સોમવારે રાજય ચૂંટણી આયોગ સાથે ગુજરાતના તમામ જિલ્લા કલેકટરોની વિડિયો કોન્ફરન્સ
RMCની ચૂંટણી એપ્રિલના અંત અથવા મે માસના પ્રારંભે થાય તેવા સ્પષ્ટ સંકેત
SIR બાદ તા.૧૭મીએ આખરી મતદારયાદી પ્રસિધ્ધ થયા બાદ કલેકટર તંત્ર વોર્ડવાઈઝ મતદાર યાદી તૈયાર કરવામા લાગી જશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યની મોટાભાગની મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની મુદત ફેબ્રુઆરી-માર્ચમાં પૂર્ણ થઇ રહી છે ત્યારે ત્રણેક માસના વહીવટદાર રાજના સંકેતો વચ્ચે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયારી શરૂ કરવામાં આવી હોવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. હાલના સંજોગો મુજબ ચૂંટણી પંચના સુત્રોમાંથી મળતા સંકેત મુજબ એપ્રિલના અંતમાં અથવા મે માસના પ્રથમ પખવાડિયાની અંદર ચૂંટણી થશે. આગામી તા.9ના રોજ રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી છે. મહત્ત્વનું છે કે, SIR બાદ તૈયાર થયેલી મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તા.17 ફેબ્રુઆરીએ થનાર છે ત્યારે સંભવતઃ એપ્રિલ અંતભાગમાં અથવા મે માસમાં ચૂંટણી યોજાવાની સંભાવના છે.
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે, SIRને કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિલંબ થઇ રહ્યો છે ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પ્રથમ વખત જ આગામી તા.9ના રોજ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હોય કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની તૈયારી માટે જ આ બેઠક બોલાવી હોવાનું અધિકારીક વર્તુળો જણાવી રહ્યા છે.
સંભવતઃ આ બેઠકમાં આગામી તા.17મી ફેબ્રુઆરીએ SIR બાદ તૈયાર થયેલી મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ થનાર છે ત્યારે વહેલામાં વહેલી તકે નવી મતદાર યાદી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ફાળવી ટીપી-ડીપી તેમજ કોર્પોરેશન અને પાલિકા વિસ્તારમાં વોર્ડવાઈઝ મતદાર યાદી તૈયાર કરાવવાની કામગીરી અંગે પણ સૂચના આપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે મતદારયાદી સુધારણા (એસઆઈઆર)ની કામગીરી પૂર્ણ થતા હાલ કલેકટર તંત્ર દ્વારા વાંધા અરજીઓનો નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે. જે બાદ તા.17 ફેબ્રુઆરીના રાજકોટ જીલ્લાની મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી કરી દેવામાં આવશે. બે દિવસ પૂર્વે ચૂંટણીપંચના ગુજરાતના ઓબ્ઝર્વર મીશ્રાએ રાજકોટ કલેકટર કચેરી ખાતે રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લાના કલેકટર, અધિક કલેકટરો, ડે.ક્લેકટરો અને મામલતદારો સાથે બેઠક યોજી એસઆઈઆરની કામગીરીની સમીક્ષા કરી હતી.
રાજકોટ જિલ્લા ચૂંટણી પંચે ૪૦૦૦ EVMનું ફસ્ટ લેવલનું ચેકીંગ પણ કરી નાંખ્યુ
રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણી તૈયારીના ભાગરૂપે 4000 જેટલા ઇવીએમનું ફર્સ્ટ લેવલ ચેકિંગ કરી લેવામાં આવ્યું છે. ઈવીએમ વેરહાઉસ ખાતે ગત તા.27થી બેંગલુરુના છ ઇજનેર અને ટેક્નિકલ ટીમ દ્વારા સ્થાનિક મહેસૂલી કર્મચારીઓને સાથે રાખી એફએલસી કાર્યવાહી કરી હતી જેમાં 32 બિયુ. સીયુ ફોલ્ટી નીકળ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
રાજકોટ જિ.પં.ની મુદત 16 ફેબ્રુઆરી, મનપાની 11મી માર્ચે પૂર્ણ
રાજકોટ જિલ્લા પંચાયતના વર્તમાન શાસકોની મુદત આગામી તા.16 ફેબ્રુઆરીએ અને મહાનગરપાલિકાના શાસકોની મુદત તા.11 માર્ચે પૂર્ણ થતી હોય બન્ને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વહીવટદાર શાસન આવશે. જોકે રાજ્ય ચૂંટણી આયોગની તૈયારી જોતા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં લાંબો સમય માટે વહીવટદાર શાસન ન રહે તે માટે વહેલી તકે ચૂંટણી યોજવા તડામાર તૈયારી શરૂ કરી છે.
વોર્ડવાઈઝ મતદાર યાદીની ગોઠવણી માટે લાંબી કસરત
SIR બાદ તૈયાર થયેલી મતદાર યાદી વિધાનસભા બેઠક દીઠ હોય છે. આ મતદાર યાદીના આધારે જે તે પાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે મતદાર યાદી તૈયાર કરવામાં વોર્ડ રચના કેન્દ્રમાં રાખી દરેક વોર્ડમાં મતદાન મથક જે -તે વોર્ડમાં જ રહે તે માટે મતદાન મથકોનું પુનઃગઠન કરવું પડશે. સામાન્ય રીતે આ પ્રક્રિયા એકથી દોઢ માસ જેટલો લાંબો સમય સુધી ચાલતી હોય SIR મતદાર યાદી પ્રસિદ્ધ થાય તે પૂર્વે જ મતદાન મથકનું પુનઃગઠન સહિતની તૈયારીઓ શરૂ થઇ ચૂકી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.


