાલુ રાખી શકીશું. એક સંદેશમાં તેમણે દેશના મહેનતુ લોકો માટે ટેક્સમાં ઘટાડો કરવાની યોજનાનું પુનરાવર્તન કર્યું. તેમણે કહ્યું કે આ મારી અને મારી પાર્ટીના મૂલ્યો છે. અમે સખત મહેનત કરનાર લોકોને સન્માનિત કરવા માંગીએ છીએ. આમ કરવાથી મહેનત કરી રહેલા લોકોને પ્રોત્સાહન મળે છે.
ચૂંટણી લડવા માટે તૈયાર: સુનક
એક મીડિયા રિપોર્ટ મુજબ, ઋષિ સુનક પોતાના ચાન્સેલર જેરેમી હંટની વાતોનું સમર્થન કરતાં જોવા મળ્યા. જેરેમી પહેલા જ પોતાના બજેટમાં ટેક્સમાં ઘટાડાના કદને લઈને ચર્ચા કરી ચૂક્યા છે. ઋષિ સુનકે વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું છે કે, બજેટ પહેલા અમારી પાર્ટીના લોકોએ ક્યારેય ટેક્સમાં ઘટાડા પર વાત નથી કરી. આ મામલે અન્ય લોકો જરૂરિયાત કરતાં વધુ વ્યાખ્યાઓ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ચાન્સેલર અને મે જે કહ્યું છે તે એ છે કે અમારી લાંબા સમયની યોજનાઓમાં ટેક્સમાં ઘટાડો કરવો પણ સામેલ છે. અમે ચૂંટણી લડવા માટે તૈયાર છીએ.
જોકે, કેટલાંક સર્વે મુજબ કન્ઝર્વેટિવ પાર્ટી, વિપક્ષની લેબર પાર્ટીને પછાડી રહી છે. સુનકના નેતૃત્વવાળી સરકાર મતદારો વચ્ચે સત્તા-વિરોધી લહેરનો સામનો કરી રહી છે.


