- 21 વર્ષીય દર્દીના પરિવારજનોની વ્હારે આવ્યા આરોગ્ય મંત્રી
- અમદાવાદ થી દર્દી ને તેલંગાણા એરલીફ્ટ કરવામાં કરી મદદ
- બ્લડ કેન્સરની સારવાર બાદ પરત ફરવા પૈસા ન હોવાની રજૂઆત
હાલમાં અમદાવાદમાં રહેતા અને રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 21 વર્ષનો યુવક બ્લડ કેન્સરનો ભોગ બનતા તેની મદદ માટે આરોગ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું અને માનવતા મહેકાવી હતી. જેમાં જરૂરિયાતમંદને આરોગ્યમંત્રીના માર્ગદર્શનમાં અમદાવાદથી વતન તેલંગાણા ખાતે એરલિફ્કટ કરવામાં આવ્યો હતો.
દર્દીને બ્રેઇનહેમરેજ સામે આવ્યું
આ અંગેની માહિતી અનુસાર, રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મૂળ તેલંગાણાના 21 વર્ષના યુવકને બ્લડ કેન્સર હતું. અભ્યાસ દરમિયાન એક દિવસ અચાનક બેભાન થઇને ઢળી પડ્યો. તાત્કાલિક તેને ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો. ત્યાં ખબર પડી કે દર્દીને બ્રેઇનહેમરેજ છે, ઇન્ફેકશન છે. તબીબોએ વિવિધ રિપોર્ટ્સ કરાવ્યા હતા. આવી સ્થિતિમાં દર્દીનું બચવું મુશકેલ હતું. પરંતુ તબીબોએ અત્યંત જટીલ અને ખર્ચાળ સર્જરી કરીને દર્દીનો જીવ બચાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા.
પરિવારજનોને પૈસાની તંગી
જ્યારે દર્દીના પરિવારજનોની તમામ નાણાકીય બચત સારવારમાં ખર્ચાઇ ગઇ હતી. પરિવાર દર્દીને અમદાવાદ થી પોતાના માદરે વતન તેલંગાણા લઇ જવા આર્થિક રીતે અક્ષમ હતું. હતાશ પરિવારને આઇ.સી.યુ. વોર્ડમાં જ દાખલ અન્ય એક દર્દીના સગાએ સલાહ આપી કે, રાજ્યના આરોગ્યમંત્રીને તમારી સમસ્યાની રજુઆત કરો. આ સાથે આરોગ્ય મંત્રીએ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો. અને દર્દીને મદદ કરવા માટે જરૂરી સુચનાઓ આપી. અન્ય ડિપાર્ટમેન્ટસના સહયોગ, કેન્દ્રીય મંત્રાલયના સહયોગથી આ દર્દીને એરલાઇન્સ મારફતે એરલિફ્ટ કરી તેલંગાણા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી.
હોસ્પિટલથી એરલિફ્ટ સુધીની વ્યવસ્થા કરી
આ પછી સૌથી મુશ્કેલ કામ દર્દીને એરલિફ્ટ કરીને તેલંગાણા મોકલવાનું કામ આસાન તો ન જ હતું. દર્દીની શારિરીક સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાતના નિષ્ણાંત તબીબોની ટીમ, નર્સિંગ સ્ટાફ, કેયર ટેકર, અન્ય જરૂરી સપોર્ટીવ મેડિશીન સાથેની વ્યવસ્થા કરવી જરૂરી હતી. મંત્રીની સૂચના પ્રમાણે આ સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી. 3 જાન્યુઆરીની રાત્રે 12-15 કલાકે આ દર્દીને એરલિફ્ટ કરીને તેલંગાણા પહોંચાડવામાં આવ્યો. હાલ આ દર્દી તબીબોની દેખરેખ હેઠળ છે.
દર્દી જ્યારે તેલગાંણા પહોંચી ગયો અને હોસ્પિટલમાં દાખલ થઇ ગયો. સ્થિતિ સંપૂર્ણપણે સ્થિત થઇ ત્યારે ફરી એક વખત મંત્રીએ આ દર્દીના સગા વ્હાલાઓને વીડિયો કોલ દ્વારા વાર્તાલાપ કર્યો. દર્દી અને સમગ્ર પરિવારજનોની સ્વાસ્થ્યની માહિતી મેળવી હતી. આ વાર્તાલાપ વેળાએ દર્દીના પરિવારજનો ભાવુક બની ગયા હતા અને તેઓએ ગુજરાત સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.


