સંચાલકોને આપેલી નોટિસ, સીલીંગ કાર્યવાહી છતા હજુ સુધી ડોમ દૂર ન થતા કડક કાર્યવાહી
રાજકોટ મનપાની ફાયરબ્રિગેડ શાખા અને ટાઉન પ્લાનીંગ શાખા બન્નેને ભ્રષ્ટ ઓથ હેઠળ રાજકોટની સંખ્યાબંધ શાળા, કોલેજ અને હોસ્પિટલ સહિતની ઇમારતોની અગાસી પેક થઇ જાય એ રીતે ડોમ ખડકાઇ ગયા છે. ટીઆરપી કાંડ બાદ દોડતી થયેલી ટીપી અને ફાયરબ્રિગેડ શાખાએ આવા ફાયર ડોમવાળી ઇમારતોનો સર્વે કરી નોટિસ અને સીલીંગની કાર્યવાહી કરી છે. આમછતા હજુ સુધી આવા ફાયર ડોમવાળી શાળા, કોલેજ અને હોસ્પિટલ સહિતની ૮૦ જેટલી ઇમારતોમાં ડોમ દૂર કરવામા આવ્યા ન હોય આવી તમામ ઇમારતોનું હીટલિસ્ટ તૈયાર થયુ છે. જેની સામે પગલાં લેવા મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઇએ કડક આદેશ કર્યો છે.
મોતના માચડા સમાન આવા ફાયર ડોમ મોટાભાગે શાળા-કોલેજોમાં વધુ છે. જેની સામે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને મહાપાલિકા ધ્રુતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહી છે. જે તે વખતે ઇમ્પેક્ટ ફીના ઓઠા હેઠળ ટેબલ નીચેનો વહીવટ કરીને ખાનગી શાળાની અગાસી પરના ગેરકાયદે ડોમને કાયદેસરની માન્યતા મેળવવાની શાળા સંચાલકોની કારી ફાવી ગઇ હતી. ફાયર સેફ્ટી અંગેની નવી ગાઇડલાઇનમાં આવા જીવતા બોમ્બ જેવા ડોમવાળી શાળા સામે પગલાં લેવાની જોગવાઇ છે જ. પરંતુ મનપાના ભ્રષ્ટ વહીવટના પાપે અત્યાર સુધી કોઇ પગલાં લેવામા ન આવ્યા. ટીઆરપી અગ્નિકાંડ થયા બાદ અંતે મનપા તંત્ર દોડતુ થયુ છે. ફાયર સેફ્ટી અને ફાયર ડોમવાળી શાળા, કોલેજ, હોસ્પિટલ સહિતની ઇમારતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. આમછતા ૮૦થી વધુ આવી ઇમારતોમાં હજુ પણ અગાસી પેક થઇ જાય એ રીતે ખડકાયેલા સ્ટ્રક્ચર ડોમ દૂર ન થતાં તે તોડી પાડવા માટે મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઇએ આદેશ કર્યો છે.
આવી ભયજનક ઇમારતોનું વોર્ડવાઇઝ હીટલિસ્ટ તૈયાર થયુ છે. ત્રણેય ઝોનના સિટી ઇજનેરોને ડોમવાળી આવી ઇમારતો સામે પગલાં લેવાની જવાબદારી સોંપવામા આવી છે.
ડોમમાં AC, શોર્ટસર્કિટથી આગ લાગે તેવી પુરી સંભાવના
જે શાળા, કોલેજ કે હોસ્પિટલ સહિતની ઇમારતોમાંની અગાસીમાં ફાયબર, અથવા તો અન્ય ફ્રેમ સ્ટ્રક્ચર સાથેની દિવાલ અને છત બનાવીને માચડો ખડકી દેવામા આવ્યો છે તેમા ગરમી ન થાય એ માટે પંખા ઉપરાંત એ.સી. મુકવામા આવ્યા છે. એ.સી. કે વાયરીંગમાં સ્હેજ એવો શોર્ટ સર્કિટ થાય તો ઘડીના છઠ્ઠા ભાગમાં જ આખો ફાયબર માચડો અગનગોળો બની જાય એમા શંકાને કોઇ સ્થાન નથી.
ટીપી શાખાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો
જે શાળાએ અગાસી પેક કરીને ફાયબર કે ફ્રેમ સ્ટ્રક્ચરથી આખે આખો માળ ઉભો કરી લીધો ત્યાં સુધી ટાઉન પ્લાનીંગ શાખાને શું ધ્યાન નહીં પડ્યુ હોય? આ તમામ માચડાં ૨૦૦૪-૦૫માં ખડકાઇ ગયા હતા. અહીં સવાલ એ છે કે, ૨૦૦૪થી ૨૦૧૧ એટલે કે સાત વર્ષ સુધી શા માટે કોઇ પગલાં ન લીધા? આ સવાલની ભીતરમાં જ એવુ સ્પષ્ટપણે સાબિત થાય છે કે સાત-સાત વર્ષ સુધી ટીપી શાખાની ભ્રષ્ટ ઓથ રહી અને ઇમ્પેક્ટ ફી આવી ત્યાંરે ભ્રષ્ટ નજર હેઠળ આંખ આડા કાન કરી રખાયાનો પર્દાફાશ થઇ ગયો. પાછલા પાંચ વર્ષમાં પણ અનેક ઇમારતોમાં ડોમ બની ગયા. સસ્પેન્ડેડ ભ્રષ્ટ ટીપીઓ એમ.ડી.સાગઠિયાના કાર્યકાળમાં પણ આવા અનેક બાંધકામ કૌભાંડોને ટેબલ નીચેનો વહીવટ કરીને ઇમ્પેક્ટ ફીની ઓથ આપી દેવામા આવી હોવાનું કહેવાય છે.